4 - ‘મિલીના ઘર તરફ’ : એક ‘જાગૃત’ લેખિકાની કલમનું નાટક / વિહંગ મહેતા


      ભવન્સ કલ્ચરલ સેન્ટર, મુંબઈ અને ‘ચિત્રલેખા’ ત્રિઅંકી નાટ્યસ્પર્ધા ૨૦૦૯નાં નિર્ણાયક તરીકે મારી પાસે જ્યારે જોવાના નાટકોની યાદી આવી ત્યારે મને થયું કે આવું ‘મિલીના ઘર તરફ’ જેવું ઠેઠ સિત્તેરના દાયકાની બાસુ ચેટરજીની ફિલમછાપ ટાઈટલ લઈને કયું નાટક આવ્યું છે ? પણ જ્યારે નાટક જોયું ત્યારે લાગ્યું કે ચોક્કસ વિચારધારાને લક્ષ્યમાં રાખીને નાટક લખાયું છે અને નવોદિત લેખિકા એ વિશે ખૂબ સ્પષ્ટ છે. પછી તો જૂની માતૃસંસ્થા રાષ્ટ્રીય કલા કેન્દ્રના જૂના હોદ્દેદારને નાતે આ નાટકના કલાકારો ભાઈ મેહુલ, પ્રણય અને શંકરભાઈ સાથે નાટકને પોલિશ કરતી વખતે મુખ્ય અભિનેત્રી તરીકે લેખિકા સાથે ચર્ચા કરવાનુંય બન્યું. ત્યારે કરેલા સૂચનોને એમણે જે ઝડપ અને સફાઈથી આત્મસાત્ કરી બતાવ્યાં ત્યારે લાગ્યું કે લેખન, અભિનય અને દિગ્દર્શન – ત્રણેય વડે એ રંગભૂમિ પર એક ચોક્કસ મુકામ સર કરવા કટિબદ્ધ છે. અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર જેવી તદ્દન અવેતન સંસ્થા દ્વારા જરાય કમર્શિયલ નહીં એવા આ નાટકના થયેલા આટલાં પ્રયોગો આ કટિબદ્ધતાનું દ્યોતક છે.

      ‘ભ્રૂણહત્યા’ કે ‘જેન્ડર ડીસ્ક્રીમીનેશન’ પર ઇબ્સનના ‘ધ ડોલ્સ હાઉસ’થી માંડીને ઉમાશંકર જોશીના ‘સાપના ભારા’ કે ‘ઉડણ ચરકલડી’થી લઇ આજ સુધી કૈંક અગણિત લેખકોએ નાટકો-રેડિયો નાટકો – સીરીયલ્સ કે ડોક્યુમેન્ટરીઝ લખી કાઢી છે. પણ અહીં આ મુખ્ય થીમને ખૂબ જ કુનેહપૂર્વક અંડરકરંટ રાખી વાતને સમાજના ઉપલા તેમજ નીચલા કે લબ્ધપ્રતિષ્ઠિત સામે ઓછા પ્રતિષ્ઠિત એવા વર્ગોની પોતાની અંગત વાતોમાં સાવ ઊંધી જ મૂલ્યનિષ્ઠતા કે આચરવામાં આવતા નઘરોળ દંભ વસીસ માણસાઈમાં ગોઠવી નાટ્યાત્મકતા ઊભી કરવામાં લેખિકા સફળ થયાં છે.

      સામાન્ય રીતે દ્વિ-ત્રિઅંકી કે લાંબા નાટકોમાં દૃશ્યરચના બાબતમાં લેખક છૂટછાટ લેવાનું ટાળે (તેમાંય નવોદિત તો હિંમત ન જ કરે). દા.ત. મુખ્ય કથા દીવાનખંડ કે ઓફિસમાં ગોઠવાય કે હોસ્પિટલ કે એવા સ્થળો માત્ર અલપઝલપ અડધાપડધા દૃશ્યમાં કે ફ્લેશબેકમાં આવે, જ્યારે અહીં હોસ્પિટલને જ મુખ્ય દૃશ્ય બનાવી વાતની માંડણી કરાઈ છે. એટલું જ નહીં, નાટકનાં ગ્રાફ અને ક્લાઈમેક્સમાં હોસ્પિટલના જ ડોકટરો ને સ્ટાફનો સુપેરે ઉપયોગ થયો છે તે લેખિકાની રંગમંચીય સૂઝ બતાવે છે.

      આશા રાખીએ કે ‘મિલીના ઘર તરફ’થી શરુ થયેલ લેખિકાની આ સર્જનયાત્રા ગુજરાતી રંગભૂમિને વધુ સજ્જ, સક્ષમ ને હેતુપૂર્ણ નાટકો અપાવે.

      શ્રીમતી યામિની વ્યાસને અનેકાનેક શુભેચ્છા.

વિહંગ મહેતા
વડોદરા
તા.૦૭.૦૪.૨૦૧૧


0 comments


Leave comment