56 - પરિવાર થઈ જાય / ગૌરાંગ ઠાકર
અહીં આપણો એ જ વિસ્તાર થઈ જાય,
સકલ આ જગત એક પરિવાર થઈ જાય.
હવે દોસ્ત, કોઈ ચમત્કાર થઈ જાય,
નિરાકાર સુખ કોઈ આકાર થઈ જાય.
સમયસર પ્રણયની રજૂઆત કરજો,
પછી તો હૃદય પણ સમજદાર થઈ જાય.
પવન છાંયડાને હલાવે પછી તો,
સૂરજનાં કિરણ બહુ અણીદાર થઈ જાય.
તને પામવાં એક રસ્તો મળ્યો છે,
કવિતા લખું ત્યાં તું સાકાર થઈ જાય.
અમે એકધારી ખુમારીમાં જીવ્યાં,
ભલે જીવવું એક પડકાર થઈ જાય.
અહીં જન્મથી મૃત્યુ વચ્ચે ન જાગ્યો,
ફરી જીવતર ઝોકું પુરવાર થઈ જાય.
0 comments
Leave comment