65 - સંશોધન કરું / ગૌરાંગ ઠાકર


મારું હું તો માત્ર અવલોકન કરું,
તું જુએ તો કૈંક સંવર્ધન કરું.

વેદનાને ધાવતા આ શબ્દ જોઈ,
આજે પાછું થાય છે સર્જન કરું.

મ્હેક નામે બાગ જ્યાં પુસ્તક લખે,
ત્યાં હવાને થાય વિમોચન કરું.

તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
હું નહીં તો અન્યનું સ્થાપન કરું.

હું વિચારોના કિનારે જઈ વસું,
ને વમળ પર કોઈ સંશોધન કરું.

કૈંક જન્મોથી કરું છું મહાવરો,
મારા હોવાનું હવે મંચન કરું.


0 comments


Leave comment