67 - મઠારી છે / ગૌરાંગ ઠાકર


બોલ, બીજો શ્રદ્ધાનો શું પુરાવો બાકી છે ?
તારી આંસુ સાથે પણ આરતી ઉતારી છે.

દાદ તો મળી ગઈ પણ, ભીતરે ઉદાસી છે,
જિંદગી ક્યાં ગઝલોની જેમ મેં મઠારી છે ?

ટોચથી પરત આવ્યા, એમને કહ્યું અમને,
ત્યાં વધુ ટકાયું નહીં, ખીણ પણ ગુમાવી છે.

કોઈ કાફલો રોકો, રાહબર નથી કોઈ,
ક્યાં જવું ખબર ક્યાં છે, મેં સફર ઉપાડી છે.

હું દીવાસળી ચાંપું, તું પવનને રોકી લે,
આપણા દીવા માટે, આ પ્રયાસ કાફી છે.

માર્ગ ને વટેમાર્ગુ, બેઉ બહુ ગમે છે દોસ્ત,
થોભવું છે, પણ જીવન ઢાળ પરનું પાણી છે.


0 comments


Leave comment