7.3 - તલવાર જરૂરી, મ્યાન પણ જરૂરી / સંવાદ / જ્વલંત છાયા


      ક્યુબાના પત્રકારત્વ વિશે પ્રચલિત રમૂજ છે ને પોલિયન સ્વર્ગમાંથી અમેરિકા ગયો અને પ્રમુખને કહ્યું, ‘તમારા જેવું સૈન્ય હોત તો વોટર્લુંની લડાઈમાં હું જીતી જાત.’ પછી રશિયાના પ્રમુખને મળીને કહ્યુ, ‘તમારા જેવી રાજનૈતિક ચતુરાઈ હોત તો યુદ્ધ જ ન થાત.’ પછી ક્યુબાના ફિડલ કાસ્ટ્રોને મળ્યો અને કહ્યું, ‘તમારી પાસે છે એવા અખબારો મારી પાસે હોત તો વોટર્લુંમાં થયેલા પરાજયનો એક પણ શબ્દ લોકો સુધી ન પહોંચત.’ આ છે ક્યુબાના પત્રકારત્વની વફાદારી, પણ પત્રકારત્વ કે મીડિયાએ કોને વફાદાર રહેવાનું હોય છે ? દેશને તો ખરું જ પણ જે સરકાર કે પક્ષ દેશ ચલાવે છે તેના પ્રત્યે માધ્યમોની આંધળી વફાદારી આવકાર્ય નથી અને મોટે ભાગે તે હોતી પણ નથી. આજે તો માહિતી વિસ્ફોટના યુગમાં આપણે જીવીએ છીએ. મુદ્રણ માધ્યમ તેના પ્રારંભકાળમાં હતું ત્યારથી સત્તા અને કલમ વચ્ચેની લડાઈ ચાલતી આવી છે. આ માધ્યમોનો અવાજ રૂંધવાના જ્યારે જ્યારે પ્રયાસ થયા છે ત્યારે તે વધુ બુલંદ બન્યો છે. એ વાત અલગ છે કે વ્યાવસાયિકરણના માહોલમાં ક્યારેક મીડિયા જ ધીમું બોલવાનું પસંદ કરે એવું બને.

      માધ્યમો સ્વતંત્ર હોવા જોઈએ કે નહીં તેના પર સતત ચર્ચા થતી રહી છે. ગાંધીજીએ કહ્યું હતું, ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડુબાડે અને પાકનો નાશ કરે તેમ નિરંકુશ કલમનો ધોધ પણ નાશ કરે છે.’ ચોક્કસ હદ સુધી ગાંધીજીની વાત સાચી છે પરંતુ હવે માધ્યમોની ક્ષિતિજ અનન્ય રીતે વિકસી છે. એક સમયે માત્ર છાપાં હતાં, પછી રેડિયો પછી ટીવી અને હવે એ ટીવીની સેંકડો ચેનલો, હજારો વેબસાઈટો, ક્યાંય કશું છુપાવવું શક્ય નથી. એકવાર છપાઈ ગયું-વંચાઈ ગયું અને સાંજે પસ્તી એવું હવે નથી. બોલાયેલો શબ્દ બ્રહ્માંડમાં નાદ થઈને અમર થઇ જાય છે તેમ ઘટનાઓ પણ હવે કેમેરા, કેસેટ કે હાર્ડડિસ્કમાં રહી શકે છે. વિખ્યાત આંગલ પત્રકાર જેમ્સ એમરોને કહ્યું હતું, ‘રિપોર્ટીંગ જેવું ક્ષણભંગુર સાહિત્ય બીજું કોઈ નથી પણ હવે રિપોર્ટીંગ ક્ષણભંગુર નથી. તે વીતેલી ક્ષણને ગમે ત્યારે દર્શકો કે વાચકો સમક્ષ પુન: લાવી શકે તેવું બળવાન બન્યું છે. હવે સવાલ આવે છે કે આટલાં બળવાન માધ્યમો સ્વતંત્ર હોવા જોઈએ કે નહીં. ડાલામથ્થો સિંહ પણ સરકસના પિંજરામાં કંઈ કામનો રહેતો નથી. માધ્યમોની સ્વતંત્રતાનો ઉપયોગ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ હોવો જોઈએ. માધ્યમો સ્વતંત્ર હોય તો કોને ફાયદો અને કોને નુકસાન !

      ભારતમાં પત્રકારત્વનો પાયો નાખનાર અંગ્રેજી પત્રકાર જેમ્સ ઓગસ્ટસ હિકીએ બંગાળ ગેઝેટપત્ર દ્વારા પોતાના જ દેશની સરકારની નીતિઓ સામે બંડ પોકાર્યું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકો અધિકારીઓને તેમણે ખુલ્લા પાડ્યા, ધરપકડ થઈ. ૧૭૮૨માં જેમ્સનું પ્રેસ જપ્ત થયું. ૧૭૮૩માં જેલવાસ દરમિયાન તેણે લખ્યું હતું, ‘હવે મોત સુધી આ ભયાનક પ્રજા સિવાય કોઈ આશા રહી નથી.’ જેમ્સનું મોત કેવી રીતે, કઈ સ્થિતિમાં થયું તે કોઈ જાણતું નથી. આ તો શરૂઆતની સ્થિતિ હતી. એ પછી આઝાદીની ચળવળ દરમિયાન પણ પત્રકારત્વ સામે અનેક પડકારો હતાં. એ અધ્યાય જોકે બહુ મોટો છે. સરકારે અખબારરૂપી દીવડાઓનો પ્રકાશ બંધ કરાવ્યો તો ભૂગર્ભ પત્રિકાઓ આગની જ્વાળા બનીને પ્રસરી. રજવાડાના સમયમાં ઝવેરચંદ મેઘાણીએ કરેલું પત્રકારત્વ હોય કે કુરિવાજો સામે ઝઝૂમતી દાંડિયો પીટતી નર્મદની કલમ હોય કે પછી વિદેશમાંથી પ્રકાશિત ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ અને ગદ્દર હોય. તમામ સમયે એક બાબત મુખ્ય હતી કે આ માધ્યમો સ્વતંત્ર હતાં અથવા પ્રયત્નપૂર્વક સ્વતંત્ર રહ્યા હતાં એટલે જ ચળવળોને તે સહાયરૂપ થઈ શક્યા.

      ત્રીજા વિશ્વનાં રાષ્ટ્રોમાં વિકાસશીલ દેશોમાં માધ્યમોએ સંયમપૂર્વક વર્તવું જોઈએ એવી દલીલ થાય છે. જ્યાં સુધી જનહિતનો એટલે કે યુદ્ધ, કાશ્મીર સમસ્યા કે પછી નર્મદા યોજના જેવી બાબત હોય ત્યાં સુધી આ દલીલ યોગ્ય છે પણ કરોડોનાં કૌભાંડો બહાર પાડવા પર થોડો પ્રતિબંધ હોય ? સ્ટીંગ ઓપરેશનો થાય છે તો જ ખ્યાલ આવે છે કે જેને મત આપીને આપણે સંસદમાં મોકલીએ છીએ તે બોલવાના પણ પૈસા લે છે, મૂંગા રહેવાના બમણા પૈસા લે છે. દેશહિતની મર્યાદામાં રહીને માધ્યમો સ્વતંત્ર રહે તે લોકશાહીના ‘હાર્ટબીટ’ છે. નેપોલિયને કહ્યું હતું, ‘હજાર સંગીન કરતાં ચાર વિરોધી અખબારો વધુ ભયજનક હોય છે. કલમની તાકાત પર ઝઝૂમતો પત્રકાર સતત બબડાટ કરનાર, ઠપકો આપનાર અને છતાં દેશનો સલાહકાર તથા કેળવણીકાર હોય છે. આપણે ત્યાં અને અન્યત્ર માધ્યમો માટે આચારસંહિતા છે. ક્યુબામાં સિવિલ કોડની કલમ ૧૦૩ કહે છે, ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી બિરાદી કે રાજય કાયદો વ્યવસ્થાને ઉશ્કેરે તેવા લખાણ, વક્તવ્ય દંડનીય છે.’ પોલેન્ડમાં ત્યોગોડેનીડ પોઝેન્સી ત્યોગેડનીડ મોર્ગોસ બે અખબારો પર પ્રતિબંધોની ખિલાફ ચાલતા રહ્યા હતાં અને બંનેને મુક્ત પત્રકારત્વનું પારિતોષિક મળ્યું હતું. ચેકોસ્લોવેકિયાના ઇવાન કિલમાએ નોંધ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી અમારા દેશમાં જેમણે કળાને સમાપ્ત કરવાના પ્રયાસ કર્યા હતા તેઓ પત્રકારત્વ અને સાહિત્યને ખતમ કરવા તરફ વળ્યાં છે પણ તેમને નિષ્ફળતા જ મળી છે.

      મુદ્દો સ્વતંત્રતાનો છે અને અગત્યનું એ છે કે એ સ્વતંત્રતા સ્વરછંદતામાં ન પરિણમે. નેતાઓની અંગત જિંદગી અખબારોની ચર્ચાઓનો વિષય ન બને તો ચાલે. મંત્રી, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના બેડરૂમના દરવાજા ભલે બંધ રહે પણ તેમની ઓફીસ અને ડ્રોઈંગરૂમ સુધી તો કલમ અને કેમેરાની પહોંચ હોવી જ જોઈએ. આપણે ત્યાં પ્રેસ કાઉન્સિલે પત્રકારો માટે આચારસંહિતા તૈયાર કરી છે. વિશેષ કરીને યુદ્ધ અને કોમી હુલ્લડો વખતે રિપોર્ટીંગ, પ્રકાશન કે પ્રસારણ કેવું હોવું જોઈએ તેની માર્ગદર્શિકાઓ છે. અખબારો પર તો વખતોવખત તેનો ઉપયોગ થતો પરંતુ છેલ્લે ગોધરાકાંડ વખતે ચેનલોએ એક બીજું સમાંતર રમખાણ હરીફાઈનું સર્જી દીધું હતું. ચૂંટણી પહેલાના ૩૬ કલાક અગાઉ જાહેર પ્રચાર બંધ કરવાનો હોય છે. સંસદની છેલ્લી ચૂંટણી વખતે મતદાન થતું હતું ત્યારે નેતાઓ મોટરકારમાં ચેનલોને ઈન્ટરવ્યું આપતા હતાં. તાત્પર્ય એ છે કે માધ્યમોના સંદર્ભ બદલાયા છે એ રીતે મર્યાદાની વ્યાખ્યા આપોઆપ બદલાઈ ગઈ છે. રેડિયો અને ટી.વી વર્ષો સુધી સરકારે આપેલા સૂરમાં જ વાગતા રહ્યા. પરંતુ હવે ખાનગી ચેનલોના આ પ્રવાહમાં તે બંને સ્વાભાવિક રીતે અલગ પડે છે. જો સેન્સરશીપ મૂકવી જ હોય તો તે માનસિક પ્રદુષણ ફેલાવતી સાસુ-વહુની સીરીયલો પર મૂકવી જોઈએ. અને એક અગત્યની વાત આપણે ત્યાં માધ્યમો રાજકારણીઓની ટીકા કરવા માટે જે અસીમ સ્વતંત્રતા ભોગવે છે તેનો અંશભારપણ સ્વતંત્રતા તેમને ધાર્મિક ધતિંગો અને કથિત ગુરુઓની ટીકા કરવા માટે નથી મળતી. રાજકારણીઓ આજેય બદનક્ષીનો દાવો નથી કરતાં. એટલે સ્વતંત્રતા પણ કેટલે અંશે ક્યાં છે તે ઘણીવાર સવાલ રહી જાય છે. જેમ્સ કેમરોન માનતા પત્રકારોની સ્વતંત્રતા ધતિંગ છે. કર્તવ્યનિષ્ઠ પત્રકાર તેના વ્યવસાયમાં આદર્શોની અધૂરપ વિશે અફસોસ કરે ત્યારે તે પસ્તાવો કરતી વેશ્યા જેવો દયામણો લાગે છે.

      એક છાપાવાળા તરીકે અંતે એટલું જ કે દેશ સ્વતંત્ર હોવો જોઈએ પરંતુ માધ્યમો તો સંપૂર્ણ સ્વતંત્ર હોવા જ જોઈએ.


0 comments


Leave comment