2.5 - અંક પહેલો – દૃશ્ય - ૫ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(ફરી S.L.I. હોસ્પિટલનો ૭૦૭નો ડીલક્સ રૂમ)
શુભાંગી : મારા ડાબા પગે ફ્રેકચર થયું હતું પણ એની પીડા મને ન્હોતી થઈ જેટલી વેદના મારામાં પાંગરતાં જીવને ગુમાવવાની થઈ. બાળક ન બચાવી શકાયું. (ઉદાસ થઈને)
ડૉ. મિલી : so sad
શુભાંગી : છતાં, ભગવાન દયાળુ તો ખરો જ ને ? દોઢ વર્ષમાં ફરીથી પ્રેગનન્સી રહી ને દીકરો જનમ્યો, એ આનંદ.
ડૉ. મિલી : ઓહ તમારા મમ્મીજીનો આનંદ ! હમણા પરીક્ષા આપીને આવવાનો છે તે ?

(સૌરભ આવે છે)
સૌરભ : જી ના, મમ્મીજીનો સૌરભ આવી ચૂક્યો છે.
શુભાંગી : તમે આવી ગયા ? પણ મમ્મીજી ?
સૌરભ : હા, મમ્મી સીધા ઓફિસે ગયા.
શુભાંગી : પણ તમે ગયા હતા એ કામ પતી ગયું ?
સૌરભ : ક્યાંથી પતે ? આજે ૧૩ તારીખ.. વળી પાછું કાંઈ... (હસતા હસતા)
શુભાંગી : એવું અશુભ નહીં બોલવાનું
ડૉ. મિલી : હેલો અંકલ, ૧૩ કોઈને માટે Lucky હોય છે. હું મારા ફાધર માટે ખૂબ લકી છું એવું એઓ કહે છે હું જાઉં, એઓ આવી ગયા હશે. (જાય છે, પછી ફરીને કહે છે) અને હા, હમણા થોડીવારમાં આન્ટીને ડાયાલીસીસમાં લઈ જશે.
શુભાંગી : કેવી મીઠડી છે આ ડૉક્ટર ?શુભાંગી : પણ તમે કહેતા નથી, મળવા ગયેલા ત્યાં શું થયું ?
સૌરભ : ત્યાં પણ કોઈ વાત બને એમ લાગતું નથી.
શુભાંગી : તો હવે શું કહે છે મમ્મીજી ?
સૌરભ : Be Positive
શુભાંગી : (શુભાંગી સૂચક હસે છે)

(ભવાની આવે છે, સફાઈ કરે છે.)
ભવાની : હવે શેવ લાઈફ ઇન્સ્ટીટયુટમાં તમે શાચે જ શેવ થઈ જવાના, શુભાંગીબેન.
સૌરભ : અરે ભાઈ, બહુ મોટા પ્રોબ્લેમ્સ છે.
શુભાંગી : શું થયું તે તો કહો ?
સૌરભ : છેલ્લી આશા પણ મરી પરવારી, બંને બેનોની કીડની પણ મેચ થતી નથી.
શુભાંગી : (હતાશ થઈને) તમે શું કામ ચિંતા કરો છો ? મને મારા હાલ પર છોડી દો. મારે જીવવું જ નથીને...
(બીજો વોર્ડબોય વ્હીલચેર પર શુભાંગીને ડાયાલીસીસ માટે લઈ જાય)

ભવાની : શોરી સાહેબ, નાના મોઢે મોટી વાત કરું.
સૌરભ : બોલ
ભવાની : શાહેબ પૈસા ખરચીને કીડની વેચાતી લેવાય ને?
સૌરભ: મારી વાઈફ માટે તો હું કેટલાય પૈસા વેરી શકું તેમ છું પણ Perfect match થવી જોઈએ ને ? મળવી જોઈએ ને ? બ્લડગ્રુપ મેચ થાય તો ટીસ્યુ મેચ ન થાય ને ટીસ્યુ મેચ થાય તો, ન જાણે શું શું મેચીંગ જોઈએ.
ભવાની : શાહેબ થાય પણ ખરી. મિલી ડૉક્ટર છે ને. બેનની સારવાર કરે છે એ...
સૌરભ : હાં બોલને
ભવાની : એ કંઈ વાત કરતા હતા, એના બાપુ જોડે, કોઈની કીડની માટેની જ, નક્કી કોઈ સોલ્યુશન મળશે.
સૌરભ : તું કંઈ રીતે જાણે ?
ભવાની : અરે એના બાપુ, મારા દોશ્તાર, બાજુના યુનિટમાં જ સર્વિસ કરે.
સૌરભ : ડૉ. મિલીના બાપુ તારા દોશ્તાર ?
ભવાની : હા શાહેબ સ્વીપર છે.
સૌરભ : સ્વીપર ! મિલીના ફાધર ? (નવાઈ લાગે, તો પણ વાત પડતી મૂકીને) મારે ડૉ. મિલીનો કોન્ટેક્ટ કરવો જ પડશે. ફોનને બદલે રૂબરૂ જ... જો તું એક કામ કર.
સૌરભ : ફોન નંબર છે તારી પાસે ?
ભવાની : નાઈન, એઈટ, ટુ શેવન શિક્સ શિક્સ... પછી... યાદ નથી આવતું.

સૌરભ : (ઇન્ટરકોમ પરથી રીસેપ્શનીસ્ટ કાઉન્ટર પર ફોન જોડે છે) હેલો. રૂમ નં. ૭૦૭માંથી સૌરભ ભાટિયા બોલું છું. જરા ડૉ. મીલીનો ફોન નંબર આપી શકશો ? પ્લીઝ હંહંહં (નંબર લખે)
Thank You મિસ.
ભવાની : (સૌરભને મોબાઈલ પર નંબર ડાયલ કરતા જોઈને) શાહેબ નંબર શેવ કરી રાખજો, ફરી કામ લાગશે.
સૌરભ : (હાથનો ઈશારો કરી ચૂપ રહેવાનું કહે છે)
હેલો ! ડૉ, મિલી ? સૌરભ ભાટિયા હીયર... યસ શુભાંગી... નો..નો.. શી ઈસ ઓકે... પણ હમણા જ ભવાનીએ મને કહ્યું કે... કીડની માટે કોઈ ડૉનર તમારી જાણમાં છે ? વૉટ... ખબર છે..? થેન્ક ગોડ ! તમારા આ ‘છે’ સાંભળીને એટલો રીલેક્ષ થઈ ગયો છું... કે તમને કેવી રીતે સમજાવું..? ..થેંકયુ, થેંકયુ. ડૉ.મિલી, મને ડૉનરની કોઈ પણ શરત મંજૂર છે... એ જે કહે તે આપવા તૈયાર છું... તમે પૈસાની ચિંતા નહીં કરતા...મને પૂછ્યા વગર જ હા પાડી દેજો.. શું ? કંઈ જ આપવાનું નથી ? ..સરપ્રાઈસિંગ ? કોણ છે ડૉનર ? પ્લીઝ ડૉક્ટરએ જે હોય તે, શક્ય હોય તો આપણે આજે જ ડૉનરને મળી લઈએ ? તમે ડૉનરને બોલાવી રાખો.. હું આવું છું... હા..હા તમારે ઘરે જ આવી જાઉં... હા પણ તમારું એડ્રેસ...? ડૉ. મિલી તમારું ઘર કઈ તરફ છે... હેલો... હેલો... શીટ, બેટરી પણ અત્યારે જ ડાઉન થઈ ગઈ ? ભવાની તને ખબર છે. ડૉ મીલીનું ઘર કઈ તરફ છે ?

(પંક્તિઓ ગૂંજે...)
લાગણીનો થાય સરવાળો, મિલીના ઘર તરફ,
પ્રેમના પંખી રચે માળો, મિલીના ઘર તરફ.

(પ્રથમ અંક સમાપ્ત)


0 comments


Leave comment