8.2 - સ્ત્રી અને રંગો / સંવાદ / જ્વલંત છાયા


   આમ તો સ્ત્રીની સાથે બાયોલોજિકલ અને સાઇકોલોજિકલ જેનો પ્રાસ બેસે તે બાબત અંગો છે ! સ્ત્રી અને અંગો ! સ્ત્રીઓ હવે પાછળ નથી, સમોવડી છે. આગળ વધી છે તે બધું જ સાચું અને સ્ત્રીઓ જ બધું સહન કરે છે તેણે જ માતા – પીતાં માટે પ્રેમ હોય છે. તે ઉપેક્ષિત છે, સેકન્ડરી છે. તેમાંનું ઘણું ખોટું તેમ છતાં પુરુષજાતે એક વાત તો પોતાની જાતને પૂછવી જ રહી કે કોઈ પર્ટીક્યુલર સ્ત્રીને નહીં પરંતુ ઓવરઓલ સ્ત્રી જાતિને તેણે તેના શરીરથી અલગ ક્યારેય જોઈ છે ? સ્ત્રીને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જોઈ છે ? સ્ત્રી ફક્ત શરીર નથી તે એક મન છે, તેને ભાવ છે વગેરે વગેરે. અંગત રીતે કોઈનો જવાબ મારી જેમ તેમાં હા હોઈ શકે પરંતુ જનરલી સ્ત્રીઓને સુંદરતા કે કુરુપતા વગર શારીરિક પેરામીટર્સ વગર, ‘ફીગર’ (અહીં શ્લેસ અલંકાર છે) વગર કોઈ પુરુષની આંખે લગભગ ક્યારેય જોઈ નથી ! સ્ત્રી તરફી લખાણનો કોઈ પ્રયાસ નથી અને કોન્સિયસલી નથી. પરંતુ આ માનસિક સ્ટારની સામાજિક વાસ્તવિક્તા છે. એટલે તરત જ સવાલ થાય કે સ્ત્રી અને રંગો ?

   સ્ત્રી પોતે જ માનવજીવનનો એક રંગ છે. ઘાટો, ઘેરો રંગ. વધારે સ્ત્રીઓ સાથે કે સ્ત્રીઓ સાથે વધારે સંબંધ ધરાવતા પુરુષને રંગીન મિજાજ કરી શકો પરંતુ સ્ત્રીના મિજાજના વિવિધ રંગોનું શું ? પપ્પાના ખોળામાં વીતતું બાળપણ, બીમાર મમ્મીની સારવાર કરીને ફટાફટ સ્કૂલે જઈ, સાંજે દાદા માટે રસોઈ બનાવવી, ગામડેથી બસમાં બેસીને કોલેજ જવું કે રજામાં બાને ઘઉં વિણાવવામાં મદદ કરવી કે પછી કોઈની મદદ વગર નોકરી શોધવી અને કરવી કે બાઈક પર બોયફ્રેન્ડ સાથે ફરવું, મનભરીને શોપિંગ કરવું, પસંદગીના છોકરા સાથે નાસી જવું કે પપ્પા કહે ત્યાં ત્રિભુવનભાઈના દીકરાના દીકરા સતીશ સાથે લગ્ન કરવા અને મહાબળેશ્વરમાં સ્લીવલેસ કુર્તી પહેર્યા બાદ ઘરે આવી સાડી પહેરાવી, સતીશનું ટિફિન બનાવવું અને બપોરે ‘યહાં મૈ ઘર ઘર ખેલી’ સિરિયલ જોવી ? કે દીકરીને પ્લેહાઉસમાં મૂકવા લેવા જવું ? સરેરાશ સ્ત્રી આ બધા રંગોને સ્પર્શીને જીવે છે.

   રંગોમાં સાઈકોલોજીનો રંગ ભેળવીએ તો, કાળો રંગ ઓથોરિટી અને પાવરનો રંગ છે. સફેર રંગ શાંતિ, સુરક્ષિતતાનો સંદેશ આપે છે અને ગ્રે કલર પ્રેક્ટિકલ, સમયાતીત છે. તે મધ્યમાર્ગી રંગ છે. લાલ રંગ, પ્રેમનો રંગ મનાતો અને ગુલાબને શોભાવતો આ રંગ ડેન્જર છે. તેની વધારે અસર હૃદયના ધબકારને અતિ ગતિશીલ બનાવી દે છે. તેને જોવાથી પુરુષમાં એડ્રીનાલિન નામનું હાર્મોન પ્રસરે છે જેને લીધે મર્દાનગી વધે છે. પ્રેમ કો લોહી કે સામ્યવાદ બધું જ લાલ છે.

   બ્લૂ રંગ પણ આકાશ અને સાગર જેવા કુદરતી તત્વોનો રંગ છે અને એમ મનાય છે કે તે પ્રોડિક્ટવીટી વધારનારો રંગ છે. ગ્રીન તો મધર નેચરનો કલર છે, પાંદડું લીલું ને રંગ રાતો, હરી હરી વસૂંધરા પે નીલા નીલા યે ગગન.... બધા જ રંગો સામે ઝાંસીની રાણીથી લઇ ઇન્દિરા ગાંધી કે કિરણ બેદી કે તસલીમા નસરીન કે તબ્બુ કે નંદિતા દાસ કે કોઈ સામાન્ય સ્ત્રીને મૂકો. આ તમામ રંગની ઝાંય તેમનામાં દેખાશે ! તો પછી મીરાં ? તેણે તો સફેદ રંગ જ પહેર્યો ! વિજ્ઞાન કહે છે સફેદ રંગ સાત રંગનો સમન્વય છે. મીરાંએ પહેર્યો સફેદ રંગ પરંતુ જીવનના સાતેય રંગ તેણે શ્યામરંગમાં સમાવી લીધા !! મીરાં માટે રંગ એટલે મેઘધનુષ્ય નહીં, પરંતુ મોરપીચ્છ !!

   સાઈકોલોજીકલી એવું પુરવાર થયું છે કે સ્ત્રીઓ રંગ ઓળખવામાં પુરુષો કરતાં પાવરધી હોય છે. તેને રંગોમાં રસ વધારે પડે છે. રંગ તરફનું તેમનું આકર્ષણ વધારે હોય છે ! ઓઢણી, બાંધણી, નેઈલપોલિશ, લિપ્સ્ટીક, હેરકલર, મેચિંગ એરિંગ, ડાયમંડ કે પેન્ડન્ટ, મેચિંગ ચપ્પલ, બ્રા... જેવી વસ્તુઓના રંગોથી લઈને સ્ત્રીને રંગ સાથે એ નિસ્બત છે કે દર મહિને પોતાના જ શરીરમાંથી નીકળતું રક્ત તે ૧૩ માં વર્ષથી જીવનના ચોથા-પાંચમા દસકા સુધી જોવે છે !

   રંગોનો સવાલ છે ત્યાં સુધી તેમાં પણ (!) સ્ત્રીઓની પોતાની માનસિકતા, મનોવલણ છે. સ્ત્રીઓને અમુક રંગો વધારે પસંદ હોય છે. કલર જેન્ડર સર્વે અનેક થયા છે. જેને રંગઅંધતા કહે છે એટલે કે કોઈ રંગ પરફેકટલી ઓળખી ન શકવાની જે ખામી છે તે પુરુષોમાં વધારે હોય છે. ૨૦૦૬માં યુએસમાં થયેલા એક સર્વેનું તારણ એવું હતું કે લાલ અને લીલા રંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બરાબર ન ઓળખી શકવામાં કે ભેદ ન પારખવામાં પુરુષો ૭ % હતા. સ્ત્રીઓ ફક્ત ૦.૪% હતી. આ સર્વેનું તારણ એ પણ હતું કે રંગોના સંદર્ભમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સંભાળપૂર્વક વર્તે છે. આ તારણ કાઢવાં માટે થોડા થોડા ભેદ વાળાં અલગ અલગ અનેક રંગો એકમેકને અડાડીને મુકાયા હતા અને તેને ઓળખવાનું કહેવાયું ત્યારે સ્ત્રીઓ વધારે પ્રમાણમાં અલગ અલગ રંગ ઓળખી ગઈ પુરુષો શેડની નજીક રહ્યા પરંતુ એકઝેટ કલર ન કહી શક્યા. કદાચ તમામ રંગોથી પાર અને પર થઇ ગયા પછી, અભેદની સ્થિતિમાં મુકાયા પછી, કદાચ રંગને બાહ્ય દૃષ્ટિની બાબત ગણવાના બદલે અંતરયાત્રાનો હિસ્સો માની લીધા પછી, કદાચ રંગથી અલગ ઉપર ઊઠ્યા પછી, કદાચ રંગને પસંદગીમાં ફેરવવાના બદલે પસંદગીને જીવનના બદલાતા રંગોમાં લપેટવાની ટેવ પડે તેવા જીવને જ પૃથ્વી પર પુરુષ તરીકે અવતાર મળતો હશે.

   ક્યાં રંગો સ્ત્રીઓને ગમે છે ? મનોવિજ્ઞાન કહે છે, બ્લૂરંગ માટે પુરુષોની પસંદગી વધુ મજબૂત છે. છેક ૧૯૬૪માં થયેલા સર્વેમાં નીકળેલાં તારણ અનુસાર ટકિશ કાર – બ્લ્યૂ અને લીલા રંગનું મિશ્રણ કરવાથી જે પરિણામ મળે તેણે ટકિશ કલર કહેવાય છે. ટીર્કશ સ્ત્રીઓનો ફેવરીટ રંગ છે. આ જ સર્વેમાં જેટલી સ્ત્રીઓને સવાલ પૂછાયા તે પૈકી ૭૬ % એ એવું કહ્યું હતું, ‘અમને તો કુલ કલર વધારે ગમે.’ સ્ત્રીઓને અત્યંત ગમતો હોય તેવો બીજો કલર છે પર્પલ. સંશોધનોએ એવું પુરવાર કર્યું છે કે બહેનોને (કોઈકની) પર્પલ કલર વધારે ગમે છે. પરંપરાગત રીતે આ કલર રોયાલિટી સાથે નાતો ધરાવે છે. થોડો મસ્ટિરીયસ છે, અધ્યાત્મ અને રોમાન્સના પણ તેમાં છાંટણા છે. પિંક-ગુલાબી રંગ સ્ત્રીઓને વધારે પસંદ છે તે વાત જગજાણીતી છે. અને તેમાં રોમાન્સ છે, સુંદરતા છે, આકર્ષણ છે. તારણ એમ કહે છે કે બ્લ્યુ પર્પલ અને ગ્રીન તથા પિંક સ્ત્રીને સૌથી વધારે પસંદ હોય તેવા રંગ છે અને ઓરેંજ બ્રાઉન ગ્રે રંગ તેઓ સૌથી ઓછા પસંદ કરે છે.

   સવાલ એ છે કે સ્ત્રી કે પુરુષ શું કોઈ રંગ પોતાના માટે જ પસંદ કરે છે ? મોટા ભાગે ના. તેમાં પોતાની પસંદગીની સાથે જ અન્યને તે કેવું લાગશે તે ભાવ પણ ભળેલો હશે. બ્લેક કલરના વસ્ત્રો કે આંતરવસ્ત્ર છોકરીને વધારે સેક્સી બનાવે છે. લિપસ્ટિકથી આખા ચહેરાથી હોઠ અલગ પડી શકે છે અને આંખ પણ હવે તો લેન્સથી દરરોજ નવી દર્શાવી શકાય છે. દુલ્હન હાથ અને પગે મ્હેંદી કરે છે. પ્રેયસી શરીરના એવા ભાગો પર મહેંદી લગાવે છે જે તેનો પ્રિયતમ જ જોઈ શકે ! દરેક રંગનું સાયકોલોજીકલ પણ મહત્વ છે. સાયન્ટીફીક પણ છે જ. સ્ત્રીઓને રંગમાં વધારે ખ્યાલ અને રસ પડે છે તે વૈજ્ઞાનિક સંશોધન કરતાં સામાજિક અવલોકનનો વિષય છે. ટીવી સિરિયલ ચાલુ હોય તો જણ ડાયલોગ કે હિરોઈનને જોવામાં વ્યસ્ત હોય પરંતુ બે સ્ત્રીઓ આતંકવાદી જેમ દિલ્હીના કોઈ સ્થળની રેકી કરે તેવી રીતે તે સ્ત્રીપાત્રની સાડી સાટિનની છે કે કોટનની, ડ્રેસ સિફોન દુપટ્ટાનો છે, એક્રેલિક બેંગલ છે કે ગ્લાસની બંગડી, ટીકા કેવા છે તે બધું અવલોકન કરી લે, બાંધણીની દુકાને જાય અને પેલા ભાઈ ૪૬ ડ્રેસ બતાવે ત્યારે મેડમ એમ બોલે કે ‘આ કલરમાં આ ડિઝાઈન અને તેમાં આટલું વર્ક વાળો પીસ નથી ?’ – શોપિંગ વખતે સ્ત્રી અને પુરુષના ચહેરાના રંગ જોવા જેવા હોય – સ્ત્રી અને રંગો !! વળી આ પુરુષ વચ્ચે આવ્યાં જ છે તો એક વાત કરી જ લઈએ કે આખરે સ્ત્રી અને પુરુષ – કોઈ પણ સ્વરૂપે, સામાજિક માળખામાં નહિ, કોઈ પણ રીતે એકમેક વગર અધૂરાં-બેરંગ છે. બીજા તે રંગ બધા મનના તરંગ તારી ઓઢણીનો રંગ એક સાચો એ બંને પક્ષ માટે છે. સ્ત્રી સ્વતંત્ર હોઈ શકે, સ્વયંભૂ તો નથી ને ? પતિ, પ્રેમી, ભાઈ, મિત્ર કાંઈ ન હોય દરેક સ્ત્રીને પિતા તો હોય જ છે. અને દરેક પુરુષને એક મા હોય છે. સ્ત્રી-પુરુષ અલગ હોઈ શકે, નર-માદા અલગ નથી. કોઈ આઈવીએફ પદ્ધતિથી બાળકને જન્મ આપે તો તે સ્ત્રી પુરુષના શરીર વગર જન્મ આપે છે, પુરુષ પરોક્ષ રીતે તો ત્યાં હોવાનો જ. પુરુષ અને સ્ત્રી કુદરતે જ સર્જેલું એક અનન્ય રંગમિશ્રણ છે, જે પોતે ધારે તો પણ અલગ થઈ શકે તેમ નથી.

   સ્ત્રી શું છે તે લખવા, કહેવાનો વિષય નથી. આપણે એટલા સાહસિક નથી અને આપણી પાસે ચાર-પાંચ ભવ જેટલો ટાઈમ પણ નથી કે સ્ત્રી વિશે સમજી શકીએ ! પરંતુ રંગ વિશે થોડી માહિતી આપણી પાસે છે. જેને આપણે અંગ્રેજી ઓરેંજ કહીએ છીએ તે રંગનું જન્મસ્થળ રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, આર્યભટ્ટ અને ટાગોરની જેમ ભારત છે. યુરોપમાં કેસરી રંગ હતો અને તેનું નામ હતું રેડયેલો, આપણે ત્યાં થતી નારંગી ત્યાં ગઈ તેના રંગનું નામ નારંગ રૂપિયાના સોળ પૈસા થાય તેમ અપભ્રંશ થઈને નારંગ અને પછી ઓરેન્જ થઈ ગયું. ઓસ્ટીયામાં એક શહેર છે તેનું નામ છે મેજેન્ટ ! આ એક રંગનું પણ નામ છે. ખબર નહીં ગુલાબી જયપુરની જેમ આ શહેર પણ મેજેન્ટા રંગનું હોય તો !! એ દેખાય છે તે રંગો તો છે જ પરંતુ આપણે નથી જોઈ શકતા તેવા પણ રંગો છે આ બ્રહ્માંડમાં. યુનિવર્સમાં લાખો એવા સંયોજનો છે જેને કારણે આપણને અનેક રંગ દેખાય છે. કલર ટેમ્પરેચર નામનો શબ્દ છે. તાપમાનની વધઘટ અનુસાર પ્રકાશના રંગ ફરે. આકાશ વધઅર્થે વાદળી દેખાય તેની પાછળ અને સૂર્ય લાલ કે પીળો દેખાય તેના માટે આ કલર ટેમ્પરેચર જવાબદાર છે.

   સ્ત્રીઓ અને રંગની વાતો સર્વેમાં જ નથી, કવિતાઓમાં પણ છે, કવિતાઓમાં જ નથી, લોક સાહિત્યમાં પણ છે. હવેની ત્રણ લીટી વાંચો, ‘કોઈ ભીનેલ વાને કોઈ કંકુવરણી, કોઈ ઘઉંલા વાને તો કોઈ હેમવરણી શેલરા જેવા શરીર, વાંભવાંભના ચોટલા... લલાટે મોટો ચાંદલો, કાજળકાળાં નેણ રાતીચોળ જીમી હિંગકોળિયા પગે...’ આંખને હાંફ ચડી ગઈ ને ? આ સૌરાષ્ટ્રના ગ્રામ્યપ્રદેશની પનિહારીનું વર્ણન છે. લોકસાહિત્યકાર જયમલ્લ પરમારનું પુસ્તક છે આપણું ભરતગૂંથણ તેમાં રંગ વિશે આખું ચેપ્ટર છે. લોકજીવન, સ્ત્રીઓ જે ભર ભરે તે અને તેની સાથે જીવનના રંગો કેવા ભળે છે તેનું તેમાં વિસ્તૃત વર્ણન છે. આ પુસ્તકમાં જયમલ્લભાઈ વર્ણન કરે છે કે સૌરાષ્ટ્રમાં ગૂઢો એટલે કે ડાર્ક રંગનું મહત્વ છે. અસલી થેપાડા, ઓઢણી – જેને મરુન કહેવાય છે તેવો ગૂઢો રંગ અહીં લોકો પહેરે છે. સૌરાષ્ટ્રનો લોકસમાજ લાલ ચણોઠી જેવો કસુંબલ, કથાઈ કંકુવરણો ઘેરો નીલો અને કેસરિયો રંગ પસંદ કરે છે.

   રંગ સાથે સાયંસ અને સાહિત્ય અને સાયકોલોજીની અનેક વાતો જોડાયેલી છે. રંગ એટલે શું ? રંગ માને ઉત્સવ. ઓળખાઈએ નહીં તે રીતે ખોવાઈ જવું તે રંગ છે. અલગ ન પડી શકીએ તે રીતે કોઈનામાં ભળી જેવું તે રંગ છે. અને ભીડમાં પણ જાતને જડી જવું એ રંગ છે. જેને રંગ લાગે તેના માટે આખી દુનિયા રંગીન છે. જવાહર બક્ષીનો એક શેર છે – ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો, મસ્તી વધી ગઈ તો થઈ ગઈ. હઝરત નિઝામુદ્દીનની ખિદમતમાં અમીર ખુશરોએ લખ્યું છે ને, ‘આજ રંગ હૈ ની મા, રંગ હૈ રી ઓરે સખી મેરે મહેબુબ કે ઘર રંગ હૈ’ સાહચર્ય પણ રંગ છે, સહજીવન પણ રંગ છે અને વિખૂટા પડીને જીવવું એ પણ રંગ છે. આખું જીવન ધૂળેટી છે. આપણે જન્મ લઈએ ત્યારે કોરાકટ હોઈએ છીએ, ઈશ્વર મોટો અંગારો છે, કુદરત ધૂળેટી રમે છે. ડેસ્ટીની પાસે પિચકારી છે, અને અહીં આપણા હાથમાં રેખાઓ જ છે ગુલાલ નથી. જીવન પૂર્ણ થાય ત્યાં સુધીમાં આપણે અરીસો ય ન ઓળખી શકે તે રીતે અનેક રંગે રંગાઈ ગયા હોઈએ છીએ, કાચાં પાકા કેટલાય રંગો લાગી જાય છે. લાગવા જ જોઈએ, રંગાયા વગર જીવવું શું કામનું ? ગોપી કહે છે ને, ‘શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા’ પરંતુ આ ફિલોસોફી તો જીવનની છે, તે આખું જીવન ચાલવાની જ છે. તે પહેલાં તો ‘ડુ મી એ ફેવર લેટ્સ પ્લે હોલી’ અને ‘હોલી ખેલે રઘુવીરા અવધ મેં હોલી ખેલ’ અને ‘હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ’ અને ‘ધરતી હૈ લાલ આજ અંબર હૈ લાલ ઉડને દે ગોરી ગાલોં કા ગુલાલ...’ હોને ગોરી !!


0 comments


Leave comment