2.1 - અંક પહેલો – દૃશ્ય – ૧ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(સમય રાત્રિના લગભગ ૧૨ વાગ્યાનો. ‘સેવ લાઈફ હોસ્પિટલ’નો ઈમર્જન્સી વોર્ડ બોય સ્ટૂલ ઉપર બેઠો બેઠો ઝોકા ખાતો હોય, ત્યાં એમ્બ્યુલન્સની સાયરન વાગે. નર્સ બહાર આવીને વોર્ડ બોયને જગાડે.)

નર્સ : ઉઠ... સાયરનનો અવાજ નથી સંભળાતો ?
વોર્ડબોય : (ઊંઘમાંથી જાગતા) હા.. હા... હવે... અત્યારે કોણ મરવા આવ્યું હશે... !
નર્સ : હા... ખરેખર મરવા જ આવ્યું લાગે છે !
વોર્ડબોય : સિસ્ટર તમારા હાથે...? જો કે તમારા હાથે મરવાનું હોય તો હું મરવા    તૈયાર છું...
નર્સ : શટ અપ ! મારો કહેવાનો મતલબ એ હતો કે આજે ઈમર્જન્સી વોર્ડમાં ડૉક્ટરો જ ગેરહાજર છે.. એટલે...
વોર્ડબોય : કેમ ડૉ. મિલી નથી ?
નર્સ : છે ને, પણ કોઈ કોમ્પ્લિકેશન ઊભા થાય તો એ બિચારી શું કરવાની હતી.. સાવ જુનિયર છે ને... (વૉચમેન સ્ટ્રેચર.. સ્ટ્રેચર.. ની બૂમો મારે. વોર્ડ બોય દોડતો સ્ટ્રેચર લેવા જાય.)

ડૉ. મિલી : કોઈ ઈમર્જન્સી કેસ આવ્યો લાગે છે ! (ચેમ્બરમાંથી બહાર આવતા)
નર્સ : યસ ડૉક્ટર !
(વોર્ડ બોય સ્ટ્રેચર ઉપર દર્દીને લઈને દાખલ થાય. તેની પાછળ તેની પત્ની અને યુવાન પુત્ર દાખલ થાય. દર્દીને બેડ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે. ડૉ. મિલી, નર્સ, વોર્ડ બોય ટ્રીટમેન્ટની તૈયારી કરે)

ડૉ. મિલી : (તપાસ કરતાં) શું તકલીફ છે ?
    (દર્દી બોલવાનો પ્રત્યન કરે, પણ બોલાતું નથી, માત્ર હાથના ઈશારાથી સમજાવવા પ્રયત્ન કરે)
પત્ની : ડૉ. સાહબ અમે તો બહુ ગભરાઈ ગયા’તા... શ્વાસેય નો લેવાય... ડોળા ચઢી ગયા’તા...
ડૉ. મિલી : કોઈ વ્યસન છે ? બીડી... સિગારેટ... તમાકુ... દારૂ.
પત્ની : હા સાહબ... એની જ તો બધી મોકાણ છે... હાચું કઉં... રોજ જ પીવા જોઈએ... આપણે ના પાડીએ તો લડવા લાગે... કોઈનું નો હાંભરે... આ મારા રવલાના હમ દઈને કઉં છું... બઉંએ છોડવા કોશિશ કરી પણ ઈમને દારૂ વગર નો હાલે...
    (પત્નીના સંવાદો ચાલું રહે તે દરમ્યાન ડૉ. મિલીની ટ્રીટમેન્ટ ચાલુ રહે બી.પી. માપે... નર્સને ગ્લુકોઝનો બાટલો ચઢાવવાની સૂચના આપે. ઓક્સિજન માસ્ક માટે વોર્ડ બોયને ઈશારો કરે...)

પત્ની : ડૉ. સાહબ મારા ઘરવાળાને હારું તો થઈ જશે ને... !
ડૉ. મિલી : તમે સમયસર લઈ આવ્યો છો... જરા મોડું જર્યું હોત તો...
પત્ની – જોયું ! હું તો કે’વારની કે’તી હતી પણ મારું કોણ માને... ડૉ. સાહબ, પણ હારું થઈ જશે ને? (ડૉ. મિલીનું ધ્યાન દર્દીમાં હોય છે.)

ડૉ. મિલી : મોં ખોલો...
    (દર્દી મોં ખોલે. જીભ તપાસે...)
    તમારું નામ શું છે !
    (દર્દી બોલવાનો પ્રયત્ન કરે પણ બોલાતું નથી)
પત્ની : અલ્યા રવલા તારા બાપાનું નામ કહે...
    (ડૉ. મિલી હાથના ઈશારે અટકાવે દર્દી સાથે સંવાદ ચાલુ રાખે...)
ડૉ. મિલી :  બોલો કાકા શું થાય છે ?
પત્ની : હવે એ શું કહેવાના... બોલાતું જ નથી ત્યારે...
ડૉ. મિલી : બહેન તમે મહેરબાની કરીને બહાર બેસો...
    વોર્ડ બોય, તેમને બહાર લઈ જાવ...  
વોર્ડ બોય : ચાલો બહાર બેસો... (બંનેને બહાર લઈ જતો હોય ત્યાં નર્સ અટકાવે.)

નર્સ : જુઓ, બહાર કાઉન્ટર ઉપર જઈને ડિપોઝીટ ભરી ફાઈલ બનાવી લાવો...(નર્સ એક કાગળ હાથમાં આપે તે લઈને બંને જણા બહાર જાય.)
ડૉ. મિલી : બી.પી. કન્ટ્રોલમાં નથી આવતું. ઈ.સી.જી લેવો પડશે, નર્સ ઈ.સી.જીની તૈયારી કરો.
નર્સ : યસ. ડૉ.ક્ટર.
ડૉ. મિલી : અને ઓક્સિજનનું માસ્ક આપો. હું ડૉ. અગ્રવાલ સાથે ફોન ઉપર વાત કરી લઉં.
    (ફોન ઉપર) ગુડ ઈવનિંગ ડૉક્ટર... હું ડૉ. મિલી... સોરી સર... પણ એક ઈમર્જન્સી કેસ છે... બી.પી. કન્ટ્રોલ નથી થતું... શ્વાસ લેવામાં તકલીફ છે... યસ સર... આલ્કોહોલિક કન્ડિશન છે. ... યસ... પણ સર તમે આવો છો ને ? ઓ.કે... ઓ.કે સર. યસ આઈ વિલ ટ્રાય ટુ હેન્ડલ ધીસ કેસ... ઓ.કે. થેંકયુ સર

નર્સ : સાહેબ નથી આવતાં...?
ડૉ. મિલી : ના... જરૂર પડે ત્યારે ફોન કરીશું.. (પત્ની તથા પુત્ર પાછા ફરે છે.)
પત્ની : ડૉ. સાહેબ અત્યારે અમારી પાસે પૈસા નથી... ડિપોઝીટના તૈણ હજાર માંગે છે.... મારી પાસે તો માંડ ૫૦૦-૭૦૦ હશે...
ડૉ. મિલી : કાંઈ વાંધો નહીં, કાલે જમા કરાવજો.
પત્ની : પણ એ તો ફાઈલ બનાવવાની જ ના પડે છે.
ડૉ. મિલી : હું કહું છું (ફોન ઉપાડે) અને હા... આ દવાઓ બહાર મેડિકલ સ્ટોર ઉપરથી લઈ આવો... જલ્દી.
નર્સ : ડૉકટર... (ડૉ. મિલી બેડ તરફ ધસે છે)
ડૉ. મિલી : કન્ડીશન વધારે કિટિકલ થતી જાય છે.
નર્સ : યસ ડૉક્ટર... કદાચ આવતીકાલની સવાર...
ડૉ. મિલી : નો... નેવર.. આપણું કામ દર્દીને બચાવવાનું છે...
નર્સ : ડૉ. અગ્રવાલ કેમ આવવાની ના પડે છે ?
ડૉ. મિલી : ના નથી પાડી... પણ મને નથી લાગતું કે અત્યારે આવે. 

    (પત્ની તથા પુત્ર દવાઓ લઈને આવે છે. વોર્ડ બોય તેને બહાર સવા કહે છે... બહાર દરવાજા પાસે કાચમાંથી બંને જણા જોતાં ઊભા રહે છે. ડૉ. મિલી સતત પ્રયત્નો કરે છે. નર્સ તથા વોર્ડ બોયને સૂચનાઓ આપતી રહે છે. બી.પી... કાર્ડીયોગ્રામ... ઈન્જેક્શન... વગેરે ટ્રીટમેન્ટો ચાલું જ રહે છે. દરમ્યાન સમય વીતી જતો હોય તેવું સંગીત... ધીમે ધીમે સવાર પડે... દર્દી શાંત થઈ ઊંઘી જાય... ડૉ. મિલી આખી રાત દોડધામથી થાકેલી જણાય... નર્સ તથા વોર્ડ બોય ઝોકા ખાતા હોય... ડૉ. મિલી  આખરે સંતોષ થતાં બહાર આવે...)

પત્ની : (ડૉ. ને જોતાં) સાહેબ... કેમ છે હવે ?
ડૉ. મિલી : હવે પહેલાં કરતાં સારું છે... અત્યારે ઊંઘે છે તો ઊંઘવા દો એમને ડિસ્ટર્બ નહી કરતાં. હમણા બીજા ડૉક્ટર આવશે... (ડૉ. મિલી નીકળી જાય જાય... ડૉ. અગ્રવાલ આવે. નર્સ વોર્ડ બોય... સાથે પ્રવેશે.. પેશન્ટને તપાસે... રિપોર્ટ જુએ)
ડૉ. અગ્રવાલ : ગૂડ... પેશન્ટની સાથે કોણ છે ?
પત્ની : (આગળ આવતાં) હું છું સાહેબ... એમની ઘરવાળી
ડૉ. અગ્રવાલ : જુઓ અત્યારે તો સારું છે પણ થોડાં દિવસ અહીં જ રાખવા પડશે.
પત્ની : હા સાહેબ. તમારો પાડ માનું સાહેબ. મારા ઈમને બચાવી લીધા..
ડૉ. અગ્રવાલ : મારો નહીં, રાત્રે જે ડ્યૂટી ઉપર હતાં તે ડૉ. મિલીનો આભાર માનો.
પત્ની : હા સાહેબ... તમારી વાત હાવ હાચી છે. ઈ ડૉક્ટરે તો બિચારાએ આખી રાત જાગીને મારા ઘરવાળાને બચાવ્યા છે. ઈમનો જેટલો પાડ માનું ઈટલો ઓછો...
ડૉ, અગ્રવાલ : (નર્સને) બટ વેર ઈસ ડૉ. મિલી ? આઈ મસ્ટ કોન્ગ્રેચ્યુલેટ હર !
નર્સ : એમની ડ્યૂટી પૂરી થઈ ગઈ એટલે જતાં રહ્યાં હશે...!
વોર્ડ બોય : સર હમણાં મેં એમને જતાં જોયાં...
ડૉ. અગ્રવાલ ક્યાં જતા જોયા... ?
વોર્ડ બોય : એમના... ઘર તરફ...

    (નાટકના ટાઈટલની કૉમેન્ટ્રી, જે પૂરી થતાંની સાથે રેકોર્ડેડ અવાજમાં)
અવાજ : થોડાં જ વખતમાં ડૉ. મિલીની બદલી ડૉ. શ્રીનિવાસનના હાથ નીચે કીડની વોર્ડમાં થઈ અને તેમના હાથ નીચે કામ કરતાં કરતાં ડૉ. મિલીએ ડૉ. શ્રીનિવાસનનો વિશ્વાસ જીતી લીધો... ડૉ, શ્રીનિવાસન પણ ડૉ. મિલીનો કામ પ્રત્યેનો લગાવ જોઈને ખૂબ ખુશ હતાં.... હોય જ ને! કારણ, મિલીની અહીં સુધીની સફર તેમને જ તો આભારી હતી.
    (પ્રકાશ થાય ત્યારે ડૉ. શ્રીનિવાસન તથા ડૉ. મિલી જનરલ વોર્ડમાંથી બહાર નીકળી તેમની ચેમ્બર તરફ જતાં હોય.)

ડૉ. શ્રીનિવાસન : મિલી ! મિસિસ ભાટિયાના ફર્ધર રિપોટ જોયાં ?
ડૉ. મિલી : યસ સર, મને લાગે છે કે તેમણે હવે જેમ બને તેમ જલ્દી કીડની ટ્રાન્સ પ્લાન્ટ કરાવી લેવી જોઈએ.
ડૉ. શ્રીનિવાસન : રાઈટ યુ આર...! હવે વધારે સમય ડાયાલીસીસ ઉપર રહી શકે તેમ નથી.
ડૉ. મિલી : યસ સર, હવે તો અઠવાડિયામાં ત્રણ ત્રણ દિવસ ડાયાલીસીસ માટે આવવું પડે છે.
ડૉ. શ્રીનિવાસન : ચાલો આપણે એમને પણ જોઈ લઈએ...
ડૉ. મિલી : સર હું એમના રૂમમાં ગઈ હતી ત્યારે તેઓ જાગ્યા ન હતા, મેં જગાડવાની થોડી કોશિશ કરી પણ રાત્રે આપેલી મેડિસિનની અસરને કારણે...     
ડૉ. નિવાસન : રાઈટ, એ મેડિસિનને કારણે ડ્રાઉંઝિનેસ વધારે રહે છે... તો શું કરીશું... મારી ચેમ્બરમાં તેઓ જાગે તેની રાહ જોતાં જોતાં કોફી પીશું... ? ઓ.કે. ?
ડૉ. મિલી : ઓ.કે સર (સામેથી) ડૉ.  રવિ આવતો દેખાય)

ડૉ. રવિ : (ડૉ. નિવાસનને) ગુડ મોર્નિંગ સર !
ડૉ. નિવાસન : ગુડ મોર્નિંગ (પોતાની ચેમ્બરમાં જતાં રહે)
ડૉ. રવિ : ગુડ મોર્નિંગ મિલી... ડૉ. મિલી.
ડૉ. મિલી : કેમ તારી સવાર આજે પણ મોડી ઊગી. યુ આર લેઈટ અગેઈન.. (ચેમ્બરમાં જતાં)
ડૉ. રવિ : અરે ડૉ.ની ચમચી ઊભી તો રહે...
ડૉ. મિલી : શું છે ?
ડૉ. રવિ : ક્યાં જાય છે ?
ડૉ. મિલી : સરે મને ચેમ્બરમાં બોલાવી છે.
ડૉ. રવિ : કેમ કોઈ ખાસ ડિસ્કશન છે ?
ડૉ. મિલી : ના, માત્ર કોફી પીવા..
ડૉ. રવિ : ગ્રેટ... દિલ જીતતા તો કોઈ તારી પાસે શીખે..
ડૉ. મિલી : એ તારે શીખવાની ખાસ જરૂર છે.
    (ચેમ્બરમાં જતી રહે. પ્રકાશ બીજી બાજુ ઉપર થાય જ્યાં શુભાંગી એક બેડ ઉપર સૂતી છે. અને સૌરભ તેની સામે તે જાગે તેની રાહ જોતો બેઠો છે. શુભાંગી ધીરે ધીરે આંખ ખોલે છે.)

સૌરભ : ગુડ મોર્નિંગ શુભાંગી !
શુભાંગી : સવાર પડી ગઈ ?
સૌરભ : દરેક રાત્રિ પછી સવાર તો પડે જ ને ?      
    (કર્ટન ખસેડતા) જો વરસાદ બંધ થઈ ગયો છે અને તારો ગમતો સૂરજ પણ વાદળોની પાછળથી નીકળી આવ્યો છે.
શુભાંગી : સૂરજને ક્યાં કોઈ problem છે કે એને મોડું થાય ? મારી જેમ હોસ્પીટલમાં દાખલ થવું પડે છે કે વારંવાર ડાયાલીસીસ કરાવવું પડે છે ?
સૌરભ : સૂરજને ડાયાલીસીસ ? (હસે છે.)
શુભાંગી : સૌરભ, રાત્રે વરસાદ પડ્યો હતો ? મને કેમ કંઈ યાદ નથી રહેતું ? હવે તો આમ સડન મેમરી લૉસ થઈ જાય છે.. આમ જ ધીમે ધીમે બધા અંગો..
સૌરભ : ઓહ ! શુભાંગી. Please… ફરી એની એ જ વાત... જો આજે ડાયાલીસીસ થઈ જશે એટલે સારું લાગશે.
શુભાંગી : બસ, આમ જ કિનારો પકડી પકડીને તરવા કરતા એક સુનામી આવે અને ડૂબાડી મારે એ સારું... નહીં !
સૌરભ : પણ સુનામી આવે તો માત્ર તને જ નહીં, આપણા બધાને સાથે ઘસડી જાય.
શુભાંગી : હવે સવાર-સવારમાં તમે પણ ? ચાલો ક્યારે જવાનું છે ડાયાલીસીસ માટે..
ભવાની : (પ્રવેશતાં) ડૉ. સાહેબ આવે પછી.. કેમ છો બેન ? સારું છે ને ? અહીં ની સારવારથી જલ્દી સારા થઈ જાસો ! બધા નસીબવાળા લોકો જ અહીં આવે છે. બોલો તમારો રૂમ નંબર કયો ?
સૌરભ : સાતસો સાત.
ભવાની : સારું સારું સાહેબ સવાર સવારમાં મશ્કરી ના કરો તો ન ચાલે !
    ચાલો, મારે તો સાતસો સત્તર સુધીની ડ્યૂટી છે.
    (ડૉ. નિવાસન, ડૉ, મિલી તથા ડૉ. રવિ પ્રવેશે)

ડૉ. શ્રીનિવાસન : હેલો મિસિસ ભાટિયા ! Good Morning.         
શુભાંગી : Good Morning Doctor.
ડૉ. નિવાસન :How do you feel now ?
શુભાંગી : Better, રાત્રે ઊંઘ સારી આવી ગઈ હતી..  but I am still feeling Drowsy
ડૉ. શ્રીનિવાસન : Don’t Worry, હમણાં અડધો કલાકમાં ડાયાલીસીસ થઈ જશે. You will feel better than.
    (દરમ્યાન નર્સ ટેમ્પરેચર લે છે.)
     (થર્મોમીટર જોતાં) નોર્મલ છે સર !

ડૉ. શ્રીનિવાસન : GOOD. Dr. Ravi, How are the lab reports ? Urea, Creatinine ?
ડૉ. મિલી : સર, આ રહ્યા. (રિપોર્ટ બતાવે છે. રિપોર્ટ જોતાં ડૉ. શ્રીનિવાસનના ચહેરા ઉપરનાં ભાવો બદલાતાં જાય છે.) Sir compared to the last reports, urea & Creatinine, both  are high.
ડૉ. શ્રીનિવાસન : yes,, yes..
સૌરભ : Is everything all right ?
ડૉ. શ્રીનિવાસન : you please come with me.
    (ડૉ. શ્રીનિવાસન, ડૉ. રવિ તથા સૌરભ બહાર આવે છે. ડૉ. મિલી શુભાંગી પાસે જ રોકાય છે.)

ડૉ. શ્રીનિવાસન: લૂક મિ. ભાટિયા, અભિ તો ડાયાલીસીસ સે ચલેગા but you must find a donor early as possible.
સૌરભ : શું કરું ડૉક્ટર ! મારું તો બ્લડ ગ્રુપ જ મેચ નથી થતું. હવે શુભાંગીની બંને sisterના રિપોર્ટસ આવી જાય તો ખબર પડે.
નર્સ : સર, O.T.D. રીપોર્ટસ.  
ડૉ. શ્રીનિવાસન : જુઓ આવી ગયા. (રવિ રિપોટ જુએ છે)
ડૉ. રવિ : Sir, Not matching.
ડૉ. શ્રીનિવાસન : Sorry, મિ. સૌરભ Organ Transplant Department in forms that kidneys of both the sister are not matching.
સૌરભ : ઓહ.. નો... What to do now ? doctor do something. દસ લાખ.. પંદર લખ.. પચ્ચીસ લાખ ખર્ચવા તૈયાર છું જો કોઈ મારી શુભાંગીને પોતાની કીડની આપવા તૈયાર થાય તો...
ડૉ. શ્રીનિવાસન : Don’t Worry, Have a faith.. every problem has a solution..
(મોસમને આવતી જુએ છે) યે મૌસમ કો હી દેખો..

મોસમ : Good morning.
ડૉ. શ્રીનિવાસન :  Very good morning my child. પણ કેમ અહીં આવી ?
મોસમ : ભની ક્યાં છે ? મારે એનું કામ છે.
ડૉ. શ્રીનિવાસન : ભની...?
ડૉ. રવિ : સર... ભવાની..
ડૉ. શ્રીનિવાસન : ઓહ ! ભવાની.. અહીં જ હશે.. દેખો યે સૌરભ અંકલ ઔર અંદર આન્ટી. Go & say
    Hello. યે મોસમ ડિસોઝા.
મોસમ : હેલો અંકલ !
સૌરભ : હેલો બેટા... Very sweet girl.
ડૉ. શ્રીનિવાસન : યે ભિ એક Hope પે જી રહી હે.
સૌરભ : કેમ ? (દરમ્યાન ભવાની ઝડપથી દાખલ થાય છે!)
ભવાની : સાહેબ સાતસો સત્તર નંબરના પેશન્ટને...
ડૉ. રવિ : શું થયું ?
ભવાની : વોમીટ થઈ લોહીની !
ડૉ. શ્રીનિવાસન : કમ ઓન રવિ ! (બંને જણા જાય છે.)
સૌરભ : (શુભાંગીને) જો આ મોસમ છે. તું એની સાથે વાત કર, હું નીચે જઈ દવાઓ લઈ આવું.

મોસમ : હેલો આન્ટી.
શુભાંગી : હેલો બેટા.
મોસમ : આન્ટી તમને શું થયું છે. કેમ ઉદાસ છો..?
શુભાંગી : મારી બંને કીડની... બેટા, હવે તને શું કહું ? જોને, મારે લીધે બધા જ કેટલા પરેશાન છે. ડૉક્ટરો.. તારા અંકલ.. પણ તને શું થયું છે ? તારા મમ્મી-પપ્પા ક્યાં છે ?
મોસમ : બંને ભગવાન પાસે ચાલી ગયાં. પહેલાં પપ્પા અને પછી મમ્મી.
શુભાંગી : બીજુ કોઈ નથી તારી સાથે ?
મોસમ : ઘણા બધા છે. પણ બધાએ મને મળીને અહીં દાખલ કરી દીધી. પપ્પા મમ્મીના જવાથી મોસમની મોસમ બદલાઈ ગઈ છે. હવે મારે ઘર નથી જવાનું.. સ્કુલ નથી જવાનું.. બસ અહીં જ રહેવાનું છે..
શુભાંગી : બેટા અહીં આવ ને મારી પાસે..
મોસમ : ના આન્ટી.. અને તમે પણ મારી પાસે ન આવતા.. કોઈ મારી પાસે નથી આવતું. કોઈ વ્હાલ નથી કરતુ.. એક મારો આ ભવાની સિવાય..
ભવાની : (બૂમો મારતો) બેબી... મોસમ.. અરે તું અહીં છે. આખી હોસ્પિટલમાં શોધી આવ્યો.. ચલ તારા નાસ્તાનો સમય થઈ ગયો.. (બંને જણા બહાર જાય છે. ભવાની જતાં જતાં) બેન હમણા આવું છું હો !
શુભાંગી : પણ ભવાની અહીં આવ તો.
ભવાની : બોલો બેન.
શુભાંગી : આ મોસમ.. મોસમને શું થયું છે ?
ભવાની : AIDS. મોસમ HIV positive છે. એનાં મમ્મી પપ્પા પણ AIDSમાં જ...
શુબ્ભંગી : શું ?
ભવાની : હા.. (મોસમ પછી અંદર આવે છે.)
મોસમ ચલ ને ભવાની.. કેમ અટકી ગયો ? બાય આન્ટી.
શુભાંગી : બાય.. પછી મળવા આવશે ને ? (બંને બહાર નીકળી જાય.)
મોસમ : (બહારથી) આવજો આન્ટી..
    (શુભાંગી વિચારોમાં પડી જાય. સૌરભ દાખલ થાય તેની ખબર પણ નથી પડતી.)

સૌરભ : શું વિચારમાં ખોવાઈ ગઈ ?
શુભાંગી : સૌરભ તમને ખબર છે.. આ મોસમ..
સૌરભ : હા નીચે મને ડૉ. રવિ વાત કરી. મોસમના ફાધર પણ આજ હોસ્પિટલમાં હતા. AIDSમાં મૃત્યુ પામ્યા.. પછી એની મમ્મી પણ.. મોસમને મૂકી જતાં રહ્યા પણ જતાં જતાં આપતા ગયાં AIDS. ભવાની એની ખૂબ કાળજી રાખે છે... કોઈ નથી એનું.. (બંને જણા મૌનમાં સરી અપડે છે.)
સૌરભ : શું વિચારે છે ?
શુભાંગી : શું થશે આ નાનકડી મોસમનું ? કેવી ખીલતી કળી જેવી છે ! ખરેખર બીજાનું પહાડ જેવું મોટું દુઃખ જોઈએ ને ત્યારે આપણું દુઃખ ખૂબ નાનાં તણખલાં જેવું લાગે.
સૌરભ : હવે તને ખ્યાલ આવે છે ને ? મુશ્કેલીઓ આપણને હંમેશા બળવાન બનાવે છે. અને થોડું ધૈર્ય રાખવાથી આપત્તિરૂપી નદીઓને સુખપૂર્વક પાર કરી શકાય છે. સારું, જો OTDમાંથી રીપોર્ટસ આવી ગયાં છે. તારી બંને કીડની ચાલી શકે તેમ નથી.
શુભાંગી : જે થયું સારું થયું. બંને મારાથી કેટલી નાની છે ! (દુર્ગાદેવી પ્રવેશે છે.)
દુર્ગાદેવી : કેમ છે બેટા શુભાંગી ?
શુભાંગી : સારું છે મમ્મીજી. સારું થયું તમે આવી ગયા.
દુર્ગાદેવી : કેમ..?
શુભાંગી : જુઓ હમણા જ રિપોર્ટ્સ આવ્યા તે પ્રમાણે મારી બંને બેનોની કીડની મેચ નથી થતી.
દુર્ગાદેવી : Oh, It’s a sad news.. સૌરભ, ડૉક્ટર સાથે વાત કરી કે નહીં ?
સૌરભ : હા મમ્મી. ડૉક્ટરનું કહેવું છે કે હવે ડાયાલીસીસ ઉપર વધુ સમય નહીં ચાલી શકે. We must find donor. નહીં તો આપણે હાર માન્યે જ..
દુર્ગાદેવી ના... કદી નહીં... પણ (ઘડિયાળમાં જોતાં) મારા એક બે કૉન્ટેક્ટસ છે. આપણે હમણાં જ મળવા જવું પડશે.
સૌરભ : પણ શુભાંગીની પાસે કોઈક તો જોઈએ જ ને ! હમણાં ડાયાલીસીસ માટે લેવા આવશે.
દુર્ગાદેવી : આપણે કોઈ નર્સને કોઈ ડૉક્ટરને વિનંતી કરીએ.
શુભાંગી : અરે, મારે કોઈની જરૂર નથી. (મિલી પ્રવેશે છે.)

ડૉ. મિલી : હેલો મેડમ.. શું વાત છે ?
દુર્ગાદેવી : કાંઈ નથી ડૉક્ટર.. આ શુભાંગીની ચિંતા.. ડૉનર માટે ,મારે એક બે કૉન્ટેક્ટસ છે. અમારે અત્યારે જ જવું પડે એમ છે. જો અહીં કોઈ નર્સની વ્યવસ્થા થાય તો...
ડૉ. મિલી : હું હમણાં ફ્રી જ છું.. હું આન્ટી પાસે બેસું છું.
દુર્ગાદેવી : Thanks. (શુભાંગીને) જો આંનદ હમણાં આવતો જ હશે.
    અમે જઈને આવીએ છીએ. (બંને જાય છે.)
ડૉ. મિલી : આ આનંદ કોણ છે ?
શુભાંગી : મારો દીકરો.. એકનો એક લગભગ તમારી ઉંમરનો જ હશે.
    પણ તમારે ડ્યૂટી હશે ને..!
ડૉ. મિલી : મારી ડ્યૂટી પૂરી થઈ ગઈ છે. મારી મધરને ચેક-અપ કરાવવાનું છે. એટલે મારા પેરન્ટસ આવતા જ હશે. એટલે રોકાઈ છું, ઘરે નથી જતી.
શુભાંગી : દૂર હશે કેમ તમારું ઘર, ક્યાં છે ? (મિલી જવાબ આપે પહેલા જ મોસમ ઢીંગલી દોડતી આવે)
ડૉ. મિલી : શું થયું મોસમ ?
શુભાંગી : ધીમે બેટા, કેમ દોડતી આવી ?
મોસમ : આન્ટી ! હાઈડ એન્ક સીક વીથ ડેવિલ રમીએ છીએ, રાક્ષસ સાથે છૂપાછૂપી, ઓ જલ્દી મને છૂપાડી દોને, હમણા ભની આવશે.
શુભાંગી : અરે તને ક્યાં સંતાડું ? આ લે અહીં આવ, મારી પાછળ સંતાઈ જા.
ભવાની : (આવે) મોસમ, બેબી મોસમ, મોસમ બેબી. (મોસમ ઇશારાથી ચૂપ રહેવાનું બતાવે)
શુભાંગી : મોસમ અહીં નથી આવી. (માસ્ક જોતા) ઓ બાપ રે, આ શું ભવાની ?
ડૉ મિલી : ભવાની શું તું પણ ! આ ડીલક્સ રૂમ છે. VIP પેશન્ટ છે, પછી સુપ્રિટેન્ડન્ટ બોલશે હં...
શુભાંગી : ના ના કંઈ વાંધો નહીં, મને તો કોઈ આવે તો ખૂબ ગમે, જરા સારું લાગે.
ભવાની : અરે મિલીસાહેબ, મારી ડ્યૂડી તો પૂરી થઈ ગઈ છે, આ તો મોસમબેબીને પકડવા આવ્યો છું. ક્યાં છે ? ક્યાં છે ? મોસમબેબી ?
    (મોસમ પાછળથી આવે, ભવાનીને ધક્કો મારે, મોઢું જોઈ ચીસ પાડે, માસ્ક ખેંચી કાઢે)

ભવાની : એ... આઉટ...
મોસમ : ના ભની તું આઉટ.
ભવાની : તું
મોસમ : ના તું તું તું...
ભવાની : હા મારી મા હું આઉટ, ચાલ, ચાલ મોસમબેબી દવાનો સમય થઈ ગયો.  પછી ખાંસી કેવી રીતે સારી થશે ?
મોસમ : ના, મારે દવા નથી પીવી આજે.
ભવાની : પીવી જ પડે (મોસમ પગ પછાડી આનાકાની કરે)
    મિલીસાહેબ, તમે જ સમજાવોને આને.
ડૉ. મિલી : નો મોસમ You must take daily.
શુભાંગી : બેટા અહીં આવ, પી લેજે હં દવા, જો હું રોજ કેટલી બધી દવા પીઉં છું, દવા પી લેજે ને એપલ ખાઈ લેજે.
મોસમ : ઓ.કે. આન્ટી, થેંકયુ આન્ટી, આઈ લાઈક યુ આન્ટી, બાય બાય આન્ટી (વ્હાલ કરી ભવાની સાથે જાય)

શુભાંગી : કેટલી વ્હાલી છે નહીં આ ઢીંગલી !
ડૉ. મિલી : અરે, આખી  હોસ્પિટલની લાડલી છે, જોજોને તમને રોજ મળવા આવશે. હંમેશા વડીલોની હૂંફ શોધે છે, આજે મારા મમ્મી-પપ્પાને મળવા વગર નહીં રહે.
શુભાંગી : એજ તો વાત કરતા હતા આપણે, તમારા મમ્મી પપ્પાની એઓ આવેને તો મને મળાવજો, અહીં નજીક જ રહેતાં હશોને તમે ?તમારું ઘર ક્યાં છે ?
ડૉ. મિલી : મારું ઘર ? (ફેન્ટસી – ગોળ ફરતા ફરતા)
    હું જ્યાં હોઉંને... એ જ મારું ઘર.
શુભાંગી : (ઢંઢોળતા) પણ તમે મને કહ્યું જ નહીં કે તમારું ઘર ક્યાં છે
ડૉ. મિલી : મારું ઘર ? હું જ્યાં હોઉં એ જ મારું ઘર ! આમ પણ ૨૪ કલાકની ડ્યૂટીમાં ઘણીવાર હોસ્પિટલ જ ઘર બની જાય છે અને પેશન્ટ એ જ રીલેટીવ્સ !
શુભાંગી : ગજબ છો તમે.
ડૉ. મિલી : મને તું કહેશો તો ચાલશે. મારી મમ્મીની ઉંમરના તો છો તમે ! મારી મમ્મી જેવાં જ ! પણ તમારા સાસુજી.. આ ઉંમરે કેવા એક્ટીવ, ઈમ્પ્રેસીવ ને કમાન્ડીગ છે !
શુભાંગી : એ વર્ષોથી એવા જ છે.. હું સૌથી પહેલા મળેલી ત્યારે નર્વસ થઈ ગઈ હતી.. ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી. ઈન્ટરવ્યુ આપતા તો એટલો ગભરાટ થતો હતો કે.. મને બરાબર યાદ છે.. મેડમે ત્રણ ફાયનલિસ્ટ નક્કી કર્યા હતા. એમાંની હું એક હતી. બીજે દિવસે મેડમે મને કેબિનમાં મળવા બોલાવી... અને ત્યાં જ સૌરભ સાથે પણ પહેલી મુલાકાત થઈ હતી. (શુભાંગી સ્થિર થઈ જાય છે.)


0 comments


Leave comment