68 - સૂર્ય રાજીનામું આપે / ગૌરાંગ ઠાકર
બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.
અમે ચારે તરફ પૂછી વળ્યા પણ,
હવા ક્યાં ખુશ્બુનું સરનામું આપે ?
ખરી ઈશ્વર કૃપા એને ગણી લ્યો,
કદીના કોઈના માટે આંસુ આપે.
તું પહેલાં વેંત નીચો તો નમી જો,
તને એ બેઠો કરવા માથું આપે.
આ પડછાયો દિવસમાં ભૂંસીએ ચાલ,
પછી તો રાત પણ અજવાળું આપે.
0 comments
Leave comment