3 - સાંભળ ઓ બૈ / તુષાર શુક્લ


સાંભળ ઓ બૈ !
મારી વાત ધ્યાન દૈ
છોડી પંદર પૂરની આજ થૈ
હવે સોળમાં વરહમાં બેઠી જૈ

પંદર પગલાંની વાત વાંહે મેલી
ને આજ સોળમાં વરહમાં પેઠી
પગની જગાએ એને પાંખ્યું ફૂટી
તે છોડી હાલશે હવે ન કાંઈ હેઠી
આંજણની જગ્યાએ સોણલાઓ આંજશે
ને અમથી મલકાશે મૈં મૈં

ચાડિયા થઈને એની કરવાની હોય નહીં
મા બાપે રાત રાત ચોકી
(પણ) આંગણ ને ઓરડાની વચ્ચેના ઉંબર પર
હળવેથી કહેવાનું, રોકી :
“પંખીના ટૌકાને હાંભળીને હરખાવું,
ભેળા ઉડાય નૈં કૈં !”

ઉડવા બોલાવે એને સામેથી આભ
તો એ કેમ કરી કહે : નહીં આવું ?
ઈચ્છા ને આમંત્રણ ભેગાં મળે ને ત્યારે
કપરું છે સાચું સમજાવું

એક આંખ રાતી ને બીજી મલકાતી રાખી
મા એ સમજાવવાનું તૈ

તન મનના કાંઠાની વચ્ચે આ ધસમસતી
નદીયુંના વ્હેણ રહે તાણી
દર્પણમાં દેખાતી છોકરી જ છોકરીને
પોતાથી લાગે અજાણી.
આપણાં જ છોકરાંથી આપણે અજાણ્યાં રહ્યાં
એવું લાગી ય શકે, ભૈ


0 comments


Leave comment