7.4 - સરદાર પટેલનું વ્યક્તિત્વ : ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી / સંવાદ / જ્વલંત છાયા


     ૧૯૪૭માં અસ્તિત્વમાં આવેલા વિશ્વના આ સૌથી મોટા ગણતંત્રમાં સત્તાનશીન થયેલી સરકારોની ભૂલો તો અગણિત હશે પરંતુ કેટલીક મુર્ખામીઓ પણ કેટલાક તબક્કે થઈ હતી અને તેમાંની યાદગાર મુર્ખામી એટલે રાજીવ ગાંધીજી સાથે જ વલ્લભભાઈ પટેલને ભારતરત્નના ખિતાબ માટે લાયક ગણવા ! કોઈ માન આપવા માટે વલ્લભભાઈની પેરિટીમાં એક જ વ્યક્તિ આવી શકે, વલ્લભભાઈ પટેલ પોતે. રાજીવને આ ખિતાબ અપાયો તેનો પણ કોઈને વાંધો નહોતો. કારણ કે કોંગ્રેસને તેના જીવતા નેતાઓ કરતાં દિવંગતો જ કામ આવ્યા છે તે ઐતિહાસિક સત્ય છે. વલ્લભભાઈથી આગળ તેમની સાથે અને તેમના પછી સંખ્યાબંધ લોકોએ ભારતના જાહેરજીવનમાં કામ કર્યું, પરંતુ સરદારની સરખામણી કોઈ સાથે થઈ શકે તેવું કોઈ પાત્ર આ રાજરંગમંચ પર નથી, મનોજ ખંડેરિયાનો શેર એપ્રોપ્રિએટ છે, ‘બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.’

     પોતાનાં બાળકોને લઈને દેશના બાંધવોની અવિરત ચિંતા, ગાંધીજી પ્રત્યેની અંધ નહીં પરંતુ પ્રજ્ઞાચક્ષુ ભક્તિ. કિંવદંતિઓ, ગેરસમજો, દંતકથાઓનો તેમના વિશે પાર નથી પરંતુ વાસ્તવિક્તા એ બધાથી ઉપર છે અને અલગ પણ છે. વિશેષતા જ એ છે તેમના વ્યક્તિત્વની, જે મૃત્યુ પછીના ૬૩ વર્ષે સાવ સાધારણ માણસ પણ તેમના વિશે લખી શકે છે. સરદારનું જીવન પી-૧ ખાદીની ઈસ્ત્રી કરાવેલા કુર્તા જેવું છે. બેદાગ અને સિલવટ-સળ વગરનું ! વલ્લભભાઈ પટેલનું પોણા સૈકાનું જીવન આગલા ત્રણ દાયકાને બાદ કરતાં રાષ્ટ્રને સમર્પિત હતું, ‘રાષ્ટ્રીય સ્વાહા’ જેવો મંત્ર વલ્લભભાઈના હોઠ પર કે વાહન પર નહીં, આત્મામાં વસતો હતો !

     સત્તરમા વર્ષે લગ્ન થયાં પછી વલ્લભભાઈએ અભ્યાસ ચાલુ રાખ્યો, વિદેશ જવાના ઓરતા હતા જ. અરજી પણ કરી હતી અને પાસપોર્ટ પણ આવ્યો – તેના પર લખ્યું હતું –વી.જે. પટેલ મોટાભાઈ વિઠ્ઠલભાઈને વિદેશ જવાની તક હસતા મો આપી દીધી – અને ક્રોન્ગ્રેસીઓ ક્યારેય આ બાબતને ત્યાગ ગણાવતા નથી – તે વખતે ભાભીની સારસંભાળ અંગેનો ઝઘડો નિવારવા પત્નીને પિયર મોકલી દેવાં એ બધું તો જાણીતું છે પરંતુ એ એક એક ઘટનામાંથી તેમનું સંવેદનશીલ વ્યક્તિત્વ નીતરે છે. જીવે છે. ગાંધીજીને લીધે તેમનું જીવન બદલાયું એ હકીકત પરંતુ કર્મશીલતા તો ઇનબિલ્ટ હતી. તેમના પત્નીના મૃત્યુના સમાચારનો તાર મળ્યો ત્યારે સરદાર કોર્ટમાં કેસ લડી રહ્યા હતાં. સંતાનો માટે પૈસા ખર્ચવામાં તેમણે ક્યારેય વિચાર કર્યો નહોતો. પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણીબેનને ઇંગ્લિશ મીડીયમમાં ભણાવવાની વ્યવસ્થા તેમણે કરી હતી. આ સંતાનો મોટાં થયા ત્યાર પછી પણ, જેલવાસ હોય કે સત્યાગ્રહ કે કોઈ ચળવળ, તેમનું કેરિંગ સતત રહ્યું હતું. ૩૪ વર્ષની વયે વિધુર થઈ ગયેલા સરદારના પુત્ર ડાયાભાઈ ૨૮ વર્ષે પત્નીને ગુમાવી બેઠા ત્યારે પિતાએ લખ્યું હતું, ‘એકલા રહી શકાય તો ફરીથી ઝંઝાળમાં પાડવામાં સાર નથી.’ પ્રથમ તો તમારી ઈચ્છા શું છે તે નક્કી કરવાનું રહ્યું. આ કિસ્સો તો એક ઉદાહરણ છે. તેમણે ક્યારેય પોતાના વિચારો સંતાનો પર લાધ્યા નહોતાં. પ્રેક્ટીકાલીટી તેમનામાં ભારોભાર હતી. એકવાર ડાયાભાઈનાં પુત્ર બિપિનભાઈ મિલનાં કપડાં પહેરીને આવ્યા, ડાયાભાઈને તે ન ગમ્યું, તેમણે તેને ધમકાવ્યા. મણીબેને પણ તેમને ઠપકો આપ્યો હતો. પરંતુ સરદારનું રીએક્શન હતું, ‘ખાદી એ ભાવના છે. તેને શ્રદ્ધા ન હોય તો ન પહેરે.’

     સંતાનો પ્રત્યે આટલી માયા તેમને હતી પરંતુ પોતે મંત્રી હતા ત્યાં સુધી પુત્ર કે કોઈ સગાંઓને દિલ્હી આવવાની મનાઈ હતી, ‘બને તો વિંધ્ય ઓળંગવો નહીં’ તેવી સ્પષ્ટ સૂચના હતી. હા, મણીબેન ૧૯૨૮ ના સત્યાગ્રહથી છેક છેલ્લી ક્ષણ સુધી તેમની સાથે રહ્યા, લોકોનો પડછાયો દિવસે જ હોય સરદારની સાથે રાત્રે પણ તેમનો પડછાયો – તેમના જ તેજમાંથી સર્જાયેલો પડછાયો સાથે રહેતો, તેનું નામ મણીબેન પટેલ. નેતા તરીકે તો સરદારને મૂલવતાં પુસ્તકો છે અને તેમાં પણ તે સમાઈ શક્યા નથી. પણ મંત્રી તરીકેય તેમની કેટલીય એવી વાતો છે જે ઓછી જાણીતી છે. કોંગ્રેસનો ઈતિહાસ દર્શાવતી ફિલ્મ બનાવવા તેમણે સૂચન કર્યું હતું. પૃથ્વીરાજ અને રાજ કપૂરની વિનંતી સ્વીકારી તેમણે પૃથ્વી થિયેટર્સને કરમુક્તિ આપી હતી. ક્રિકેટર વિનુ માંકડને મળતી આર્થિક સહાય વિલીનીકરણ પછી પણ તેમણે ચાલુ રખાવી હતી.

     સરદાર માટે ફેલાયેલી ગેરસમજો કે કથનીઓનીમાં એક હતી ગાંધીજી માટેની તેમની ‘બ્લાઇન્ડ ફોલોનેસ.’ બંને વચ્ચે અનન્ય આત્મીયતા હતી પરંતુ તેને લીધે મતભેદો નહોતાં એવું નહોતું. ખિલાફત આંદોલન, દાંડીકૂચ જેવા પ્રસંગોમાં સરદારની અસંમતિ જાણીતી છે. આઝાદી પછી પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવા સામેનો તેમનો વિરોધ તો વળી સૌથી ગાજેલું પ્રકરણ. અરે, અમદાવાદમાં જ હોવા છતાં સરદાર આશ્રમવાસી નહોતાં ! અને તેમ છતાં ગાંધીજીનો આદેશ તેમના માટે અંતિમ સત્ય હતો. કોંગ્રેસનું પ્રમુખ પદ હોય કે નેહરુને છેલ્લે સુધી સાથ આપવાની બાપુની સલાહ, સરદારે ગાંધીજીના શબ્દ માત્રને આજ્ઞા તરીકે જ લીધાં હતાં. દેશનું હિત એવી વાત આવે ત્યારે એ જ શબ્દો સામે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય પણ તેઓ આપતા.

     શ્રેષ્ઠ ઉદાહરણ દેશના વિભાજન અને સત્તા સમયનું છે. ચાર ચાર વખત કોંગ્રેસ પ્રમુખનું પદ જતું કરનાર સરદાર દેશ માટે ઘસારો સહન કરનારા અડીખમ નેતા હતા પરંતુ વડાપ્રધાન પદ માટે તેમનું નામ ન આવ્યું તેનો જરા પણ રંજ તેમણે જાહેરમાં પ્રદર્શિત ન કર્યો, ઉલટું બાપુની આજ્ઞાનુસાર ‘જવાહરનાં સચ્ચા સહકર્મી’ તરીકે જ રહ્યા. એ વાત અલગ છે કે નેહરુ સરદારની પ્રતિભા ઉભરે નહીં તે માટે સતત કોન્સિયસ રહ્યા હોવાના પુરાવા કેટલાંક પત્રો, કેટલાક પ્રસંગો આપે છે.

     સરદારને એનકેશ કરવાની પ્રવૃત્તિ હવે તો ચરમસીમાએ છે. ખાસ કરીને બિનકોંગ્રેસીઓ સરદાર નામના શઢના આધારે પોતાની નૈયા તરાવવા મથે છે. સરદાર મૂળ કોંગ્રેસમાં ઉપેક્ષિત, વિદ્રોહી, મુસ્લિમ વિરોધી હતાં તેવી ઈમેજ ઊભી કરવાના પ્રયાસો થાય છે. અરે સરદારને એક નેહરુ નહીં, ગાંધીજીના વિચારો સાથે પણ અસંમતિ હતી, મૌલાના કે કૃપલાણી કે ઝીણા જ નહીં, સુભાષચંદ્ર કે અન્ય અનેક નેતાઓ સાથે તેમના વિચારો ટકરાયા હતાં કારણ કે સરદાર માટે કોંગ્રેસ કરતાં પણ સત્ય અને દેશપ્રેમનો પક્ષ વધારે મહત્વનો હતો.

     મુસ્લિમ વિરોધી સરદાર ! વ્હોટ અ બ્લન્ડર ! બારડોલી સત્યાગ્રહ સમયે હિંદુ મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ફેલાય તે માટે અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવા પઠાણોને જવાબદારી સોંપી. પરંતુ સરદારે સ્ટ્રેટેજી એવી ગોઠવી કે આ પઠાણો સામે ફરિયાદ કરનાર મુસલમાન જ હોય ! પાકિસ્તાનમાં હિંદુઓની બેફામ હત્યા ચાલુ હતી ત્યારે ભારત છોડીને જતા મુસલમાનોના કાફલાને જવા દેવા શીખોએ નાં પાડી. તેમને સમજાવવા સ્વયં સરદાર અમૃતસર ગયા હતા અને તેમને સમજાવ્યા કે સ્ત્રીઓ-બાળકોની હત્યા વીરોનું કૃત્ય નથી. રામપુરના નિરાધાર મુસલમાનોને ખાસ ટ્રેનથી સરદારે દિલ્હીથી વતન પહોંચાડ્યા હતાં અને રામપુરના નવાબે તેમનો આભાર જ નહીં, અહેસાન માન્યો હતો. મુસલમાનો પ્રત્યે ગાંધીજી, નેહરુ જેવો ભાવ તેમના મનમાં નહોતો પરંતુ તેઓ તેમને ઓરમાયા પણ નહોતાં જ ગણતા – વંદે માતરમ.

     સરદારના જીવનનું જ નહીં દુનિયાના ઈતિહાસમાં નોંધપાત્ર પ્રકરણ એટલે ભારતના રજવાડાનું વિલીનીકરણ. સરદારે આમ તો જીવન દેશને સમર્પિત કર્યું જ હતું પરંતુ તેમણે આગલાં વર્ષોમાં કાંઈ ન કર્યું હોત અને આઝાદી પછી ૩ વર્ષને ૪ માસનાં તેમના સત્તાકાળ પૂર્વે, પચાસ દિવસમાં દેશના ૫૬૨ રજવાડાંઓને એક કરવાનું જે કામ કર્યું તે જ કર્યું હોત તો ય તે આટલા જ પ્રસ્તુત અને પ્રખર રહેત. રાજહઠ સામે સરદારે બાળકની સહજતાથી કામ લીધું, કડક-આકરાની ઈમેજથી અલગ કામ લીધું અને બનાવ્યું અખંડ ભારત. સરદારે જે-જે કર્યું તે અન્ય લોકો કદાચ કરી શકે પરંતુ એક જ વ્યક્તિ આ બધું જ કરી શકે તે એક વિચક્ષણ ઘટના છે. આ સરદાર હતાં જેમણે એક જ અવતારમાં લીલાથી માંડીને વિરાટ દર્શન બધું જ કરાવ્યું. એવું કહીએ ? કે સરદાર દેશના રાજકારણમાં એક પૂર્ણપુરુષોત્તમ હતાં ! બિસ્માર્ક કે લેનિન શા માટે ? એ હતાં સરદાર જ. અને છોટે સરદાર ? એ વળી શું ? આઝાદી પછી ખાસ કરીને ગુજરાતમાં આ વિશેષણ બહુ ચાલ્યું પરંતુ જેના જેના માટે એ વપરાયું તેમાં બધા જ સરદારથી ઘણા છોટે હતાં, સરદાર કોઈ જ નહીં. સરદાર બડે કે છોટે હોઈ જ ન શકે. તે સરદાર જ હોય. વ્હોટ એબાઉટ એન.ડી.મોદી ? નરેન્દ્રભાઈ ? સરદાર ફિલ્મની એક ડીવીડીના બીજા ભાગમાં સરદારના ત્રણ પ્રવચનો તેમના ઓરિજનલ અવાજમાં છે. ધ્યાનથી સાંભળજો, તેમાં સરદારનો જેવો અવાજ છે તેવો જ અવાજ પ્રવચન વખતે ન.મો.નો લાગે છે.

     હા, એ તો રહી જ ગયું, કે નેહરુને બદલે સરદાર વડાપ્રધાન હોત તો ? સર, જો તેઓ પી.એમ. હોત તો પણ શું થાત ? ૧૯૪૭, ૧૫ ઓગસ્ટ આઝાદી અને ૧૯૫૦, ૧૫ ડિસેમ્બર, આટલાં ગાળામાં શું થઈ શકત ? લોકો જેને ગાંધીજીની ભૂલ ગણે છે તે હકીકતમાં તો ગણતરી હતી. તેમણે કહ્યું હતું કે અંગ્રેજો સાથે તેમની રીતે વાત જવાહર જ કરી શકશે તે કેમ્બ્રિજમાં ભણ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ ભારતને મહત્વનું સ્થાન અપાવી શકશે. ઉર્વિશ કોઠારીના પુસ્તક સરદાર સાચો માણસ, સાચી વાતમાં તો એમ પણ લખ્યું છે કે ગાંધીજી મજાકમાં કહેતા, ‘નેહરુ અમારી છાવણીમાં એમ માત્ર અંગ્રેજ છે.’ અને તેના કરતાં પણ એક ધારણા મસ્ત છે કે ગાંધીજી સમજતા કે આ દેશમાં વડાપ્રધાન તરીકે તો કોઈ પણ ચાલશે, જે કામ સરારે કર્યું તે સરદાર જ કસી શકશે. ગાંધીજી પોતાના બંને શિષ્યોની પ્રકૃતિથી પરિચિત જ હોય ને ? તેમને ખાતરી હોય કે નેહરુ વડાપ્રધાન બનશે તો સરદારની નિષ્ઠા અને કાર્યદક્ષતામાં કોઈ ફર્ક નહીં પડે. જો સરદારને પદ મળે તો કદાચ નેહરુ સક્રિય ન પણ રહે !! બાપુની ઈચ્છા તો એ જ હતી કે બંનેની કુનેહ અને કર્મશીલતાનો ફાયદો દેશને થાય. ભારત આઝાદ થયું ત્યારે નેહરુની ઉંમર ૫૭ વર્ષ હતી, વલ્લભભાઈ ૭૧ વર્ષના હતા. વગેરે વગેરે ઘણી દલીલો છે. આપણે એ કલ્પના ૬૪ વર્ષથી કરીએ છીએ કે સરદાર વડાપ્રધાન હોત તો ? હવે એ સમય નથી. હવે તો એવું જ વિચારીએ કે એકાદ એવા વડાપ્રધાન હોય જે સરદાર હોય, સરદારજી નહીં, સરદાર.


0 comments


Leave comment