60 - ઈશ્વર / ગૌરાંગ ઠાકર


કૃપા તારી બધા પર એકધારી રાખજે, ઈશ્વર,
હરણ જીતે સતત એવો શિકારી રાખજે, ઈશ્વર.

ગજા ઉપરાંત માંગીશું નહીં પણ એટલું કરજે,
અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે, ઈશ્વર.

નવાં ફૂલો છે, ભરબપ્પોરમાં ઝાકળને ઈચ્છે છે,
તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે, ઈશ્વર.

ભલેને પાનખર ડાળી ઉપરથી પાંદડાં લઈ લે,
છતાં આ વૃક્ષમાં થોડી ખુમારી રાખજે, ઈશ્વર.

હવાલો શ્વાસનો સોંપે, કદી શંકા નથી કરતો,
નવેસરથી તું માણસને વિચારી રાખજે, ઈશ્વર.


0 comments


Leave comment