2.3 - અંક પહેલો – દૃશ્ય - ૩ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(દુર્ગાદેવીની ઓફિસ)
દુર્ગાદેવી : (ઈન્ટરકોમ પર) મારી નવી પી.એ.નો બાયોડેટા ચેક કરી કૉલલેટર મોકલી દે.
રીસેપ્સનીસ્ટનો અવાજ : હા, મેમ, તમે કહેલું, સૌરભ સર આવે પછી...
દુર્ગાદેવી : હા, આજે આવી જશે, પાંચ દિવસ પછી Date લખી દેજે.
રીસેપ્સનીસ્ટનો અવાજ : yes, મેમ

(દુર્ગાદેવીનો મોબાઈલ રણકે છે)
દુર્ગાદેવી : યેસ, ઓ આવી ગયા તમે ? કેવી રહી હનીમૂન ટ્રીપ ? બંને છો ને ?..
દુર્ગાદેવી : ના, ના રીલેક્સ થાવ, ચાર પાંચ દિવસ પછી..., થાકી ગયા હશો...
દુર્ગાદેવી : પણ શું કામ ? જલ્દી મળવું છે ? બંને આવો છો ? સારું રાહ જોઉં છું. O.K.?
(શુભાંગી આવે છે. દુર્ગાદેવી સાનંદાશ્ચર્ય ઊભાં થઈ જાય છે.)

શુભાંગી : મેમ
દુર્ગાદેવી : નો
શુભાંગી : સોરી, મમ્મીજી, તમે કેમ છો ?
દુર્ગાદેવી : હં... પણ સૌરભ ક્યાં છે ?
શુભાંગી : એ તો એરપોર્ટ ગયા, કેમ તમને કંઈ વાત નહીં કરી ? કહેતા હતા કે હું મમ્માને સરપ્રાઈઝ આપીશ.
દુર્ગાદેવી : પણ એણે ફોન પર તો એમ કહ્યું કે...
શુભાંગી : એરપોર્ટથી કર્યો હશે.
દુર્ગાદેવી : હજુ એવો ને એવો છે, સરપ્રાઈઝ આપવાનું એને નાનપણથી જ ગમતું.
શુભાંગી: તમે પણ અમને એટલી મોટી સરપ્રાઈઝ આપી, મેરેજની સાથે મોરેશિયસની Date નક્કી કરી દીધી એટલે અમને થયું, તમને પણ થોડી સરપ્રાઈઝ આપીએ.

દુર્ગાદેવી : તારી તબિયત કેમ છે ?
શુભાંગી : સારી છે મમ્મીજી.
દુર્ગાદેવી : જો તું પ્રેગ્નેટ ન હોત ને તો પણ હું સૌરભને તારી સાથે જ પરણવતે. બિઝનેસ વુમન છું, ક્યાંય ખોટ નહીં પરવડે.
શુભાંગી : એટલે જ મમ્મીજી, સૌરભ કામ માટે બેંગલોર ગયા અને હું, આજથી ઓફિસ જોઈન કરું છું.
દુર્ગાદેવી : ના બેટા, તું હવે આરામ કર.
શુભાંગી : મમ્મીજી, સૌરભ પહેલાં દિવસે જ કહેલું, મમ્મી જેટલા જલ્દી જોબ પર લે છે, એટલા જલ્દી છુટા કરી દે છે. પણ છુટા કરશો તો ય હું તો આવીશ. બધું સાથે સંભાળી શકીશ.
દુર્ગાદેવી : હા મને ખબર છે, તું ખૂબ efficient છે પણ અમારે તો આવનારા અમારા પૌત્રની કેર કરવાની ને ?

શુભાંગી : શું ખબર પૌત્ર જ હશે ! શું અમારી કુંડળી જોવડાવી છે ?
દુર્ગાદેવી : હા, જોવડાવી તો છે પણ આપણે test કરાવી જોઈએ એટલે પાકી ખબર પડી જાય દીકરો છે કે દીકરી ?
શુભાંગી : ને મમ્મીજી, દીકરી હોય તો ?
દુર્ગાદેવી : નારે તો દીકરો જ જોઈએ.
શુભાંગી : અરે પણ, દીકરી આપણને ક્યાં ભારે પડવાની ?
દુર્ગાદેવી : અરે પણ હું તો ફક્ત test કરાવવાનું જ કહું છે. આગળનો નિર્ણય તો પછી કરવાનો.
શુભાંગી : મમ્મીજી, આ તો હજુ પહેલું બાળક છે. દીકરો કે દીકરી, કંઈ પણ આપણને તો મંજૂર જ હોય છે ? કોઈપણ પ્રથમવાર તો test ન જ કરાવે. આપણને દીકરી ક્યાં ભારે પડે ? આપણે એનાં વ્યવહાર તો સાચવી શકીશુંને !
દુર્ગાદેવી : એક શું, એકસો દીકરીઓના વ્યવહાર સાચવવાની ક્ષમતા છે આપણામાં, પણ તું હજુ નાદાન છે, તને ક્યાં ખબર છે ? ઘણા ઉચ્ચ ખાનદાનનાં લોકો પણ પ્રેગનન્સીમાં abortion કરાવી દેતાં હોય છે, ખુદ ડોક્ટર્સ પણ !
શુભાંગી : ના મમ્મીજી, એ જે હોય તે, મારે કોઈ test નથી કરાવવી. મને તો દીકરી પણ ગમે અને સૌરભ ક્યારેય પણ એને માટે તૈયાર નહીં થાય.

દુર્ગાદેવી : સૌરભ મારું વેણ કદી ઉથાપે નહીં. શક્ય હોય તો ચાલ આજે જ આપણે ટેસ્ટ કરાવી લઈએ.
શુભાંગી : ના, મમ્મીજી મારે ટેસ્ટ...
દુર્ગાદેવી : Don’t you listen to me ! મેં ડૉ.ને ફોન કરી દીધો છે.
શુભાંગી : મમ્મીજી, જે પણ હશે તે, તમારી વંશવેલનું જ બીજ છે. તમારા કુળનો અંશ, એ દીકરી હશે તો આપણા ઘરનું અજવાળું...
દુર્ગાદેવી : ઓહ નો, સ્ટોપ ઈટ શુભાંગી, નો મોર આરગ્યુમેન્ટસ. ધીસ ઈઝ ફાઈનલ
શુભાંગી : મમ્મીજી... મારે...

(ફોનની રિંગ... દુર્ગાદેવી ફોન ઉપાડે. શુભાંગી હજી એ જ જગ્યાએ ઊભી છે, સામેની તરફ. જે દુર્ગાદેવીને જોતી નથી ફક્ત સાંભળે છે. પોતાનાં વિચારોમાં.)
દુર્ગાદેવી : હેલો...
શુભાંગી : મમ્મીજી મારે ટેસ્ટ નથી કરાવવી.
દુર્ગાદેવી : શું...?
શુભાંગી : પ્લીઝ હું એનાં માટે તૈયાર...
દુર્ગાદેવી : વૉટ ધ હેલ આર યુ ટોકિંગ ?
શુભાંગી : પણ મમ્મીજી...
દુર્ગાદેવી : બૅંગ્લોર જતું ફ્લાઈટ ક્રેશ...!!!
શુભાંગી : (ઝાટકા સાથે ફરે, દુર્ગાદેવી પાસે દોડતી જાય) શું થયું મમ્મીજી ?
મમ્મીજી...
દુર્ગાદેવી : સૌરભ ભાટિયા એમાં જ... (રડતાં...)
શુભાંગી : મમ્મીજી... મમ્મીજી... સૌ..ર..ભ
(બંને વળગીને રડે)


0 comments


Leave comment