7 - શો કળજગ છે ના! / દ્વિરેફની વાતો – ૧ / રામનારાયણ વિ. પાઠક


      આજે ઠંડી હોવાથી છોકરાં જરા મોડાં બહાર નીકળ્યાં. ઇન્દુ ખીસામાંથી દાળિયા ખાતો હતો અને નાના ભાઈ બિન્દુની રકાબીમાં પૂરીઓ હતી તે પડી ન જાય તેટલા માટે વચમાં વચમાં તેને ઝાલવામાં મદદ કરતો હતો. બાબુ ભાખરી વચ્ચે થોડું ઘી રાખીને કોરેથી ફરતાં બટકાં ભરી કાંગરી રચતો હતો. તારા પાસે બોર હતાં. તેણે બાબુને એક બોર બતાવીને કહ્યું : ‘જો કેવું મોટું બોર છે! તારી પાસે છે કાંઈ! બાબુ કહે : ‘પણ મારી પાસે તો ભાખરી છે. તારા બોરથીય મોટી!’ પદ્મા બે હાથ પહોળા કરી વચમાં બોલી ઊઠી : ‘કોઈની પાસે આવડી મોટી ભાખરી હોય?’ વિનુ આવીને કહે : ‘કોઈની પાસે મોટી આકાશ જેવડી ભાખરી હોય?’ ઇન્દુ આકાશ તરફ આંગળી કરી કહે : ‘આકાશમાં તો જો ચાંદો હોય!’ બાબુ કહે : ‘આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી!’ બધાં છોકરાંને આ વાત બહુ ગમી ગઈ, તેથી બધાં ‘આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ઘી’ કહીને કૂદવા લાગ્યાં. બાબુએ ભાખરીનું છેલ્લું બટકું જરા મોટું હતું છતાં બધા ઘી સાથે મોંમાં મૂકી દીધું. બિન્દુની રકાબીમાંથી પૂરીઓ પડી ગઈ. પદ્મા ખાવાનનું ભૂલી ગઈ અને નાચવા લાગી. કીકો શાંત ઊભો ઊભો તમાશો જોતો હતો અને ખીસામાંથી કાજુ ખાતો હતો. એટલામાં કંપાઉન્ડની દીવાલ આગળ કાંઈ ધબાકો થયો અને એક કુરકુરિયું ઊં ઊં કરવા લાગ્યું. વિનુ ‘મારા મોતિયાને વાગ્યું’ કહેતો દોડયો એટલે તેની પાછળ બિન્દુ ‘મારી ફેની, મારી ફેની’ કહેતો દોડયો. બીજાં છોકરાં પોતપોતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યાં. ત્યાં જઈને જુએ તો એક પોટલું પડેલું. વિનુના મોંમાંથી ‘અરે! આ તો જામફળ!’ એવો ઉદ્ગાર નીકળી ગયો. ઇન્દુ તેના તરફ બે હાથ લાંબા કરી જાણે આ પોટકાને સમજી ન શક્યો હોય તેમ આશ્ચર્યચકિત થઈ ઊભો રહ્યો. કીકો આ સાંભળી દોડી આવ્યો અને સૌથી પહેલો પોટકાના કાણામાં હાથ ઘાલી જામફળ કાઢી ખાવા લાગ્યો. ત્યારે જ જાણે બધાંને ખાવાનો વિચાર આવ્યો હોય તેમ બધાં છોકરાં ‘જામફળ જામફળ’ બોલતાં ભેગાં થઈ ગયાં અને એક પછી એક જામફળ ખાવા લાગ્યાં. તારાએ એક જામફળને બચકું ભરી પદ્માને બતાવ્યું : ‘જો મારે રાતું નીકળ્યું!’ બિન્દુ આવી પહોંચ્યો હતો તે કહે : ‘મને.’ બીજી તરફ બાબુએ બીજા જામફળને બટકું ભર્યું અને કહે ‘જો મારે ધોળું નીકળ્યું!’ અને બિન્દુ કહે : ‘મને.’ નટુ, હીરા, તનુ સર્વ આમાં ભળ્યાં. સર્વેને ખાતાં જોઈ બિન્દુ રડવા લાગ્યો, એટલે ઇન્દુ તેને ‘નહિ હોં ભાઈ, જો હમણાં તને સરસ ખોળી દઉં, હોં!’ કહી સાંત્વન આપી જામફળ ખોળવા લાગ્યો, પણ તેને એકેય પસંદ પડતું નહોતું. કીકો પોતાનું જામફળ પોતાના હાથમાં જ રાખી બીજાને ‘જોઈએ તારું કેવું લાગે છે?’ એમ પૂછી પૂછીને બીજાનાં જામફળો ચાખવા ને ખાવા લાગ્યો. તારાએ તેને બહુ ડાહ્યું મોં કરી કહ્યું : ‘અરે, એ તો વાણિયાં છે, એનું એઠું ખવાય કે?’ કીકાએ બહુ ચતુરાઈથી જવાબ આપ્યો : ‘પણ હું ખાધેલા ભણીથી નથી ખાતો.’ હજી ઇન્દુની પસંદગી પૂરી થઈ રહી નહોતી. તેને બીજાનાં લીધેલાં જામફળ સારાં લાગતાં હતાં અને પોટકામાંથી એકેય પસંદ પડતું નહોતું. બિન્દુ પોતાની મેળે જામફળ લઈ શરૂ કરી શકે એમ હતું પણ તેને પોતાની મેળે લેવાનું સૂઝતું નહોતું. ભાઈના વચન પર જ તે આધાર રાખી રહ્યો હતો અને હજી નહિ મળવાથી ધીરજ ખોઈ હવે રડવા માંડયો હતો. બીજાં કોઈ છોકરાંને તે બે ભાઈઓને કંઈ આપવાનો વિચાર આવતો નહોતો. હવે કીકાએ નવો પ્રયોગ શરૂ કર્યો. તેણે ખાવા ઉપરાંત જામફળ ખીસામાં ભરવા માંડયાં. તેનું જોઈ બાબુએ એક મોટું જામફળ પસંદ કરી લીધું અને ખીસું ફાટતું હતું છતાં જોર કરી નાખવા લાગ્યો. પદ્મા પાસે ખીસું નહોતું એટલે તેણે ઘાઘરીની ઝોળી કરી તેમાં ભરવા માંડયાં. હવે બધાં એ જ પ્રમાણે કરવા માંડયાં અને તેથી એવી સ્પર્ધા ચાલી કે દરેકને એમ લાગ્યું કે ‘મારાં જામફળ બીજો લઈ જાય છે.’ સર્વ તેથી ખાવાનું છોડી એકબીજાનાં ઝૂંટાવવા લાગ્યાં અને બૂમાબૂમ થઈ ગઈ. કેટલાંક ખરેખર આંસુ પાડતાં હતાં અને કેટલાંક માત્ર બૂમો પાડતાં હતાં. પાસેના ઘરમાં ઠાકોર બેઠો બેઠો કૉપી બુક લખતો હતો તે આ સાંભળી ‘શું છે? શું છે?’ કરતો બહાર આવ્યો. હીરાના હાથમાં જામફળ જોઈ ‘જામફળ ખવાય કે? તાવ આવે!’ કહી તેના હાથમાંથી ફેંકી દેવરાવવા તે આગળ ગયો અને જામફળનું પોટકું જોઈ તેણે પૂછયું : ‘આ પોટકું ક્યાંથી?’ પદ્માએ કહ્યું : ‘આકાશમાંથી પડયું!’ ઠાકોરે આ હકીકત તો માની નહિ પણ આસપાસ જોઈ ‘અરે, આમ જામફળ ખવાય? તાવ આવશે!’ કહી ડોળા કાઢી સૌને શિખામણ દેતો હોય તેમ બોલ્યો : ‘જો મીઠા વિના જામફળ ખાઈએ તો તાવ આવે. તે જાઓ એક જણ મારા ટેબલમાંથી છરી લઈ આવો ને બીજો કોક ઘેરથી મીઠું લઈ આવો.’ કીકો દોડીને છરી લઈ આવ્યો અને ઠાકોર સાથે ભાઈબંધી કરી તેની પાસે બેસી જામફળનાં ચીરિયાં ખાવા લાગ્યો. ઇન્દુ મીઠું લેવા ગયો હતો તેની ખાસ કોઈએ રાહ જોઈ જ નહોતી, પણ મીઠું લાવ્યો એટલે ઠાકોરે ‘હા, ઠીક કર્યું, ડાહ્યો છોકરો!’ એમ કહી એક પાંદડામાં મીઠું મૂક્યું અને સપાટાબંધ છરી અને મોં ચલાવવા લાગ્યો. જામફળ ઘણાં હતાં પણ તે હવે આખા પોટકાનો ધણી થઈ બેઠો હતો અને કોઈને મીઠા અને ચીરિયાં કર્યા વિના ખાવા દેતો નહોતો. તેનું મોઢું ભરેલ હોય તે દરમિયાન જ તેના હાથ બીજાઓ માટે કામ કરતા હતા, તે સિવાય બીજાને ખાવાની તક રહી નહોતી. ઇન્દુ-બિન્દુ હજી પ્રેક્ષકો જ હતા, અને ‘મને’ ‘મને’-ના વ્યર્થ ઉચ્ચારો વચ્ચે વચ્ચે કરતાં હતાં, પણ ટોળામાં કોઈ રોતું નહોતું. કોઈ લડતું નહોતું.

      પોટકું પડયાને હવે થોડો વખત થયો હશે. કંપાઉન્ડમાં દૂરના દરવાજે થઈને આ તરફ એક ગામડિયો આવ્યો અને પોટકું માગવા લાગ્યો. ઠાકોરે સૌથી પહેલી ચાલતી પકડી અને ઘરમાં જઈ પાછું પહેલાંનાં પેઠે કૉપી બુક લખવાનું શરૂ કર્યું. બીજા છોકરાંને હવે જામફળ ખાવાનો લાગ મળ્યો માટે બધા પાછાં પોટકા આસપાસ વીંટાયાં અને જામફળ વીણવા લાગ્યાં. પેલો માણસ નજીક આવી પોટકું લેવા જતો હતો એટલે કીકાએ બૂમ પાડી. ‘જતો રહે, નહિ તો મારી બાને કહી દઈશ.’ એટલે તારા, પદ્મા, નટુ, મનુ સર્વે બા અને બાપાને સંબોધી લગભગ રોવા જેવી બૂમો પાડવા લાગ્યાં. અવાજ સાંભળી લક્ષ્મીપ્રસાદ બહાર આવ્યા અને પૂછયું : ‘શું છે?’ પેલા ગામડિયાએ કહ્યું : ‘ભાઈ, જામફળનું પોટકું વેચવા લઈ જતો હતો, વચમાં થાક્યો ને વંડીએ પોટકું ટેકવ્યું. તે આ બાજુ પડી ગયું.’

      લક્ષ્મીપ્રસાદ : ‘તમારું પોટકું તમને લેવા નથી દેતાં! છોકરાંય તે!’

      પેલાએ કહ્યું : ‘શો કળજગ છે ના!’


0 comments


Leave comment