14 - ઓચિંતું આમ તારું મળવું ગોરાંદે / તુષાર શુક્લ


ઓચિંતું આમ તારું મળવું ગોરાંદે
જાણે રણમાં વરસાદ તણી વેળા
કોરાં રહીને બેઉ અળગાં થઈ જાશું
કે ભીંજીને થઈ જાશું ભેળા ?

આપણી જુઠ્ઠીથી દાણા પડે
ને એમ ચોકઠામાં સોગઠાંઓ મ્હાલે
આપણે જ પથારીને માંડી ચોપાટ
તો ય આપણું કશું ન એમાં ચાલે
હળવાનું, મળવાનું, ભળવાનું નહીં,
આ તે કેવા છે મનખાના મેળા ?

રૂદિયાની રેત ઉપર તારું આ હેત
જાણે છાંયો આષાઢી આકાશનો
વરસે કે વિખરાશે વાદળ આ વહાલના
શંકાને સધિયારો આશનો
અણગમતા વાયરાઓ તાણી ન જાય
તમે વરસો તો વરસો સવેળા


0 comments


Leave comment