1 - ૐકાર સ્વરસાત, લયલીન દિનરાત / તુષાર શુક્લ
ૐકાર સ્વરસાત, લયલીન દિનરાત
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.
અલૌકિક પ્રકાશે, ઊઘડતું સ્વરાકાશ
ઉમંગે તરંગાતું નમણું ચિદાકાશ
શિવમ્ સુંદરમ્ સત્ય રૂપે તું સાક્ષાત....
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.
આ કલકલતાં વારિ ને મર્મરતો વાયુ
આ તણખામાં તડતડતો ભડભડતો અગ્નિ
અને વીજમાંથી આ વૃક્ષો થઈને
પ્રકંપિત ઉમંગે આ રમણીય ધરતી
જે પંચભૂતોમાં વિલસે છે સ્વર સાત
સઘળાં આ સ્વરથી સુગંધિત છે આકાશ....
શ્રુતિ સ્વર્ગગંગા ને શત શત પ્રણિપાત.
આ મંદિર ને મસ્જિદ, ગુરુદ્વારા, દેવળ
છે સ્વરમગ્ન સઘળાં, છે સ્વરસિદ્ધ કેવળ
અહમ્ ઓગળે વિસ્તરે સંઘશક્તિ
આ શબ્દોનાં પંખીને અર્થોનું આકાશ
આ કલરવના પર્ણોમાં મર્મરતી હળવાશ
શિવમ્ સુંદરમ્ સત્યરૂપે તું સાક્ષાત
શ્રુતિ સ્વરની ગંગાને શત શત પ્રણિપાત.
0 comments
Leave comment