54 - તને ક્યાંથી ખબર પડે ? / ગૌરાંગ ઠાકર


ખળખળમાં વહેતાં જળ તને ક્યાંથી ખબર પડે ?
તારામાં છે વમળ, તને ક્યાંથી ખબર પડે ?

પર્વતની છાતી જોઇને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?

તારી દુઆ અસર કરી ગઈ જીતવામાં દોસ્ત,
મારું તું પીઠબળ તને ક્યાંથી ખબર પડે ?

ઈશ્વર તમારું ધ્યાન તો દીવા તરફ હતું,
તો પણ હવા સફળ, તને ક્યાંથી ખબર પડે ?

તરસી ધરા ગગનને કહે, સ્હેજ તો વરસ,
વરસાદ તારું છળ, તને ક્યાંથી ખબર પડે ?

આંસુનું મૂળ આંખમાં શોધીશ ના પ્રિયે,
ડૂમો રુદનનું તળ તને ક્યાંથી ખબર પડે ?

તારા વિશે ગઝલ, તને બસ એટલું કહું,
તું વેદનામાં કળ, તને ક્યાંથી ખબર પડે ?


0 comments


Leave comment