10 - નદીઓની વારતામાં એવું આવે કે / તુષાર શુક્લ
નદીઓની વારતામાં એવું આવે કે
એક સોનેરી વાળવાળી છોકરી
જળમાં ભીંજાય અને ચાંદનીમાં ન્હાય
એની ગીત ગઝલ કરતાં’તા નોકરી –
એક સોનેરી વાળવાળી છોકરી
છોકરીને એક રાત સપનું આવ્યું કે
એના સોનેરી વાળ સાવ કાળા
આંખોમાં એક એક સળીઓ ગૂંથીને
કોક માળા રચે છે હૂંફાળા
ઝાકળના ઝમકારે નીંદર ઊડી
ને કોણ પગલામાં ઝળહળતી ઓસરી –
એક સોનેરી વાળવાળી છોકરી
છોકરીએ કાંઠાને કીધો સવાલ
ત્યારે કાંઠાએ કળીઓને ચીંધી
જણતલ કળીઓએ દીધો જવાબ
આમ રાખીને આંખો અધમીંચી
કે : બોલકા પવન કેરી લ્હેરે ચડીને
કોક ડુંગર પછવાડે રહ્યું નોતરી –
એક સોનેરી વાળવાળી છોકરી
છોકરીના કાન મહીં રેશમ લહેરાય
એને ઘેરી લે મીઠી સુવાસ
છાતીમાં મોરલાએ આળસ મરોડી
અને સોળ સોળ ટહૂકાનાં રાસ
જળમાં હિજરાય, એને ચાંદની તો લ્હાય
રહે અંગૂઠે ધરતીને ખોતરી
એક સોનેરી વાળવાળી છોકરી
છોકરીએ છોડાવી કાંઠાની આંગળી
ને લઈ ચાલ્યાં વ્હેણ દૂર દૂર
રૂંવાડે રૂંવાડે ભરતીનાં ગીત
અને લ્હેરોમાં સાગરના સૂર
વ્હેતી હવામાં એક અણજાણ્યું નામ
રહી અણજાણી લિપિમાં કોતરી
એક સોનેરી વાળવાળી છોકરી
પછી નદીઓની વારતામાં એવું આવ્યું
કે પેલી સોનેરી વાળ વાળી છોકરી
ગીતોમાં ન્હાય અને ગઝલે ભીંજાય
અને મોસમ કરે છે એની નોકરી
એક સોનેરી વાળવાળી છોકરી
0 comments
Leave comment