20 - સમોવડ / દામોદર બોટાદકર


( આવો રૂડો જમનાજીનો આરો, કદમ કેરી છાયા રે - એ ઢાળ.)

મારે માંડવડે મલકાય શી વિધવિધ વેલી રે !
એક-એકને હીંચતી અંક ભાવે રહી ભેટી રે;
ડાળી-ડાળીને પાનમાં પાન, કળીમહીં કળીઓ રે,
રહો ભેરવી ભૂલીને ભેદ સુહાગણ સખીઓ રે.

રમે રંગભર્યો રસરાસ દઈ કર તાળી રે,
એની સામટી એક સુવાસ રહ્યું જગ ઝીલી રે;
ભલે વાયુ વિજોગના વાય, ભલે તન તૂટે રે,
પણ સ્નેહભર્યો સુખસંગ નહિ ક્ષણ છૂટે રે.

ફળ-ફૂલતણી પણ માય ન કોઈ કળાવે રે,
ગ્રહી એક–બીજી તણાં બાળ હેતે હુલાવે રે;
ભલે મૂળ તણો નહિં મેળ, જાતે રહી જુદી રે,
પણ આખર એક અભેદ ઉરે ધરી ઊભી રે.

અમે ઝીલશું એનો અભેદ સમોવડ સાધી રે,
ઉર-ઉરનો સેવી અાધાર વિસારશું વ્યાધિ રે;
લઇ અાંસુડાં અજિલિમાંય લેાચન લો'શું રે,
રસગેાઠડીએ દઈ રંગ રીઝી ઉર રે'શું રે.

કુળમંડપને કરી છાંય દીપાવશું દા'ડી રે,
ખીલી ખિલવશું જગવેલ્ય વિભુ, કેરી વાડી રે;

ભલે મહિયરનો નહિ મેળ, સ્વભાવ ન સરખા રે,
પણ એક કુટુંબનાં અંગ ઓપે ક્યમ અળગાં રે ?

અમ વાદળીઓ તણે વૃંદ થશે ઘન ઘેરો રે,
અમ સરિતતણે સમુદાય મહાનદ મીઠો રે;
સજશું મળીને મધમાખ મધુર મધપુડો રે,
કુળસુન્દરીએ કુળરાસ રચાવશું રૂડો રે.


0 comments


Leave comment