4 - સમજુ નહીં કાંઈ, સાવ અણસમજૂ બાઈ / તુષાર શુક્લ


સમજુ નહીં કાંઈ, સાવ અણસમજૂ બાઈ
મારી આંખોમાં પગલી ગુલાલની
પૂછો નહિ કાંઈ, હું ન જાણું રે બાઈ
ક્યાંથી આવી આ પગલી ગુલાલની

ઓઢણી વિનાની સાવ ઉઘાડે છોગ
હું તો વગડાની વાટે હજી ભમતી’તી
ખેતરની પાળે ને આંબાની ડાળે
સાવ અડવાણે અડવાણે રમતી’તી
હું તો બોલું નહીં કાંઈ, ભેદ ખોલું શું બાઈ ?
સાવ મૂંગી થઈ ગઈ છું ગઈ કાલની

ડગલું ભરું ને મારા એકલાની મેડી આ
ઝાંઝર વિના ય છમછમતી’તી
કોરી આ આંખોમાં ભીના ઉજાગરાની
વાતો આ ઓરડામાં શમતી’તી
હું તો કહેતી નહીં કાંઈ, છાની રહેતી રે બાઈ
ગામ ચર્ચા કરે છે મારી ચાલની

ફૂલોને ચૂંટવાને વાડામાં જાતી હું
વેલી સંગાથ સ્હેજ નમતી’તી
ફૂલોનું બ્હાનું લઈ ઊભેલી આંખોને
મોગરા સંગાથ હું ય ગમતી’તી
હું તો જાણું નહીં કાંઈ, તો ય માણું રે બાઈ
મારા ઓરડામાં વર્ષા થૈ વ્હાલની.


0 comments


Leave comment