28 - પોયણી / દામોદર બોટાદકર


(બીલી બીલીનો રંગ લાગે રૂડો હો ! રાધિકા રંગભીની -એ ઢાળ. )

ભર્યાં નીરે સરોવર નહાતી રે, પોયણી પ્રેમભીની,
એના હૈયામાં હીંચકા ખાતી રે, પોયણી પ્રેમભીની;
એની શીળી શી લહેર કૈંક લેતી રે, પોયણી પ્રેમભીની,
એના ભુવને સુગન્ધ ભરી દેતી રે, પોયણી પ્રેમભીની.

રવિસંગે રહે તોય રાચી રે, પોયણી પ્રેમભીની,
એને નિરખીને નેણ-નેણ નાચી રે, પોયણું પ્રેમભીની;

મીટ સંગે મધુરી મીટ માંડી રે, પોયણી પ્રેમભીની,
ભર્યા ભવના પ્રસંગ છેક છાંડી રે, પોયણી પ્રેમભીની.

એનું હૈયામાં હાસ્ય એક ઝીલી રે, પોયણી પ્રેમભીની,
રહી ખીલી શી રંગમાં રસીલી રે, પોયણી પ્રેમભીની;
એની ચાલ્યે અચુક ચિત્ત ચાલે રે, પોયણી પ્રેમભીની,
એના ઉરમાં ભરેલ ભાગ્ય ભાળે રે, પોયણી પ્રેમભીની.

એના કરને વધાવી રહી કેાડે રે, પોયણી પ્રેમભીની,
જીવ બાંધ્યો જરૂર જીવ જોડે રે, પોયણી પ્રેમભીની;
દીસે છેટી, જરી ન તોય છેટી રે, પોયણી પ્રેમભીની,
ભરી ઉરમાં શા ભય રહી ભેટી રે, પોયણી પ્રેમભીની.

ભલે આડો કદીક મેઘ આવે રે, પોયણી પ્રેમભીની,
ભલે વાયુ હઠેભર્યો હઠાવે રે, પોયણી પ્રેમભીની;
તો ય કયારે ન આંચઊની આવી રે, પોયણી પ્રેમભીની,
લગની લાગી તે રોમ-રોમ લાગી રે, પોયણી પ્રેમભીની.

ભલે જગને પ્રચંડ તાપ લાગે રે, પોયણી પ્રેમભીની,
ભલે ભીતિથી આમ તેમ ભાગે રે, પોયણી પ્રેમભીની;
તારે હૈયે તો હિમ તણી હેલી રે, પોયણી પ્રેમભીની,
રહ્યો ઊંચો ઉમંગ હૃદય રેલી રે, પોયણી પ્રેમભીની.

ભલે સોળે કળાએ શશી શોભે રે, પોયણી પ્રેમભીની,
કુમુદહૈયું ભરાય ભલે લોભે રે, પોયણી પ્રેમભીની;
તે તો જેવા કયારેય નથી જાગી રે, પોયણી પ્રેમભીની,
સજે સ્વામીનાં સોણલાં સુહાગી રે, પોયણી પ્રેમભીની.

દિલ દીધું તેને જ એક દીધું રે, પોયણી પ્રેમભીની,
એક ઉર તે બને ન કદી બીજું રે, પોયણી પ્રેમભીની;
રહે એવો અખંડ સ્નેહ ઊંડો રે, પોયણી પ્રેમભીની,
ચડો અમને એ અંગહૃદય રૂડો રે, પોયણી પ્રેમભીની.


0 comments


Leave comment