62 - મન થયું / ગૌરાંગ ઠાકર
આ જગતને ચાહવાનું મન થયું
લ્યો મને માણસ થવાનું મન થયું.
એક કૂંપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું.
આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.
આ તરસ સૂરજની છે કહેવાય ના,
અમને નદીઓ ઢાંકવાનું મન થયું.
જાળ ને જળ એક સરખાં લાગતાં,
માછલી ને ઊડવાનું મન થયું.
કોણ જાણે કઈ રમત રમતાં હતાં,
બેઉ જણને હારવાનું મન થયું.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.
0 comments
Leave comment