32 - ઝેર / દામોદર બોટાદકર


(પૂજું ગણપતિના પાય ( ૨ )
પૂજું અંબિકાની પાવડી રે લોલ–એ ઢાળ)

હું તે આંગણિયે આજ (૨)
ફુલ વેલીનાં વીણતી રે લોલ;

એની શીળી સુવાસ (૨)
હૃદય રીઝીને ઝીલતી રે લોલ.

ડસ્યો કાળુડો નાગ (૨)
એક આવીને આકરો રે લોલ;

આવે અન્ધારી આંખ (૨)
જવા ઊડે શો જીવડો રે લોલ ?

કરે સાસુ કલ્પાન્ત (૨)
જોઈ જેઠાણી ઝૂરતાં રે લોલ;

રૂએ દેરાણી રાંક (૨)
ઊનાં આંસુડાં લૂછતાં રે લોલ.

કરે કૈં કૈં ઉપાય (૨)
જેઠ ઉરની ઉતાવળે રે લોલ;

હઠે જરીએ ના ઝેર (૨)
એ ઊંડેરું ઊતરે રે લોલ.

આવ્યો જોગી ત્યાં એક (ર)
દેવ જેવો દેખાવડો રે લોલ;

છાંટયાં નેનામાં નીર (૨)
એક ટહૂકો કશો કર્યો રે લોલ.

ગયાં ઝડપેથી ઝેર (ર)
હું તો ઝબકીને જાગી ગઈ રે લોલ;

એના ઊંંડા કૈં ભેદ (૨)
પાય પડતી પૂછી રહી રે લોલ.

“આવ્યા કયાંથી અવધૂત ?(૨)
“જટા અા શી શિરે ધરી રે લોલ ?

“આવી જાદુની જાણ (૨)
“હાથ કયાંથી કહો કરી રે લોલ?

“ઘેલી ઘેલી હો નાર ! (૨)
“ગઈ ભૂલી શું ભીંતડી રે લોલ ?

“દીધાં દાદાએ દાન (૨)
“પેલા માંડવની પ્રીતડી રે લોલ.

“હથેવાળાનાં હેત (ર )
“ચાર મંગળ ચેારીતણા રે લોલ;

“ભાવભીનાં એ ભેખ (ર)
“એ જ કામણ કેાડામણા રે લોલ."

અહો ! દ્વેષીલા ડંખ (૨)
હશે આવા અજુગતા રે લોલ ?

જગતજૂનાં એ ઝેર (૨)
ભાન આવું ભૂલાવતાં રે લોલ ?


0 comments


Leave comment