2 - તડકો છાંયો રમે આંગણે / તુષાર શુક્લ


તડકો છાંયો રમે આંગણે
રમત પૂરાણી હુતુતુ
સોળ વરસની સ્નિગ્ધ છોકરી
કહે કે : ઊંબર ઓળંગું ?

અનરાધારે તડકો વરસે, પહેલો તડકો મોસમનો
ચાલ પલળીએ આપણ એમાં, હાથ ઝાલીને સરગમનો
આજ મજાની મોસમ છલકે, તું જ પાનખર, તું જ વસંત
નસનસમાં તું સ્પર્શ રેશમી, દૂર ને પાસે તું જ વસંત

હળવે હળવે સરે વાદળાં
આભમાં જાણે સરતું રૂ
લૂછું તો કઈ રીતે લૂછું
આંખમાં ઝલમલ ઝલમલ તું

કોઈ કહે કે ગ્રીષ્મ આકારો, કોઈ કહે ઉનાળોજી
પળભરમાં શું થયું કે આજે ફૂલ બની ગઈ ડાળો જી !
ક્યાંક ઝૂમતાં લાલ કેસરી, ક્યાંક ઝૂમતાં પીળાં જી
ઝૂમ્મર ઢળતાં, પર્ણના પંખા, ગુલમ્હોર, ગરમાળો જી

ધીમે ધીમે ખરે પાંદડા
શ્વાસોમાં પીળચટ્ટી લૂ
પૂછો, પૂછો, કોઈ તો પૂછો
આ જ વૃક્ષને થયું છે શું ?


0 comments


Leave comment