5 - છોકરીને સોળ વરસ પૂરાં થયાં / તુષાર શુક્લ


છોકરીને સોળ વરસ પૂરાં થયાં
ને ત્યાં તો રેશમિયું રેશમિયું શ્હેર
ઓરડાની પછવાડે ઉછરેલા છોકરાની
આંખોને થૈ ગૈ છે લ્હેર.

પછી ધોધમાર તડકામાં છાંયડાઓ શોધતાં
ને આંખોમાં મહૂડા ઊછેરતાં
પછી ટહૂકાઓ ઓઢે, ને ટહૂકાઓ પાથરે
ને ટહૂકાઓ મોરપીચ્છ પહેરતાં
પછી ભીંતોની આરપાર ઊગ્યા ગુલમહોર
એની ચર્ચાઓ ચાલી ઘેર ઘેર.

પછી પુસ્તકના પાના પણ ફૂલો થૈ જાય
અને ભીડ મહીં ભીનું એકાન્ત
પછી સૂકી હથેળીઓમાં આષાઢી વાદળાં
ને ચોમાસું જૂઓ તો શાન્ત.
પછી ડામરિયા રસ્તાઓ ઓગળતા ચાલ્યા
ને મ્હોર્યા ગુલાબ ઠેર ઠેર

પછી ઉંબર પર ચાડિયાની ચોકી છતાંય
કોઈ પંખીની ચાંચ એવી વાગી
કે ધરતીમાં મૂળ નાખી ઊભા કણસણાંએ
ઉડવાને પાંખ એક માગી
આ તો સોળ જેવા સોળ વરસ પૂરાં થયાં છે
નથી વીત્યા વરસ બાર તેર !


0 comments


Leave comment