2.4 - અંક પહેલો – દૃશ્ય - ૪ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(ટી.વી. ઉપર ન્યુઝ ચેનલનો રેકોર્ડડ અવાજ)
    આજે સવારે દસ કલાકે મુંબઈથી બેંગ્લોર જતા ઈન્ડીયન એરલાઈન્સની વિમાનને બેંગ્લોર હવાઈમથક ઉપર ઉતરણ કરતી વેળાએ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ૧૬૪ યાત્રીઓ સવાર હતા. અમારા ખાસ ખબરપત્રીના જણાવ્યા મુજબા દુર્ઘટનામાં ભારે જાનહાની થઈ હતી અને વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની બચવાની શક્યતાઓ નહીંવત છે. આ ઘટનાની બધુ વિગતો પ્રાપ્ત થતા અમે આપને જણાવીશું... આજે પ્રધાનમંત્રીએ તેમની લખનૌની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે...
(ધીમે ધીમે અવાજ બંધ થતો જાય.)

દુર્ગાદેવી : (માત્ર અવાજ) હેલો... હેલો... બેંગ્લોર એરપોર્ટ ઓથોરીટી... I am Durgadevi Bhatiya from Mumbai. My son Saurabh bhatiya was traveling in that flight.. please inform us… is he alive… please officer.
Officer : Madam, still situation is not cleared… identification & other formalities are just started.. we can’t say any thing just now.
(ફોન કટ થવાનો અવાજ)

(દુર્ગાદેવી બીજો નંબર ડાયલ કરે છે)
દુર્ગાદેવી : હલો.. મિ. પટેલ, હું દુર્ગાદેવી... મારી Next flightની બેંગ્લોરની ટિકિટ બુક કરાવો...
પટેલ : O.K. Madam
ટી.વી. ન્યૂઝનો અવાજ...
બેંગ્લોર ખાતે નડેલા ઈન્ડીયન એરલાઈન્સના વિમાનના અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રીઓની ઓળખવિધી ચાલુ થઈ ગઈ છે. તેમાં મુંબઈના એક જ કુટુંબના ચાર વ્યક્તિઓની લાશો ઓળખી કાઢવામાં આવી છે. તેઓના નામ આ પ્રમાણે છે... શ્રી હિતેશ શાહ, શ્રીમતી કોકીલાબેન શાહ, શ્રી હરીશ શાહ અને શ્રીમતી હંસાબેન શાહ...

(હોસ્પિટલના બિછાને બેઠેલી શુભાંગીના માત્ર ચહેરા ઉપર લાઈટ બાજુમાં બેઠેલી ડૉ. મિલી દેખાય છે.)
શુભાંગી : અમે સતત બુલેટીન જોતા હચમચી ગયેલા... બચી ગયેલાની પ્રથમ યાદીમાં સૌરભનું નામ ન હતું... અને મૃત્યુ પામેલાની યાદીમાં પણ ન હતું.. હા અને આખરે ત્રીજું લિસ્ટ આવ્યું અને મિ. સૌરભ ભાટિયાનું નામ વાંચતા જ જાણે હું ફરીથી જીવવા લાગી... મારા જીવમાં જીવ આવ્યો અને મારામાં પાંગરી રહેલા જીવમાં પણ.
ડૉ. મિલી : પણ અંકલના સમાચાર જાણ્યા પછી તમારા સાસુજીને પણ અહેસાસ થયો હશે કે તમારામાં પાંગરી રહેલો જીવ પુત્રી નહીં પણ પુત્ર જ છે.
શુભાંગી : હા... તમારી વાત એકદમ સાચી છ એવું જ બન્યું. પછી મમ્મીજીએ ક્યારેય ટેસ્ટ કરાવવા માટે પૂછ્યું જ નહીં...
ડૉ. મિલી : અને સૌરભ અંકલ... એમનું શું થયું ?
શુભાંગી : બહુ જ ખરાબ હાલત હતી એમને... મલ્ટીપલ ફ્રેકચર્સ થયા હતા. છ મહિના હોસ્પિટલમાં અને ત્યારબાદ ઘરનાં બિછાનામાં ગાળ્યા હતા... એમનું છેલ્લું પ્લાસ્ટર તૂટ્યું ત્યારે મને ૯મો મહિનો બેસી ગયો હતો... પણ અમારી એ ખુશી માત્ર એક પરપોટાની જેમ જ ક્ષણજીવી પુરવાર થઈ.

(પ્રકાશ થાય ત્યારે શુભાંગી સ્ટેજના બીજા ખૂણે ગૂંથતી દેખાય, દુર્ગાદેવી પ્રવેશે)
શુભાંગી : આવી ગયા તમે ? સૌરભ ક્યાં છે ? હજુ આવ્યા નહીં ?
દુર્ગાદેવી : હા, હા, સાથે જ લઈ આવી છું. છેલ્લું પ્લાસ્ટર તૂટી ગયું એટલે ભાઈ તો ફરતાં થઈ ગયાં. સીધો જ સ્ટડી રૂમમાં ગયો... નેટ પર કંઈ જોવા.
શુભાંગી : ઓહો ! મને જોઈ આવવા દો.
દુર્ગાદેવી : આવે જ છે, હજુ પણ ઘરમાં ફરવાની જ છૂટ અપાઈ છે. બહાર ચાલવાની મનાઈ છે.
શુભાંગી : મમ્મીજી એક વાત પૂછું ? તમને એમ નથી લાગતું નિમિત્ત થયેલું જ થતું હોય છે, આપણી ખરી, ખોટી માન્યતા ફક્ત માન્યતા જ રહે છે.
દુર્ગાદેવી : બેટા, જિંદગીમાં જેને સહન કરવું પડ્યું હોય એ જ જાણે.. મારા પર ઘણું વીત્યું છે, હવે મારી આવનારી પેઢી પર જરાય તકલીફ ન આવે એવું હું ઇચ્છું છું. જો સૌરભ આવી ગયો.
(સૌરભ આવે છે, દુર્ગાદેવી અંદર જાય છે.)

સૌરભ : જો શુભાંગી, પ્લાસ્ટર ગાયબ, હવે મરેથોનમાં ય દોડી શકું.
શુભાંગી : જી ના, ફક્ત ઘરમાં જ, બહાર પગ મુકવાની ય પરમિશન નથી.
સૌરભ : જાણી લીધું તમારા મમ્મીજી પાસેથી ? બીજું શું શું જાણ્યું ?
(નજીક આવે છે)
શુભાંગી : ચાલો હવે, બધું પછી કહું છું. આ ક્રોશિયો સોયો વાગી જશે. લો હવે આ છેલ્લો ટાંકો છે.
સૌરભ : રેસ્ટ કરવાને બદલે આ શું આખો દિવસ કંઈ ને કંઈ કારભાર કરતી રહે છે ?

શુભાંગી : એવું કહેવાય છે કે પ્રેગનન્ટ સ્ત્રી જેટલું ગૂંથે ને, બાળકના વાળ એટલા સરસ આવે.
સૌરભ : તું ય ખોટી માન્યતામાં તારી મમ્મીજીથી કમ નથી. પણ આપણને તો દીકરો છે ને ? as your મમ્મીજી સેઈડ, દીકરાનાં કેટલા વાળ જોઈએ ? ઓછા વાળવાળા વધુ સફળ બિઝનેસમેન બની શકે. ને પછી સફેદ દોરથી ગૂંથે છે એટલે વાળ પણ સફેદ જ આવશે.
શુભાંગી : લો ક્યાં ખાલી સફે છે ? એમાં આ કેસરી રંગનાં કેસૂડાંનાં ફૂલ તો જુઓ ! મેં જાતે ડિઝાઈન કરી છે, યુનિક પીઝ તૈયાર થયો છે, દુનિયામાં આનો જોટો નહીં મળે.
સૌરભ : તને કેસરી ભગવો રંગ બહુ ગમે કેમ ?
શુભાંગી : હા, કામણગારો, કેસૂડાંને આનાથી વધુ કયો રંગ સોહે ?
દુર્ગાદેવી : ચાલ શુભાંગી આપણે મંદિરે જવાનું છે, આપણા મહારાજનાં કહેવા મુજબ વિધિ રાખી છે, આમ પણ નવમો બેસી ગયો છે.

શુભાંગી : જુઓ મમ્મીજી મારી નવી બેગ ગૂંથાઈ ગઈ, એમાં જ પૂજાનો સામાન લઈ લઉં એટલે ‘Lucky’ બેગ બની જાય, ચાલો જઈ આવીએ.
દુર્ગાદેવી : સરસ બેટા, સૌરભ જરા ડ્રાઈવરને ફોન કરીને, નવી કાર લેવાનું કહી દે એટલે શુભાંગીને comfortable રહે.
શુભાંગી : સુના જનાબ ?
સૌરભ : હા જી, યોર વીશ ઈઝ માય કમાન્ડ.
શુભાંગી : (પૂજાનો સામાન દુર્ગાદેવી પાસેથી લઈને પોતે ગુંથેલી બેગમાં ભરી દે છે) ચાલો મમ્મીજી.
સૌરભ : (ચાળા પાડતા) ચાલો મમ્મીજી.
દુર્ગાદેવી : (ફરીને) શું ?
શુભાંગી : કંઈ નહીં મમ્મીજી, બાય સૌરભ.
સૌરભ : બાય.
(સાસુ-વહુ મંદિર જાય છે, સૌરભ એકલો પડે છે. મોબાઈલ પરથી બિઝનેસની વાતો કરે છે.)

સૌરભ : હેલો, સૌરભ ભાટિયા here મિ, ઠાકર, yes we got the orders, હવે આ કમિટમેન્ટ તમારે ફુલફીલ કરવાનું છે, ભાઈ... જલ્દીથી કામે લાગો, અરે ભાઈ, પણ હું જઈ શકતો નથી ઓફિસે, હજુ પણ પગમાં થોડી તકલીફ છે, સારું, અહીં આવી શકો તો રૂબરૂ જ... સમજી લઈએ, શું ? રો-મટીરીયલ્સની શોર્ટેજ છે માર્કેટમાં ? ખબર છે મને પણ... કંઈક કરવું જ પડશે તમે ટ્રાય કરો; તમારા સોર્સીસ યુઝ કરો, હું પણ કરું છું... યસ, જરા એક બે ફોન કરી લઉં છું, હમણાં જ આવી જાવ, અને પેલા કોણ ? Suvik Electronics અને mark electrics કોન્ટેક્ટ કરતાં આવજો, બેટરી અને પંપના છેલ્લા પ્રાઈસ જાણવાના છે. રૂબરૂ જશો તો કામ થઈ જશે. હું પણ વાત કરું છું ચાલો બાય, (ફરી ડાયલ કરે છે એંગેજ આવે છે. ફરી ટ્રાય કરે છે. ખીજવાય જાય છે.) ઈડીયટ હજુ કેટલી વાતો કરે છે ? ફરી ટ્રાય, ફોન લાગી જાય છે.) હેલ્લો સૌરભ ભાટિયા હીયર, અરે ક્યારનો ટ્રાય કરતો હતો તમને જ... ઓહ એમ ? મોટો ઓર્ડર છે... હા પણ ઓફિસે જઈ આવો, ડીટેઈલ્સ મિસીસ ભરૂચા આપી દેશે. મારે હજુ પણ થોડો રેસ્ટ કરવો પડશે. (લેન્ડલાઈન રીંગ વાગે છે... સતત વાગ્યા કરે છે) રો-મટીરીયલ્સનો સ્ટોક કેવોક છે ? તમે જ ચેક કરી લેજો, ખબર નહીં કેમ જવાબ નથી. (લેન્ડલાઈનની રીંગ ચાલું જ છે) ઓહ જસ્ટ હોલ્ડ ઓન (લેન્ડલાઈનનો ફોન ઉઠાવે છે) હેલો... હેલો.. કટ થઈ ગયો... (પાછી મોબાઈલ પર વાત કરે છે) હેલો, સોરી ફોન હતો બીજો... શું વાત કરતા હતા આપણે ? હં... યસ.. પણ ના, ના, એમને કહેજો ગોડાઉન પરથી મંગાવીને તૈયાર રાખે (લેન્ડલાઈન પર પાછી રીંગ આવે જલ્દીથી ફોન ઊંચકે છે) જસ્ટ હોલ્ડ ઓન.. હેલો.. હેલો.. મમ્મા શું થયું ? (મોબાઈલ કટ કરે છે) શું ? ઓડ ગોડ ! શી રીતે ? મંદિરના પગથિયાં ચઢતાં શુભાંગી લપસી પડે ? બહુ વાગ્યું છે ? હોસ્પિટલ ? કઈ હોસ્પિટલ લઈ જાવ છો ? પહોંચ્યો, હમણાં આવું છું, અરે મારા પગને કંઈ થાય, તું શુભાંગીને સાચવ બસ મમ્મા... (અવાજ ભરાઈ જાય છે) શુભાંગી ઠીક તો છે ને ? વાતો કરે છે ને ? ટેઈક કેર ઓફ હર. હું આવ્યો હમણાં જ.

(ફ્લેશ બેક પૂરો)


0 comments


Leave comment