63 - જાણીએ / ગૌરાંગ ઠાકર


જાણતાં કૈં નથી એટલું જાણીએ,
જીવવા માંડીએ ના કશું ધારીએ.

ડાળને પાંદડાં એકલાં થાકશે,
ચાલને હાથથી છાંયડા પાડીએ.

આયનો એ જ ને આપણે પણ જૂના,
બસ, હવે જાતથી મન બીજે વાળીએ.

ટોચ પણ ખીણને કારણે હોય છે,
એ જ બસ ! સુખ ને દુઃખની સમજ રાખીએ.

ઘર તને વહાલથી રંગતાં આવડે ?
દીકરી પાસથી શું વધુ માંગીએ ?

દોરડે નટ સમું જીવતર છો મળ્યું,
પણ અહીં ચાલવાની ફડક ટાળીએ.

ફૂલથી મ્હેકની માનવી શક્યતા,
આપણે ભીંતથી દ્વારમાં આવીએ.


0 comments


Leave comment