57 - ધમાલ થઈ ગઈ ... ! / ગૌરાંગ ઠાકર


વસંત આવી, ધમાલ થઈ ગઈ,
બધા બગીચે બબાલ થઈ ગઈ.. !

બધા જ લોકોએ મ્હેક માંગી,
હવા પછી તો, હમાલ થઈ ગઈ.

સૂરજ ગયો છે ગુલાલ છાંટી,
આ સાંજ તેથી જ, લાલ થઈ ગઈ.

તમારી ઝળહળ સવાર માટે,
લ્યો, રાત આખી હલાલ થઈ ગઈ.

બધું જ વાંચી શકાય એવી,
પ્રણયમાં આંખો, ટપાલ થઈ ગઈ.

તમે હતાંથી, તમે ગયાં તે,
પળોની વચમાં, કમાલ થઈ ગઈ.

તમે જ મારી ગઝલ બનો ને,
કલમ હવે તો મશાલ થઈ ગઈ.


0 comments


Leave comment