55 - પવન / ગૌરાંગ ઠાકર


ભીનો ભીનો વળગે તો પણ ન સ્હેજે કશે દેખાય પવન,
કાયામાં કાયમ રહેતો પણ, દેહ વગરનો કહેવાય પવન.

જંગલ જંગલ ભટકી થાકે ક્યાંક પડીને પોરો ખાતો,
વાંસવનેથી આવે ત્યારે તો સૂર બની રેલાય પવન.

સૂરજથી નીકળીને સીધો, રણમાં આંધી થઇ ફૂંકાતો,
રાતોપીળો વાતો ત્યાં જ્યારે ગુસ્સામાં વરતાય પવન.

રસ્તા વચ્ચે વહેતાં વહેતાં કોડીલી કન્યાને પજવે,
પાલવને ઉડાડે ત્યારે ના થોડો પણ શરમાય પવન.

ક્યાંક બગીચે ભરજોબનમાં વડલા નીચે વૃદ્ધ સરીખો,
ગામ વચાળે દોડે ત્યારે, બાળક જેવો થઈ જાય પવન.

માણસમાં એ પ્રાણ બને ને ફાનસમાં ફફડાટ બની જાય,
કોઈ જતનથી ખોબો ધરતું, તો મિત્ર બની રોકાય પવન.


0 comments


Leave comment