13 - એક સૂઝૂકી ને કાઈનેટીક / તુષાર શુક્લ


એક સૂઝૂકી ને કાઈનેટીક
વાત કરે નખરાળી
લાજ મૂકી, સાંભળવા ઝૂકી
ગુલમહોરની ડાળી

આંખોમાં આષાઢ ઉજવતાં
બેઉ આજ મળ્યાં’તાં
લાગે છે કે વિરહ અગનમાં
આખી રાત બળ્યાં’તાં

પગ અંગૂઠે કોતરે છે
સીદી સૈયદની જાળી

અણધાર્યું કૈં, અડી જવાનું
બ્હાનું બંને શોધે
સાવ ખૂલીને વરસી રહેતાં
કોઈ હજી અવરોધે.
લાગે છે કે આજ વળી
કહેવાની વાતને ટાળી

મસ્ત હવાની લ્હેરખી સાથે
ઊડે રેશમી વાળ
સમજૂ છોકરો મથે બાંધવા
પાણી પહેલા પાળ
વહી જવાની ઈચ્છા એણે
સામા વ્હેણે ખાલી.


0 comments


Leave comment