7 - સન્દેશ / દામોદર બોટાદકર


(સ્નેહધામ સૂનાં સૂનાં રે - ઢાળ)
ઊંચાં આકાશનાં આંગણાં,
સખિ ! નીચા તે મેઘલ મહેલ રે.
આંખડી આંસુભરી રે.

ઊંચે ચન્દા ચળકી રહી,
કાંઈ નીચાં ઢળે એનાં નેણ રે. આંખડી૦

ઊંચે ઉરે હું એકલી,
વહે નીચાં નેણાંનાં નીર રે. આંખડી૦

ભીંજે હૈયાનો હીરલો,
મારાં ભીંજાય નવરંગ ચીર રે. આંખડીο

ચન્દા ! ચટકતી ચાલતાં,
જરી સુણજે વિજોગની વાત રે. આંખડીο

એક સન્દેશડો આપજે,
મારી ઝૂરી મરે જ્યાં માત રે. આંખડી૦

"શાં શાં એંધાણે એાળખું ?
કઈ ઝૂરી મરે છે માય રે ! આંખડી૦

રોતાં આંખલડી રાતડી,
એનું હૈયું હિંચોળા ખાય રે. આંખડી૦

ઘૂમી રહે ઘર ઘેલડી,
એને કામ સૂજે નહિ કાંય રે. આંખડી૦

કાગ ઉડાડતી આંગણે,
એ તો દોડી-દોડી ડોકાય રે. આંખડી૦

ગાય વળાવતી ગોંદરે,
એની એક દિશામાં આંખ રે. આંખડી૦

પન્થી–પન્થીને પૂછતી,
એનો એકલડો અભિલાખ રે. આંખડી૦

એ રે એંધાણે એાળખી,
સખિ ! કહેજે કુશળનાં કે'ણ રે. આંખડી૦

આજ નાખ્યું મેં એટલું,
તને વહાલી ગણીને વેણ રે.
આંખડી આંસુભરી રે.


0 comments


Leave comment