2.2 - અંક પહેલો – દૃશ્ય – ૨ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(બીજી બાજુ દુર્ગાદેવીની ઓફિસ.. લાઈટ થાય ત્યારે દુર્ગાદેવી ખૂબ કામમાં હોય. રીસેપ્શનિસ્ટ પ્રવેશે.)
રીસેપ્શનિસ્ટ : મેડમ ન્યુઝ ચેનલની રિપોર્ટર મિસ માનસી આપને મળવા માંગે છે.
દુર્ગાદેવી : શા માટે આવી છે ?
રીસેપ્શનિસ્ટ : આજે women’s day છે માટે આપનો શુભ સંદેશ લેવા આવી છે
દુર્ગાદેવી : O.K. but five minutes only.
રીસેપ્શનિસ્ટ : અને મેડમ પેલી P.A. માટે બોલાવી હતી ને તે શુભાંગી...
દુર્ગાદેવી : એને હમણા બેસાડ, પછી બોલાવીશ. (ફોન રણકે છે. રીસેપ્શનિસ્ટ ઊંચકે છે.)
રીસેપ્શનિસ્ટ : હેલો, મેડમ સૌરભ સર, હી ઈસ ઓનલાઈન...

દુર્ગાદેવી : હેલો બેટા આવી ગયો ? (રીસેપ્શનિસ્ટ ને જેવા ઈશારો કરે છે.) શું ફ્લાઈટ લેઈટ હતી..? o.k. ફ્રેશ થઈને આવી જા પછી P.A. ના ઈન્ટરવ્યુ બાબત વાત કરીશું.. બાય ધ વે લંડનની ટ્રીપ કેવી રહી ? ક્રોમવેલ ઈન્ડસ્ટ્રીઝનો રીસ્પોન્સ કેવો રહ્યો ?
સૌરભ : ફેન્ટાસ્ટિક મમ્મી, હું આવીને વાત કરું છું.
દુર્ગાદેવી : O.K. બાય.
સૌરભ : બાય.

દુર્ગાદેવી : Send the media people in.
માનસી : Good morning Ma’m, Happy Women’s day.
દુર્ગાદેવી : Same to you.
માનસી : Thanks. મેડમ, આજે વિશ્વ મહિલા દિને આપનો સંદેશો રેકોર્ડ કરવા માંગીએ છીએ.
દુર્ગાદેવી : O.K. પણ વિષય શું રાખ્યો છે ?
માનસી : સ્ત્રીભ્રૂણ હત્યા.. દેશમાં ઘટતી સ્ત્રીઓની સંખ્યા.. વિશે..
દુર્ગાદેવી : રેડી ?
માનસી : વન મિનિટ (કેમેરામેન કેમેરો ગોઠવે) O.K. Start.

માનસી : મિત્રો, આજે આપની સમક્ષ શહેરના મશહૂર બિઝનેસ વુમન શ્રીમતી દુર્ગાદેવી ભાટિયા હાજર છે. પોતે એક મહેલા હોવા છતાં એક સફળ કોર્પોરેટ લેડી છે. આ શહેરમાં ભાગ્યે કોઈ વ્યક્તિ એવી હશે જેને દુર્ગાદેવીના પરિચયની જરૂર હોય. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને આપનો સંદેશો અમારા દર્શકમિત્રો માટે ખૂબ મહત્વનો છે.
દુર્ગાદેવી : સર્વપ્રથમ તો તમામ મહિલા દર્શકોને આજના મહિલા દિનની શુભેચ્છા..
માનસી : મેડમ, આજે દેશમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા વિશે અમારા દર્શકોને શું કહેશો ?
દુર્ગાદેવી : સ્ત્રી એ શક્તિ છે. જગત આખમાં ઊર્જાના સ્રોત સમી એ પ્રસરી રહી છે. એની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે. માટે સ્ત્રીભ્રૂણ હત્યા રોકવી જોઈએ. જીવનમાં અનેક ઝંઝાવાતોનો સામનો કરી સ્ત્રી એના પિતા તેમજ પતિ બંનેના ઘરને પ્રજ્વલિત કરે છે. હવે મારો જ દાખલો લો. મારું સમગ્ર જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. છતાં એનો સામનો કરીને આજે હું એક સફળ બિઝનેસ મૅગ્નેટ બની છું. આજે સ્ત્રીને પુરુષ સમોવડી કહેવામાં આવે છે. પણ હું તો કહીશ કે સ્ત્રી આજે પુરુષથી આગળ નીકળીને અવકાશયાત્રી બની છે. અને આજના દિવસે મારો એક સંદેશ છે કે સ્ત્રી જીવનમાં આવનારી મુસીબતોનો સામનો ધીરજ અને શૌર્યથી કરશે તો એ આવતીકાલનો ઇતિહાસ બની રહેશે.

માનસી : Thank you મેડમ.. આપનો આ સંદેશો દર્શકો માટે ખરેખર પ્રેરક બની રહેશે.. તો મિત્રો, આ હતા શહેરના પ્રખ્યાત લેડી શ્રીમતી દુર્ગાદેવી ભાટિયા.. (કેમેરા-લાઈટ વિ. પેક અપ કરતાં દુર્ગદેવીને) થેંકયુ મેડમ.. થેંકયુ વેરી મચ... આજે રાત્રે ૮.૦૦ કલાકે અમારી ચેનલ ઉપર જોવાનું ભૂલતાં નહીં.
દુર્ગાદેવી : અરે, પણ આમ એમને એમ થોડું જવાતું હશે.. ચા–કોફી, કોલ્ડ્રિંકક્સ..

માનસી : થેંકયુ મેડમ.. પણ ફરી કોઈવાર.. તમારો એક એકસકલુઝીવ ઈન્ટરવ્યુ કરવો છે.. આપની આખી લાઈફ.. આખા પરિવાર ઉપર.. ત્યારે મળીશું.
દુર્ગાદેવી : O.K. માનસી.. પ્રોમિસ.
માનસી : થેંકયુ વન્સ અગેઈન.
(બહાર નીકળી જાય. સૌરભ પ્રવેશે છે.)
સૌરભ : મમ્મી આ બધું તોફાન... કોણ હતા..?
દુર્ગાદેવી : ન્યુઝ ચેનલવાળા... આજે વિમેન્સ ડે છે ને.. તે માટે મારો સંદેશો લેવા આવ્યાં હતા..
સૌરભ : તું પણ શું મમ્મી..
દુર્ગાદેવી : એ તું નહીં સમજે.. હા.. પણ લંડનમાં શું કરી આવ્યો તે કહે..
સૌરભ : અરે, મમ્મી.. પહેલી મુલાકાતમાં એવો તો જાદુ કર્યો કે સીધો ઓર્ડર જ મળી જશે.. જરા ચેક કરી જો કદાચ આવી ગયો હશે.
દુર્ગાદેવી : I am proud of you my son.
સૌરભ : Thank you mamma, તમારી જ ટ્રેઈનિંગનું આ પરિણામ છે.

દુર્ગાદેવી : આ ઓર્ડર આપણા માટે માઈલ સ્ટોન પુરવાર થશે, અને તેના બેઈઝ ઉપર યુરોપમાંથી ઘણા સારા ઓર્ડર મળે એમ છે.
સૌરભ : યસ મોમ, તેથી જ મેં કાલે production, engineering, marketing અને purchaseની joint meeting રાખી છે. તેમાં ઓર્ડરનું execution plan થશે.
દુર્ગાદેવી : Very good. અને હં.. મારી P.A. ના સિલેકશન માટેના ત્રણ finalist હતા. એમાંથી જે સૌથી સારી લાગી હતી એ હાજર છે તું પણ એને જોઈ લે. અને સારી લાગે તો આજથી જોઈન કરી એનું કામ વિ. બતાવી દેજે. મારે એક મીટિંગ અને Women’s dayનું function અટેન્ડ કરવાનું છે. O.K. Bye.
સૌરભ : શું નામ છે એનું ?
દુર્ગાદેવી : શુભાંગી.. મિસ શુભાંગી મહેતા (બહાર જાય છે.)
સૌરભ : (ઈન્ટર કોમ પર) મિસ શુભાંગીને અંદર મોકલો.
(શુભાંગી પ્રવેશે છે.)

શુભાંગી : ગૂડ મોર્નિંગ સર !
સૌરભ : ગૂડ મોર્નિંગ.. Please be seated.
શુભાંગી : Thank you sir… સર મેડમ ગયાં ? ક્યારે આવશે ?
સૌરભ : તમને પ્રથમ બાળક દીકરી જોઈએ કે દીકરો ?
શુભાંગી : What ?
સૌરભ : મમ્માની સ્પીચનો આ subject છે. એકાદ કલાક ચાલશે ફંકશન, હવે તેઓ કદાચ કાલે જ આવશે.
શુભાંગી : કાલે..? તો.. હં..
સૌરભ : તમે..
શુભાંગી : હા તમે.. ક્યારથી કંપની જોઈન કરવા માંગો છો ?
શુભાંગી : હું..હા..
સૌરભ : You are selected.

શુભાંગી : Thank you sir, તમે મને સિલેક્ટ કરી એ બદલ.. મારે આ જોબની બહુ જરૂર હતી. મારા ફાધર બિમાર છે.. ઘરમાં બીજુ કોઈ જ કમાનાર નથી.
સૌરભ : મેં નહીં, મારી મમ્મી આઈ મીન દુર્ગાદેવીએ તમને સિલેક્ટ કર્યા છે. તમે એમને થેંકયુ કહી શકો છો.
શુભાંગી : abilitiesમાં વિશ્વાસ રાખી મારી પસંદી કરી છે તો..સર I will try my best.
સૌરભ : અઘરું છે... આઈ મીન મારી મમ્મી.. દુર્ગાદેવીનો વિશ્વાસ જીતવો એ.. જુઓ હું તમારા કામ કરતાં તમારા બોસથી તમને પરિચિત કરાવું એ જરૂરી છે. એઓ સ્ટ્રિક્ટ છે. પંકચ્યુઅલ છે. વર્કોહોલિક છે. સેલેરીની બાબતમાં ઉદાર, liberal છે પણ જો તમે એનાં બની શકો તો.
શુભાંગી : એમ !
સૌરભ : સામી તરફ બીજાને એ પોતાના જેવા જ ઈચ્છે છે. નહીં તો આ પાર કે પેલે પાર. જેટલાં જલ્દી જોબ પર લે, એટલા જલદી છૂટા પણ કરી દે છે.
શુભાંગી : સર, હું મેડમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપીશ.
સૌરભ : એવું આગળ ઘણાએ કહેલું.
શુભાંગી : હું કરી બતાવીશ સર. તમે મારી ડ્યૂટી સમજાવો સર.
સૌરભ : ડ્યૂટી તો દુર્ગા મેડમ સાથે રહેશો એટલે આપોઆપ જ સમજાઈ જશે.

સૌરભ : આમ પણ તમે છોકરીઓ શોખ માટે, ટાઈમ પાસ કે પોકેટ મની માટે તો જોબ કરતાં હો છો, ચાર–છ મહિના થાય તો કરવાની, ત્યારબાદ બીજી જોબ કેમ ?
શુભાંગી : (ગુસ્સાથી જોઈ રહે છે)
સૌરભ : કેમ કંઈ જવાબ ન આપ્યો ? મૌન સંમતિનું ચિહન હોય છે.
શુભાંગી : તમે જેને ચૂપ કરો, એ કંઈ તમારી માન્યતા મુજબના નથી બની જતા પણ અમુક કક્ષાએ પૂછાતા સવાલના જવાબમાં શક્તિ વેડફવી યોગ્ય નથી હોતી સર.
સૌરભ : ઓહ young lady તો આપને ખરેખર job ની જરૂર છે. એમ !
શુભાંગી : હા, સર. મારા ફાધર અઢી વર્ષથી બિમાર છે. ઈનફેક્ટ હું એમને હમણાં હોસ્પિટલમાં એડમિટ કરીને જ આવી છું. મારી બે નાની બેનો છે, મમ્મીને સહાયરૂપ થવા મારે jobની ખાસ જરૂર છે.
સૌરભ : Oh, I am sorry. લો આ ફાઈલ પેપર સાઈન કરો.
શુભાંગી : થેંકયુ વેરી મચ. (સાઈન કરવા બેસે, એક વ્યક્તિની એન્ટ્રી)

વ્યક્તિ : મિસ શુભાંગીબેન ?
શુભાંગી : હં બોલો..
વ્યક્તિ : તમારા ફાધર...
શુભાંગી : શું થયું મારા ફાધરને ?
વ્યક્તિ : તમારા ફાધર સિરિયસ છે.
શુભાંગી : ઓહ... સર એકસકયુઝ મી (ઉતાવળે)
સૌરભ : યસ ઓ.કે. (જવાનો ઈશારો કરે)
(બ્લેક આઉટ)
(ત્રણેક મહિના બાદ, દુર્ગાદેવી, સૌરભ ઓફિસમાં)

દુર્ગાદેવી : ખૂબ સિન્સિયર છે શુભાંગી, એના fatherના deathના ત્રીજા દિવસે હાજર થઈ ગઈ હતી, ત્રણ મહિનામાં એણે એટલું પીક અપ કર્યું છે કે હવે મને તેના વગર ચાલતું નથી.
સૌરભ : હા મમ્મા, આપણી વર્સોવાની ફેકટરી, કેટલા વખતથી બંધ હતી, તે છેલ્લા ત્રણેક મહિનામાં ચાલું થઈ ગઈ. આપણું yearly target છેલ્લા મહિનામાં તો લગભગ પૂરું થઈ ગયું. એને લીધે આ વર્ષે 70%નો growth મળશે.
દુર્ગાદેવી : ગુડ.. સૌરભ, શુભાંગી આપણે માટે Lucky છે.
સૌરભ : મમ્મા એક વાત પૂછું ?
દુગદેવી : હં શું ?
સૌરભ : મમ્મી તું આટલી બધી forward છે તો તું Lucky unlucky કે ગ્રહદશા, જ્યોતિષ, બધામાં કેમ આટલું બધું માને ?
દુર્ગાદેવી : બેટા મારા પર વીત્યું છે જ એવું કે, જવા દે, તું નહીં સમજે.
સૌરભ : ખરેખર નથી સમજાતું.

દુર્ગાદેવી : મારી આખી જિંદગી તારી સામે જ છે. તારા પપ્પાના અણધાર્યા મૃત્યુ બાદ માટે એટલું સહન કરવું પડ્યું છે કે,..
સૌરભ : હા મમ્મા.
દુર્ગાદેવી : કે હું બધી વાતમાં ફક્ત મનતી નથી, શ્રદ્ધા રાખતી થઈ ગઈ છું અને મને તો સત્ય પણ લાગે છે. જો તમે તણખલાં પર શ્રદ્ધા રાખો ને તો એ પણ તમને પાર ઉતાર.
સૌરભ : પણ મમ્મા. બિઝનેસમાં પણ આવું બધું..
દુર્ગાદેવી : હા, પપ્પાના મૃત:પાય થઈ ગયેલા બિઝનેસને મેં આંસુ અને પરસેવાથી સીંચીને ફરી જીવિત કર્યો છે. ફક્ત તારા માટે, તું જ મારું સેન્ટર પોઈન્ટ, ધ્યેય કે મહત્વકાંક્ષા. તું એનું જતન કરી સુખી થાય, નામ કમાય. એવું એકમાત્ર લક્ષ્ય છે મારું.
સૌરભ : તમારા જેવી મમ્મા અને બિઝનેસ વુમનનો હાથ, મારા માથા પર હોય તો હું બધું જ કરી શકીશ.
(શુભાંગી ફાઈલ લઈ આવે છે.)

શુભાંગી : મેમ, કાલે ઈન્ડોનેશિયની પાર્ટી સાથેની ફાઈનલ મિટિંગ માટે શું કરવાનું છે ?
દુર્ગાદેવી : હા, જો એ મોટી પાર્ટી છે. પ્રેઝન્ટેશન સરસ થવું જોઈએ. એમાં આપણા Products બધી details, આપણી capacity અને આપણા important કસ્ટમર્સનાં નામ પણ આવી જવા જોઈએ.
શુભાંગી : હા એ તો છે જ, પણ તે ઉપરાંત મેં આપણા important કસ્ટમર્સ પાસેથી એપ્રિસિએશન લેટર લઈને પ્રેઝન્ટેશનમાં સામેલ કર્યા છે. જુઓ મેમ, એની copy –
દુર્ગાદેવી : વન્ડરફૂલ (ફાઈલ જોઈને)
સૌરભ : વન્ડરફૂલ (શુભાંગીને જોઈને)
(દુર્ગાદેવીની પારખું નજર સૌરભના ઉદ્દગાર સાંભળી ત્રાંસી નજરે સૂચક જોઈ લે છે)

દુર્ગાદેવી : સૌરભ બેટા, અમેરિકાથી રિયાનો ફોન હતો તારા માટે.
સૌરભ : મમ્મા, તમે કરેલો ને ?
દુર્ગાદેવી : (હસીને) હા મેં કરેલો.
સૌરભ : કેમ ?
દુર્ગાદેવી : હવે તારા માટે એનો શો વિચાર છે, એ જાણી લઉં ને ?
સૌરભ : (ધીમેથી બોલે છે) She is past tense.
દુર્ગાદેવી : શું શું ?
સૌરભ : કંઈ નહીં મમ્મા એ મારી just friend હતી એટલે કહ્યું, ‘She is past tense .’
દુર્ગાદેવી : કે pass time ?
સૌરભ : હવે છોડોને મમ્મા, એણે શું કહ્યું ?
દુર્ગાદેવી : મેં સ્પષ્ટ પૂછ્યું નથી, પહેલા તારી વાત જાણી લઉં ને, તેં કહેલું ને કે ‘મારા દિલના કેમેરામાં ઓટોમેટિક, ક્લિક થઈ જાય એને હું પસંદ કરીશ.
સૌરભ : મમ્મા, થઈ ગઈ છે.
દુર્ગાદેવી : I know, I know, That’s way I am asking ! May I know who is she ?
સૌરભ : મમ્મા, You very well know.
દુર્ગાદેવી, સૌરભ : શુભાંગી !
(શુભાંગી ફાઈલ અલી પ્રવેશે)

શુભાંગી : યસ મેમ !
(બંને ખચકાય છે)
દુર્ગાદેવી : શુભાંગી, આજે મારે કામ છે, હું જલ્દી નીકળું છું, તું તૈયાર કરેલી ફાઈલ સૌરભને બતાવી દેજે.
શુભાંગી : જી મેમ.
(દુર્ગાદેવી જાય છે.)
(શુભાંગી સૌરભને ફાઈલ બતાવે)
શુભાંગી : સર આ ફાઈલ..
સૌરભ : (ફાઈલ જોઈ ગુસ્સાથી) આ શું ?
શુભાંગી : કેમ શું થયું સર ?
સૌરભ : આ કોટેશનમાં આટલા રેઈટ કેમ ભર્યા છે ?
શુભાંગી : સર, દુર્ગામેમે કાલે જ મિટિંગમાં ફાઈનલ..
સૌરભ : દુર્ગામેમની બચ્ચી, મને શિખવે છે ? તને ખબર છે, તારી આ હરકતથી કેટલો મોટો લોસ થઈ શકે ?
શુભાંગી : સર..
સૌરભ : કોન્ફીડન્ટ, ના હવે ઓવરકોન્ફિડન્સથી વર્ક કરે છે, આ બધું કંઈ ઈઝી નથી.
શુભાંગી : પણ સર જુઓ, આ રેઈટ જ... (ટેબલના ખાનામાં કાલની મિટિંગના પેપર શોધે.)
સૌરભ : હવે શું શોધે છે ? મેં તૈયાર કરી ક્રોમવેલને ક્યારનું કોરિયર કરાવી દીધું.
શુભાંગી : (ચોંકીને) ક્રોમવેલને નહીં સર. એ તો કીર્લોસ્કરને મોકલવાનું હતું. ક્રોમવેલને નહીં સર..
સૌરભ : (માથું કૂટતા ખડખડાટ હશે)

શુભાંગી : (કંઈ સમજાતું નથી એટલે ખાનામાંથી પેપર લાવીને) સર, આ રેઈટ બરાબર જ છે. જુઓ મિટિંગમાં ફાઈનલ થયેલા એ જ. મેં મોડે સુધી બેસીને ટાઈપ કર્યું હતું. મારી આંગળીઓ, ટેરવા દાઝી ગયા હતાં છતાં પણ..
સૌરભ : ઓહ ગોડ ! કેવી રીતે ?
શુભાંગી : મમ્મી ટિફિન સર્વિસ આપે છે, કાલે કામ વધારે હતું, હું હેલ્પ કરવા ગઈ ને રોટલી શેકતા જ મારા હાથ સીધા તવી પર..
સૌરભ : ઓહ sorry, આ તો ફક્ત મજાક હતી.
શુભાંગી : મજાક ! સર તમારા પૈસાવાળાને ફાવે.. અમારી લાચારી તમને નહીં સમજાય. હજુ પપ્પાની બીમારીનું દેવું જ નથી ચૂકવી શક્યાં અમે..
સૌરભ : આઈ એમ એક્સસ્ટ્રીમલી સોરી..

મોન્ટાજ – ૧

(શુભાંગી ટેબલ પર પડેલી કોઈ ચીજ જુએ, કવર ખસેડે, અંદર કેક જુએ, સરપ્રાઈઝથી આજુબાજુ જુએ.)
સૌરભ : (પ્રવેશતા) હેપી બર્થ ડે શુભાંગી.
શુભાંગી : ઓહ સર તમે ? તમને કઈ રીતે ખબર મારી બર્થ ડે ?
સૌરભ : અમે એમ્પલોયીના બાયોડેટા રાખતા હોઈએ છે.
શુભાંગી : તો બધા જ એમ્પલોયીને તમે આ રીતે વીશ કરો સર ?
સૌરભ : સર નહીં, દોસ્ત, ફક્ત તને જ વીશ કરું છું, ફ્રેન્ડલી.
શુભાંગી : (આભારવશ કેમ કાપે) થેન્ક્સ.
સૌરભ : અને આ નાનકડી ગિફટ..
શુભાંગી : ઓહ ! એની શી જરૂર હતી ?
(ખોલે. સ્પ્રિંગવળું મુક્કો મારતું ટોય નીકળે ચીસાચીસ... સૌરભનું હાસ્ય)

મોન્ટાજ – ૨

(સૌરભ. શુભાંગી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત)
સૌરભ : (ફાઈલ બંધ કરતાં) ઓ મિસ શુભાંગી હજુ કામ કરો છો ? લંચ ટાઈમ થઈ ગયો છે, (શુભાંગી જવાબ આપ્યા વગર કામમાં મગ્ન) મને ડર લાગે છે તમારાથી. ભવિષ્યમાં મોમની ચ્હેરો તમે જ સંભાળશો, એટલું વર્ક કરશો તો !
શુભાંગી : માફ કરજો સર, સપનામાં પણ મારો એવો કોઈ ઈરાદો નથી, આ તો મેડમના રાહ પર ચાલવાનો પ્રયાસ માત્ર છે. ચાલો પૂરું કર્યું બસ.. (ફાઈલ બંધ કરે)
સૌરભ : very good.. રેસ્ટ પણ જરૂરી છે. એમાંથી વધુ રીફ્રેશ થાવ તો વધુ efficiencyથી કામ થાય એવું પણ તમારા મેડમ જ કહે છે.
શુભાંગી : જી. ઓ.કે. સર.
સૌરભ : ચાલને આજે લંચ માટે બહાર જઈએ.
શુભાંગી : લંચ ! સર હું તો લાવી છું લંચબોક્સ. જુઓ મેં જ બનાવી છે આ સ્વીટ, ખાસ તમારા માટે.
સૌરભ : ઓહ મારા માટે ! આ તો મેં લંચ પૂછ્યું એટલે બહાનું કેમ ?
શુભાંગી : નો નો સર.. આ કાલાજામુન તમારા માટે.
સૌરભ : મારા ફેવરીટ, તને કઈ રીતે ખબર ?
શુભાંગી : સર, બોસની પસંદ – નાપસંદ અમે એમ્પલોયી ખ્યાલ રાખતા હોઈએ છીએ.
સૌરભ : સાચ્ચે જ ! તો તો સ્વીટ હાથની સ્વીટ ડીશ માટે લંચ કેન્સલ અને આજનું ડીનર પણ.. (શુભાંગી મોઢામાં કાલાજામુન મૂકે) ઓહ માય ગોડ.. આ શું ? આટલું તીખું કાલાજામુન, આટલું મરચું નંખાતું હશે ગાંડી..! (કૂદાકૂદ) પાણી.. પાણી.. દુર્ગામેનની બચ્ચી... ને ગિફ્ટ આપો ‘મુક્કા’ની. હું પણ તમને ગિફ્ટ આપું છું. (પર્સમાંથી રબરની ગરોળી લઈ દોડે)
સૌરભ : ફેંક ફેંક, મને આનાથી સખત ચીડ છે. ડર લાગે છે ફેંકી દે.
શુભાંગી : એટલે જ સ્તો... પણ આ રબરની છે.
સૌરભ : ખબર છે તો પણ.. (દોડાદોડી)

મોન્ટાજ – ૩

શુભાંગી : સર મને બોલાવી ?
સૌરભ : શુભાંગી તું કેટલી છે ?
શુભાંગી : કેટલી એટલે ?
સૌરભ : I mean, number of shubhangi ?
શુભાંગી : Shubhangi is only one & uniqe.
સૌરભ : હા, પણ શુભાંગી, હું જ્યાં પણ જાઉં ચુ ને, તું ને તું જ દેખાય છે.
શુભાંગી : એ તો આ ઊંમરે એવું થાય.
સૌરભ : ઓ દાદીમા, સાચે જ એવું થાય છે. કોઈને પણ જોઉં છું ને એમ જ લાગે, આ શુભાંગી છે.
શુભાંગી : તો તો કોઈની આવી બની !
સૌરભ : મોમ સાથે કાલે કલ્ચર પ્રોગ્રામમાં ગયેલો. ગરબાની Entry શરૂ થઈ, પહેલી શુભાંગી દેખાઈ, પછી તો બીજી, ત્રીજી, ઓહોહોહો, સોળ સોળ શુભાંગીઓ ગોળ ગોળ ઘુમવા લાગી ને મને જે ચકરાવે ચઢાવ્યો !
શુભાંગી : રીયલી !
સૌરભ : તને એવું ક્યારેક થાય ખરું ?
શુભાંગી : ના ભાઈ ના, ટાઈમ જ ક્યાં છે ? સવારથી જ busy થઈ જવાય.
સૌરભ : હવે તું વધારે busy થઈ જશે.
શુભાંગી : કેમ ?
સૌરભ : For your kind information, દુર્ગાદેવીને મેં મનાવી લીધા છે.
(આશ્ચર્યથી આંખ પહોળી થઈ જાય છે) મેમ માની ગયા ?

સૌરભ : લગભગ
શુભાંગી : મારા ઘરની પરિસ્થતિથી વાકેફ હોવા છતાં ?
સૌરભ : હા
શુભાંગી : મારી મમ્મી અને બંને બહેનો મારી જવાબદારી છે, એવું જાણ્યા પછી પણ ?
સૌરભ : પછી પણ
શુભાંગી : તો તો તેમની નજરમાં અમે ક્લિક થયા એમને ?
સૌરભ : આરપાર
શુભાંગી : તમને કે મમ્માને પાછળથી પસ્તાવો તો નહીં થાય ને ?
સૌરભ : (હસીને) મને તો હમણાંથી જ થઈ રહ્યો છે, જો કે મમ્માની ખબર નથી, પણ એ દરેક ક્ષેત્રમાં ભાવિનો વિચાર કરે છે.
શુભાંગી : સૌરભ, I am serious
સૌરભ : of course, I am too
સૌરભ : એની ડાઉટ ?
શુભાંગી : Yes.. No, No, No
સૌરભ : તને દુનિયામાં સૌથી વધારે શું ગમે ?
શુભાંગી : સૂરજ ! ઉગતો સૂરજ ગમે, વહેતાં ઝરણાં ગમે, દોડતાં હરણાં ગમે, વરસાદના ફોરાં ગમે, શીતળ ચાંદની ગમે... તમને ?
સૌરભ : મને.. તને ગમતી દરેક વાત ગમે.
શુભાંગી : હું કેમ માનું ?
સૌરભ : આપણા પ્રેમનાં સોગંદ
શુભાંગી : એમ ? મેં એવું સાંભળ્યું છે કે, પુરુષો લગ્ન પહેલા પ્રેમ કરવાના સોગંદ ખાય છે પણ લગ્ન પછી સોગંદ ખાવા જેટલો પ્રેમ પણ કરતાં નથી.
સૌરભ : ઓ મારી અમ્મા, એટલી નાની ઉંમરમાં આટલી મેચ્યોરીટી ક્યાંથી આવી ?
(શુભાંગી સીરીયસ થઈ જાય છે)

શુભાંગી : સમસ્યાઓમાંથી, ઘણીવાર તો બધી બાજુએથી એટલા બધા પ્રોબ્લેમ્સ વીંટળાઈ વળે છે, કે માણસ પોતે જીવે છે એવી ગેરસમજમાં જ શ્વાસ લીધા કરે છે.
સૌરભ : મમ્માને તારી આ જ મેચ્યોરીટી, સમજદારી, વિવેક અને નમ્રતા અપીલ કરી ગઈ છે.
શુભાંગી : પણ એકેય તક જતી કર્યા વગર હંમેશા મારી વાત એમના મન સુધી પહોંચાડનાર તમારા ideas તમને કેવી રીતે આવતા ?
સૌરભ : All Great ideas come from small beginnings.
(નજીક જઈ પાસે ખેંચતા)
(દુર્ગાદેવી આવે છે, બંને ખંચકાય જાય છે. સૌરભ જગ્યા પર બેસે છે. શુભાંગી જવા લાગે છે.)
દુરાગદેવી : શુભાંગી, અહીં આવ !
(શુભાંગી નજીક આવે છે)
શુભાંગી : (નીચું જોઈને) જી મેમ.
દુર્ગાદેવી : (ગુસ્સાથી), સૌરભ તમારા relation જે પણ હોય એનો અંત લાવો તો સારું, મને મંજૂર નથી.
સૌરભ : but… She is.. She is…
દુર્ગાદેવી : એટલે... એટલે શું હું તમારા મેરેજની Date નક્કી કરું ? It’s not possible.
સૌરભ : મમ્મા પણ... પણ...
દુર્ગાદેવી : (ફરીને હસી પડે)
સૌરભ : મજાક કરે છે ને મમ્મા Thank you very much. (બંને પગે લાગે – શહેનાઈ)


0 comments


Leave comment