7 - સોળ વીત્યાને થયા જ્યાં સત્તર / તુષાર શુક્લ


સોળ વીત્યાને થયા જ્યાં સત્તર
હોવું આખું અત્તર અત્તર
આંખ ભણાવે આંખને હળવે
પ્રેમ પ્રેમના મૂંગા મંતર

છોકરા કેરી આંગળી જાણે વાંસળી થઈને વાગે
છોકરી કેરા રોમરોમમાં રાસ અનુપમ જાગે
એક ફૂંકમાં બૂઝાઈ જાતાં સાનભાનાના દીવા
બેઉ પાગલ, એકમેકને, આંખથી લાગે પીવા
ફરી ફરીને ઝંખે હૈયું રસભીની રસઝરતી ટક્કર

સોળ વીત્યાં ને થયા જ્યાં સત્તર
હોવું આખું અત્તર અત્તર....

છોકરીની આંખો કંકોતરી, વાંચે આખું ગામ
કંકુવરણા અક્ષર આંકે છોકરા કેરું નામ
કેમ કરીને છૂપાવવી આ પહેલી પહેલી પ્રીત
શ્વાસ શ્વાસમાં વાગી ઊઠે પ્રીત તણું સંગીત
ધીમું ધીમું રણઝણ રણઝણ બજે જીવમાં ઝીણું જંતર

સોળ વીત્યાં ને થયા જ્યાં સત્તર
હોવું આખું અત્તર અત્તર.....

છોકરો કહેતો : તું છે રાણી, ને હું તારો રાજા
હજી તો હમણાં આવી છે તું, હમણાં પાછી ના જા
ઉત્તર દેવા હોઠ ખૂલે જ્યાં, ફૂલ ખીલે ત્યાં તાજા
રોમ રોમમાં વાગી ઊઠે શરણાઈ ને વાજા

અગન હોય કે લગન, છીપે ના, ગૂંજી રહેતો નાદ નિરંતર
સોળ વીત્યાં ને થયા જ્યાં સત્તર
હોવું આખું અત્તર અત્તર....


0 comments


Leave comment