3.1 - અંક બીજો – દૃશ્ય - ૧ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(એસ.એલ.આઈ. હોસ્પિટલનો ૭૦૭ નંબરનો શુભાંગીનો રૂમ)

સૌરભ : ઓહ, ડાયાલીસીસ પછી એકદમ ફ્રેશ લાગે છે ને ?
શુભાંગી : હા, સારું લાગે છે પણ તમને ઘણીવાર લાગી ! મિલી મળી ખરી ?
સૌરભ : આપણે જેને શોધીએ તે આપણને પણ શોધતી હોય.
શુભાંગી : કોણ મિલી ?
સૌરભ : અરે કીડની !

શુભાંગી : (ટેન્શનમાં હસવું આવી ગયું) એટલે રસ્તામાં કીડની મળી ગઈ ?
સૌરભ : હા, એમ જ સમજને. ડૉનર તૈયાર છે. યુવાન છે, હેલ્ધી છે. બધું પરફેક્ટ મેચ પણ થાય છે. ઓ.ટી.ડી. રિપોર્ટ ઓ.કે. બતાવે છે.
શુભાંગી : ખરેખર, આટલું જલ્દી ? ટેસ્ટ પણ કરાવી લીધો ?
સૌરભ : હા, મિલી તારી કેસ હિસ્ટરી અને ડીટેઈલ્સ જાણે ને, એટલે એણે એ બધું પહેલેથી જ ચેક કરાવી તૈયાર રાખેલું.

શુભાંગી : ત્યારે મિલીએ શોધી કાઢ્યો, મારો તારણહાર ! તમે મળ્યા એને ?
સૌરભ : ના, હમણા થોડીવારમાં જ ડૉ. મિલી આવશે. એની પાસે ડૉનરની બધી ડીટેઈલ્સ છે. એના મધરનું બી.પી. વધી જતા તેમણે પણ આ જ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એ બીઝી હતી, એટલે વધુ ડિસ્ટર્બ ન કરી.
શુભાંગી : પણ એવું તે કોણ હોય, કે પોતાના જીવતા અંગનું દાન કરે ?
સૌરભ : હોય હવે

શુભાંગી : મારે એને મળવું છે. આમ પણ મારો તો એ ઉદ્ધારક જ ને ?
સૌરભ : હા, હા. તારે મળવું જ પડશે. પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે.
શુભાંગી : લોહીના સંબંધ કરતા પણ, કોઈ વાર, ક્યાંક, કોઈ પરાયા, કેવા આમ મેચ થઈ જતા હોય, એ ક્યારે કંઈ કહી ન શકાય.
સૌરભ : હા જો એના વિશે બહુ વિચારવું નહીં.

શુભાંગી : સૌરભ, એક વાત કહું...? આ મિલી મને બહુ ગમે છે. વ્હાલી લાગે એવી છે.
સૌરભ : તો...
શુભાંગી : ભગવાને આપણને દીકરી નથી આપી પણ અહીં તો...
સૌરભ : હા, હા, બનાવી દે બધાને તારી દીકરી, પહેલા મોસમ પછી મિલી... આ હોસ્પિટલમાં હજી પણ કેટલીય દીકરીઓ હશે, તારી રાહ જોતી...
ભવાની : શૌરભ શાહેબ, મિલીબેન જોડે વાત થઈને ?
સૌરભ : હા, થઈ ગઈ. થેન્ક યુ, તેં મને માહિતી આપી એ માટે. (પૈસા આપે છે)

ભવાની : ના, શાહેબ, પૈશા શારૂં નથી આવ્યો. આ તો શૌ કોઈનું શારૂં થાય. આંગળી ચિંધ્યાનું પૂન શાહેબ.
શુભાંગી : લઈ લે હવે.
ભવાની : શુભાંગીબેન, તમે શારા શાજા થઈ જાવ, પછી તમારા હાથે બકશીશ આપજો બશ. શાહેબ, આજે શેમશંગનો સેલફોન લીધો એ બતાવવા આવ્યો.
સૌરભ : ક્યાંથી લીધો શેમશંગનો સેલફોન ? શુભાંગી કો આને ‘શ’ શાથે શાચો શ્નેહ છે.
ભવાની : શૌરભભાઈ, આ હોશ્પિટલની બરાબર શામે જ શોપ છે. કોઈ કશ્ટમર નવો શેલફોન લઈ જાય ને જૂનો વેચી મારે. દુકાનવાળો આપણો દોશ્તાર એટલે શશ્તામાં આપી દીધો.

શુભાંગી : (હળવા મૂળમાં) ચાલે છે ?
ભાવની : હા, આજે જ શાડી ત્રણશોનો શીમકાર્ડ નંખાવ્યો. ને બશ થોડા શમયમાં તો કેટલા ફોન રીશીવ કર્યા !
શુભાંગી : પણ તારો નવો નંબર બધાને કઈ રીતે ખબર હોય ?
ભવાની : એ તો મેં શઘળાને મિશકોલ કરેલાને !
સૌરભ : (હસતા હસતા) મને નહીં કરેલો ?
ભાવની : શું શાહેબ તમે પણ ? અમે મીશ કોલ કરીએ છીએ મિસિસ કોલ નહીં.
શુભાંગી : ભવાની, નંબર આપજે તારો, બીજીવાર કીડની જોઈશે તો કામ લાગશે.
ભવાની : શુભ શુભ બોલો, શુભાંગીબેન. હવે તમે ચોક્કશ શારા થઈને જ જવાના. પછી એશ.એમ.એશ. કરતા રહેજો.
સૌરભ : (ચાળા પાડતા) શારૂં.
(મોસમ હાથમાં કાગળ સાથે ભવાનીને બૂમ પાડતી પાડતી આવે છે.)

મોસમ : ભની ઓ ભની !
શુભાંગી : અરે, મોસમ, તું પાછી આવી ખરી !
ભવાની : શું છે ? મોશમ બેબી.
અરે બેન, કશે પણ થોડા શમય જાઉં ને ભની ભની કરતી દોડી આવે.
મોસમ : (શુભાંગી ને સાંભળ્યા વગર) ભની, મારો પીન્ક કલર પૂરો થઈ ગયો, લઈ આવને પ્લીઝ, જો મેં ઢીંગલી ડ્રો કરી.
શુભાંગી : (ગાલ પર વ્હાલથી ટપલી મારીને) તારા આ પિન્ક પિન્ક ગાલમાંથી પૂરી દે ને.
મોસમ : મારા ગાલમાંથી ? તો તો આન્ટી થોડા વખતમાં એ પિન્ક કલર Pale થઈ જાય, ભની, લાવી આપને જલ્દી...!

શુભાંગી : મોસમ બેટા, મને પણ એક ડૉલ ડ્રો કરી આપીશ ? પિન્ક ગાલવાળી, મને બહુ ગમે.
મોસમ : હા આન્ટી, પણ આ ભની કલર લાવી આપે ત્યારે ને..
સૌરભ : હં, તું કેમ ભની ભની બૂમ પાડતી હતી ? આ તો ભવાની છે.
મોસમ : ભની મને ગમે છે એટલે. (એની પાસે જાય છે)
Bees like honey
Kings like money
& I like Bhaney

ભવાની : મોશમ બેબીએ મારું નામ શુધારી દીધું છે, જુઓ ને.
સૌરભ : ભવાની, આપણે પણ મીડલ અક્ષર કાઢી નાંખીએ એનું નામ મોમ કરી દઈએ. બેટા, તું પણ અમને ગમે છે એટલે.
મોસમ : ના, ના અંકલ એવું નહીં કરશો. હું મોમ થઈ જઈશ, તો તો મેલ્ટ થવા માંડીશ. આમ પણ પીગળી તો રહી છું ધીમને ધીમે.
શુભાંગી : (વાત બદલતાં) તારા ભનીનો સેલફોન જોયો ?
મોસમ : ભની મને આપીશ ?
ભવાની : લે ને બેબી.
મોસમ : હમણા નહીં, થોડા વખત પછી. મારા કાન પાસે મૂકી રાખજે. કબરમાં સ્કેલેટન થઈ જઈશ તો પણ તમારા બધા સાથે વાત કરીશ.

શુભાંગી, સૌરભ : (બન્ને) મોસમ ! શું હજુ તો તારે ખૂબ મોટા થવાનું દીકરા.
મોસમ : આન્ટી, હું કદાચ મોટી નહીં થાઉં, મારી લાઈફ નાની છે.
શુભાંગી : ના, ના બેટા એવું નહીં બોલીએ.
મોસમ : આન્ટી, મમ્મી-પપ્પા એ શીખવ્યું હતું કે, સાચી વાત સ્વીકારી લેવાની. મને એઈડસ છે. (શુભાંગી, સૌરભ એકદમ શોક્ડ થઈ જાય છે)
મોસમ : ચાલ ને ભની.. પીન્ક કલર
ભવાની : ચાલ બેબી.. (ભવાની મોસમને લઈ જાય છે)
(શુભાંગી જતી મોસમને જોઈ રહે)

શુભાંગી : સૌરભ આપણે આ મોસમ માટે કશું જ નહીં કરી શકીએ..? એની વાતો સાંભળીને મારું હૈયું ભરાઈ આવે છે...
સૌરભ : આપણે તો શું કરી શકવાના હતા... જયારે કુદરતના આ કોયડાનો ઈલાજ આખી દુનિયામાં કોઈની પાસે નથી ત્યારે...
શુભાંગી : આપણા કરતા તો ભવાની સારો... એને હસતી રમતી રાખીને એને ખુશ તો રાખી શકે છે.
સૌરભ : હા, હવે તો એ જ એનો સાચો ઈલાજ છે...
(બંને જણા મૌનમાં સરી પડે છે એક અજાણી વ્યક્તિ રૂમમાં દાખલ થાય છે.)

મથુર : માફ કરજો વગર રજાએ દાખલ થયો સું... તમે જ સૌરભભાઈ ને ?
સૌરભ : હા... હું જ સૌરભ ! તમે ?
મથુર : હું મિલીનો બાપુ... મથુર.
શુભાંગી : ડૉ. મિલીના બાપુ..! નમસ્તે ભાઈ
મથુર : નમસ્તે બેન. નમસ્તે ભાઈ
સૌરભ : તમને મળીને ખરેખર બહુ આનંદ થયો. ઈનફેક્ટ હું તમને મળવા માટે આવવાનો જ હતો...
શુભાંગી : તમારી મિલી જ મારી ડૂબતી નૈયાને પાર ઉતારવા મારે માટે ડૉનર શોધી લાવી.
સૌરભ : પણ ડૉ. મિલી છે ક્યાં ? એ કેમ નહીં આવી ?
મથુર : એની મા પાહે સ. ઈનોય કેસ તમારા જેવો જ સ. છેલ્લા ઘણા વરહથી હૃદયની બિમારી હતી... કોઈ દવા કૉમ લાહી નહિ, આખરે વાલ બદલવો પડ્યો.

શુભાંગી : હવે એમને કેમ છે ?
મથુર : ધીમે ધીમે સુધારો થઈ રયોશ. પણ આવું મોંઘુ ઓપરેશન... આટલો બધો ખર્ચ... ખરેખર બેન, આ કૉમ મારી દીકરી જ કરી શક. ઈણે જ રસ્તો શોધી કાઢ્યો હશે... ઑમ તો મને કોઈ વાત પણ નથી જણાવતી. પૂશું તો કહે... બાપુ હું શું... ને તમ ચિંતા કરો શો ? અને પછી ડાહી થઈન એમ પણ કહે ‘બાપુ, હું માત્ર તમારી દીકરી જ નથી રહી, હવે દાક્ટર પણ શું... અને દાકટરોનો ધર્મ કહે સ કે કોઈ પણ ભોગે દરદીનો જીવ બચાવવો... એટલે હું જે કરું તે માત્ર જોયા કરો.
શુભાંગી : ખરેખર ? એ આવું કહે છે ?
મથુર : હા... ને ઈણે જે કીધું ઈ કરીને બતાડ્યું ! હું જો તો જ રહી ગ્યો... ખરેખર એ મારી દીકરી નથી... દીકરાથી ય વધારે સ...
શુભાંગી : ભગવાને તમને આવી સમજું દીકરી આપીને ઘણો ઉપકાર કર્યો છે. સાચ્ચે જ તમે ખૂબ નસીબદાર છો.
સૌરભ: હા... મને પણ એણે આવું જ કહ્યું હતું કે અંકલ હવે તમે આન્ટીની ચિંતા મારા ઉપર છોડી દો... મેં એમને માટે ડૉનર શોધી કાઢ્યો છે.,.. બધા જ ટેસ્ટ પણ કરાવી લીધા છે અને બધું જ પરફેક્ટ મેચ પણ થાય છે.
મથુર : હા આવું જ કહે સ...
સૌરભ : પણ મેં કહ્યું કે કોણ ડૉનર છે તો કહે ‘તમારે શું કામ છે... હું તમને મળવા મોકલી આપીશ...’ પણ કોણ છે તે જ નહીં કહ્યું. આ બાબતમાં તમને કંઈ ખબર છે ? તમે એને ઓળખો છે.. એટલે જેની કીડની લેવાની છે તેને ?

મથુર : હા, હારી રીતે ઓળખું છું સું. નેનપણથી મોટી કરી સ મેં ઈં.
સૌરભ :  ? કોણ...? કોને મોટી કરી...?
મથુર : મારી છોકરીન...!
શુભાંગી : તમારી છોકરીને ! એટલે... તમારે કેટલી છોકરી છે ?
મથુર : અરે તમે કેમ હમજતા નથ... મારી એક તો છોકરી સ... મિલી.
સૌરભ : મિલી ? એટલે ડૉ. મિલી પોતે પોતાની કીડની આપવા તૈયાર થઈ છે.
મથુર : હા, સાહેબ.
સૌરભ : પણ શું કામ..? એણે આવું કરવાની શી જરૂર..
શુભાંગી : પણ સૌરભ, હું મિલીની કડીની કરી રીતે લઈ શકું ?
મથુર : મને કશી જ ખાર નથ. સાહેબ, મેં એને બહુએ વારી પણ...
સૌરભ : બરાબર છે... અને એટલે જ એણે મારી વાત ઉડાવી દીધી હશે. પૈસાની વાત કરી તો કહે... તમારે કંઈ પણ આપવાનું નથી.
મથુર : અરે બેન, એ બહુ જિદ્દી સ... જે નકી કરેને ઈ કરીન જ રહે. એ નાની હતી ને ત્યારથી મારી પાહે પોતાનું ધારેલું કરાવતી. મારે પણ ઈની વાત મૉનવી જ પડતી. હાવ નાની હતી ત્યાર ઘણી વખત ઘર–ઘર રમતી અને મને પણ ઈની હારે રમાડીને જ છોડતી’તી.

ફ્લેશ બેક
નાની મિલી ૩–૪ વર્ષની

મિલી : ચાલોને બાપુ ઘલ ઘલ લમીએ.
મથુર : તારી મા જોડે રમ, મારે ઘણું કૉમ સ.
મિલી : બધા લમીએ. મા, બાપુ ને મિલી. બધાના ઘલ, પણ કોઈને વૉલ નહીં.
મથુર : જા જા હવ, વૉલ વગરના ઘર હોય વળી!
મિલી : વૉલ નહીં લાખવાની.
મથુર : હું કૉમ ?
મિલી : આજે ટીચલે પનિશમેન્ટ કલેલી એટલે !
મથુર : ટીસરે પનિસમેન્ટ કરેલી દીકરા... પણ હું કોમ ?
મિલી : હું બહુ વાત કલતીતી એટલે, બેન વૉલ આમ જોઈન થાય ને. (બે નાના હાથને, ખૂણો બને એ રીતે જોડી બતાવે) ત્યાં મને બેસાલી દીધેલી ને ટીચલે કે, ‘પુટ યોર ફિંગલ ઓન યોલ લીપ્સ’
મથુર : ઓહ, એટલે ખૂણામાં બેહાડે જ ને ! આખો દા’ડો મોઢું બધું ચાલ્યા કર સ તે ! (બ્લેક આઉટ)

નાની મિલી (૨) ૬–૭ વર્ષની
(મથુરને આંખો પાટો બાંધ્યો છે, મિલીને પકડવા દોડાદોડી કરે છે)

મિલી : બાપુ, આજે હું નહીં પકડાઉં !
મથુર : તે તું સ જ પતંગિયા જેવી, ઑમથી તેમ ઉડ્યા કર સ તે. થકવી મૂકે. બાપુન. કેવી ભાગમભાગ કર સ નાની ઉંદરડી.
મિલી : નાની, બાપુ હું કેટલી નાની ! બર્થ ડે આવે એટલે મોટા થવાય, પછી પાછી બર્થ ડે, પછી પાછી બર્થ ડે, પછી પાછી..
મથુર : ના, દીકરા ના, તારે મોટા નથ થવાનું. તારા મોટા થવાના વચારથી મારામાં લખલખુ દોડી જાય સ.
મિલી : બાપુ જુદી વાર્તા નહીં કરો ને. કાલે મારી બર્થ ડે યાદ છે ?
મથુર : લે હું તો હાવ ભૂલી જ ગ્યા’તો. પણ તને કુણે યાદ કરાવ્યું ?
મિલી : માએ, જે દિવસે આખા ચાંદામામા દેખાય એ દિવસે મારી બર્થ ડે.
મથુર : એ તો દર મહિને દેખાયને ?
મિલી : ઓ મારા ચાંદ તું છ ક્યાં ? (હાથ લંબાવી શોધે છે) થાકી ગ્યો હોધતાં હોધતાં.

મિલી : (તાલી પાડીને) જુઓ હું અહીંયા જ છું મારા ઘરમાં.
મથુર : (હાથથી ફંફાસતા) અરે પણ તારું ઘર કઈ બાજુ સ ?
મિલી : બાપુ હું મારા જ ઘરમાં ખોવાઈ નહીં જાઉં ને ? તમે શોધી કાઢશો ને ? થાકી નહીં જાવને ?
મથુર : અરે દીકરા નહીં થાકું, આ તારા બાપુની આંખ ચાલી જાયને તોય તને ખોળી લેહે તારો બાપુ, તારા ઘરમાં તને જ ખોવાવવા દઉં દીકરા! (બાપુ મિલીને ગળે વળગાડે છે, મિલી બાપુની આંખનો પટ્ટો ખેંચી કાઢે છે)
(બ્લેક આઉટ)

નાની મિલી (૩) ૧૦–૧૨ વર્ષની

મિલી : બાપુ, આજે હું ને મા દરિયા કિનારે ફરવા ગયેલા, બહુ મઝા આવી.
મથુર : શું મઝા આવી ?
મિલી : ગરમ ગરમ, લાલ લાલ સૂરજ પાણીમાં પડે ને ત્યારે કેવો અવાજ આવે સાંભળવા.
મથુર : ઇમ ! અવાજ આવેલો.
મિલી : હા, આવેલો ને.
મથુર : કેવો ?
મિલી : (બાપુના કાનમાં જોરથી) છમમમમમ્..

મથુર : ઓ મને બહેરો કરી મૂકશે, હવે તું મોટી થઈ, તોય તારી ધમાલ ઓછી નથ થતી.
નીલી : એક્ચ્યુલી બાપુ, મારે કવિતા લખવી હતી ને એટલે સનસેટ જોવા ગયેલી.
મથુર : તે લખી ?
મિલી : ઓહ બાપુ, લખવા બેઠીને મા એ બૂમ પાડી (ચાળા પાડીને)
મિલી : છેલ્લી બે રોટલી છે, વણી નાખ તો !
મથુર : પછી વણી ? મા એ શીખવાડી ?
મિલી : વણીને, એકદમ ગોળ, ગોળ, ગોળ, મા કહે, છોકરીઓને શીખવાડવાનું ન હોય, એમ જ જોઈને આવડી જાય.
મથુર : હા બેટા, હવે તું મોટી થશ. ને ધીમે ધીમે બધું શીખી જશ. પછી થોડી ઠાવકી થઈ જશ, પછી...
મિલી : પછી, પછી શું કરશો ?
મથુર : પછી તો તને પૈણાવવી પડશ ન !
મથુર : પછી શું કરશો ?
મથુર : હું ને તારી મા તારા વગરના અનાથ થઈ જઈશું.
મિલી : પછી શું કરશો ?
મથુર : રાહ જોઈશું, ને તારી યાદમાં રડીશું.
મિલી : પછી શું કરશો ?
મથુર : બેટા, કોઈ દી’ તો એ રાહનો છેડો આવશ ન ? કોઈ દિવસ તો તારા સુખી સંસારમાંથી સમય કાઢીને, આ ગરીબ બાપના ઘરે આવશ ન ? (બાપુની આંખમાં પાણી)

મિલી : પછી શું કરશો ?
મથુર : પછી હું પૂછ પૂછ કર સ ? (આંખ લૂછે છે) પછી અમે ઘરડા થઈ જઈશું, બિમાર પડીશું (ઝડપથી બોલે છે)
મિલી : પછી શું કરશો ?
મથુર : દાક્તરને બોલાવીશું, બીજું શું ?
મિલી : તો બાપુ મને જ ડૉકટર બનાવો ને !
મથુર : તું દાક્તર ? ના બેટા, આપણી પહોંચની વાત નથી.
મિલી : હું ડૉક્ટર જ બનીશ. મારી સ્કૂલના બધા જ કહે છે કે હું બની શકીશ, મારા ટીચર્સ, મારી ફ્રેન્ડસ, અમારા પ્રિન્સિપાલ પણ. તમે તો જુઓ છો ને બાપુ, તમારી હોસ્પિટલમાં બધા ડૉક્ટર્સ સફેદ એપ્રન પહેરીને રાતદિવસ બિમારની કેવી સેવા કરે છે ! મરતાને બચાવે છે. બાપુ પ્લીઝ હા પાડોને ! કેમ્પમાં મારી કેટલી બધી ફ્રેન્ડસ છે, એ બધી ફ્રેન્ડસને પણ ડૉક્ટર થવું છે. એ બધાના પપ્પા ડૉક્ટર છે.
મથુર : તે તને આ બાપુ નથ ગમતા ? દાક્તર નથી એટલે ?
મિલી : ગમો છો, બાપુ ખૂબ ગમો છો, મને તો આવા જ બાપુ ગમે. (બાપુને વળગી પડે છે) પણ હા છે ને તમારી ? (બાપુ કંઈ જવાબ આપતા નથી)
(બ્લેક આઉટ)

મિલી (૪) ડૉકટર મિલી.


ડૉ.મિલી : (દોડતી આવીને પગે લાગે છે) બાપુ મારું રીઝલ્ટ આવી ગયું. ફર્સ્ટ ક્લાસ છે.
મથુર : મન તો ખાતરી હતી જ કે મારી મિલી દાક્તર થઈને જ રહેશે. (ગળગળો થઈ જાય છે) પણ બેટા તેં માને કીધું ? એ તો ક્યારની રાહ જુવ સ.
ડૉ. મિલી : ખૂબ ખુશ થઈ એ, સૌથી પહેલા માને કહ્યું, ઘર તરફથી જ આવું છું. બાપુ બધા મારા રીઝલ્ટથી ખૂબ ખુશ છે.
મથુર : બધાનો આભાર માનવાનો દીકરા, કેમ્પસના કેટલા બધા દાકતરોએ તને ભણાવવામાં મદદ કરેલી.
ડૉ. મિલી : હા, બાપુ. જરૂર પડી ત્યારે બધાએ મને ગાઈડન્સ આપી છે, અને મારા સારા નસીબે ઇન્ટર્નશીપ માટે હું આજ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં સિલેક્ટ થઈ છું.
મથુર : હારું દીકરા, અમારી આંખ હામે હોય તો હારુંન.

ડૉ. મિલી : અમારા એચ.ઓ.ડી. પણ ખૂબ સારા છે.
મથુર : ઈ કુણ સ ?
ડૉ. મિલી : ડીન સાહેબ જ. ડૉ. શ્રીનિવાસન, હું ઘણું શીખીશ એમની પાસેથી અને દિલ લગાવીને પેશન્ટની સેવા કરીશ.
મથુર : તારી ઈચ્છા પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના કરું, પણ તને હવે પૈણાવવાની ?
ડૉ. મિલી : ફરી એ જ વાત ! બાપુ કેટલીવાર કહ્યું તમને કે, ‘તમને ને માને છોડીને હું ક્યાંય જવાની નથી. ચલો જાઉં છું (મિલી જાય છે)
(બ્લેક આઉટ)

મિલી (૫) ડૉનાર ડૉ. મિલી

ડૉ. મિલી : બાપુ માનાં ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ છે.
મથુર : પણ બેટા ઓપરેશનનો ખરચ ક્યાંથી કાઢશું ? એટલા બધા રૂપિયા લાઈશું ક્યાંથી ?
ડૉ. મિલી : એટલે શું પૈસા ન હોય તો માને મરવા દેવાની ?
મથુર : મારા કે’વાનો અરથ એવો નથ બેટા ! પણ તારી માના ઘરેણા પણ ગીરવે મૂક્યા સ.
ડૉ. મિલી : મને ભણાવવામાં ને ? ઓપરેશન તો આપણી હોસ્પિટલમાં ઓછા ખર્ચે થઈ જશે... પણ પછી ટ્રીટમેન્ટમાં પાછળથી ઘણો ખર્ચ થાય... પણ તમે તેની ચિંતા નહીં કરો... માત્ર માને સારું થઈ જાય એવી પ્રાર્થના કરો...
મથુર : ઈ તો રોજ કરું સું...
ડૉ. મિલી : કોઈની નહીં ને કોઈની મદદ મળી રહેશે...
મથુર : કુણ મદદ કરે ?
ડૉ. મિલી : અરે બધા જ આવા સમયે મદદ કરે... ને બાપુ ઈચ્છા પણ કોઈને મદદ કરવાની છે.

મથુર : કોને મદદ કરવાની ને હું કરવાની વાત કર સ ?
ડૉ. મિલી : બાપુ મારું એક પેશન્ટ છે. એની બંને કીડની કામ નથી કરતી. ડાયાલીસીસ ઉપર માંડ જીવે છે. એના કોઈ સગાની કીડની મેચ નથી થતી.
મથુર : હા પણ તેમાં આપણે હું કરી હકીએ ?
ડૉ. મિલી : એઓ ડૉનર શોધે છે, કોઈ એક કીડની આપે તો બચી શકે. ખૂબ જ સારા લોકો છે.
મથુર : હશે પણ... આપણે ક્યાં કીડની હોધવા જૈએ ?
ડૉ મિલી : મારું અને પેશન્ટનું બ્લડગ્રુપ એક જ છે.
મથુર : ના ભાઈ ના, ઈ આપણું કૉમ નહીં. ઈના હગાની મેચ નહીં થાય તો તારી ક્યાંથી થવાની ? તારે સેવા કરવી હોય તો કર રાત દિવસ જાગીને,.. એની ના નથ કહેતો... પણ આ તો શરીરનું એક અંગ, આટલી નાની ઉંમરે... એ કંઈ અપાય ?
ડૉ. મિલી : બાપુ, શરીરમાં બે કીડની હોય અને એક કીડની આપણે કોઈને આપી દઈએ તો પણ એક કીડની વડે માણસ ખૂબ સારી રીતે અને ખૂબ લાંબી જિંદગી જીવી શકે.
મથુર : પણ એ બધા ખતરા લેવાની આપણને કાંઈ જરૂર નથ. ગરીબ લોકો પર અખતરા કરવા એ બધા પૈસાવાળાઓના કૉમ. એઓ હોધી લેશ બીજા કોઈને.

ડૉ. મિલી : અરે બાપુ, એવું નથી. આવા તો રોજના કેટલાય ઓપરેશન થતા હોય છે... અને બીજાનો જીવ બચાવવાનું પુણ્ય મળે તો... મા પણ સારી થઈ જશે.
મથુર : પણ એ માટે આટલો મોટો ભોગ આપવાનો... તારા શરીરમાંથી એક જીવતું અંગ કાઢી આમ અજાણ્યાને આપી દેવાનું. હું કૉમ ?
ડૉ. મિલી : એ શુભાંગી આન્ટી... મારા અજાણ્યા નથી... મારા સ્વજન જેવા છે... એમને મળી ને તે દિવસથી મારા પોતીકા લાગ્યા, જાણે...
મથુર : ઈ જે હોય... પણ તારો ભોગ તો હું નહીં જ દેવા દઉં... અરે તું જીદ ન કર... તને કંઈ થઈ ગ્યુંને ભગવાન પણ મને માફ નૈ કર.
ડૉ. મિલી : ઓ બાપુ (હાથ પકડી લે છે)
મથુર : આટલી મોટી કરી ઈમાં તને ક્યાંય ઓછું આવી જ્યું હોય તો આ અબધુ બાપને માફ કરજે... હું ને આ તારી મા... તને આંસુઓ સિવાય કંઈ આપી હકીએ ઇમ નથ.. અને તારી માનો તો તું કાળજાનો કટકો..

ડૉ. મિલી :
બાપુ માને મેં સમજાવી દીધી છે... (આંખો લૂછતાં) અને તમે જિદ્દી કહો... કે અડીયલ કહો... પણ મેં બધા ટેસ્ટ કરાવી લીધા છે... અમારા બધા જ રીપોર્ટસ બરાબર મળતા આવે છે માની જાવને બાપુ, તમને મારા સોગંદ છે.
મથુર : એમ સોગંદથી નહીં બાંધ દીકરા.... તારી બધી જ જીદમાં મેં હા પાડી જ છે પણ આ વાત મારી હમજે... હું તો હાવ જ અભણ સું અને તું હારું અને હાચી વચારતી હોય, તો મેં કદી ના પડી છે ?
ડૉ. મિલી : થેંક્યુ બાપુ, મારા વહાલા બાપુ... ચાલો બાપુ, કીડની આપવાની છે એ આન્ટીને મળી આવીએ...
(ફ્લેસબેક પૂરો)

મથુર : આમ સાહેબ, મારી જિદ્દી મિલી હૉમે મારે અત્યારે પણ ઝૂકવું પડ્યું... સૂટકો જ હતો.
સૌરભ : વાહ, ગઈકાલ સુધી આપણે આપણી દીકરીઓની ચિંતા કરતા હતા.. આજે તેઓ આપણી ચિંતા કરતા થઈ ગયા.
શુભાંગી : પણ સૌરભ મિલીને હું, એની કડીની આપવા નહીં દઉં. ભલે એને મારે માટે લાગણી છે... મને પણ છે... પણ એણે એક કીડની પર આખેઆખી જિંદગી પસાર કરવાની ?
સૌરભ : ઓહ ! ભગવાન હવે શું કરું ?
ડૉ. મિલી : એસ્ક્યુઝમી, કેમ ભગવાનને યાદ કરો છો અંકલ..
સૌરભ : મિલી બેટા..
ડૉ. મિલી : કેમ આન્ટી શું થયું?
શુભાંગી : હું તને જ યાદ કરતી હતી.
ડૉ. મિલી : કેમ ! એની પ્રોબલેમ ? પલ્સ.. બીપી. તો નોર્મલ છે ને ?
શુભાંગી : બધીજ બરાબર છે પણ તું મારી એક વાત માન... તું કીડની ડૉનેટ નહીં કરશે...
ડૉ. મિલી : કેમ નહીં કરું ?
શુભાંગી : તારા જેવી ખીલતાં ફૂલ જેવી છોકરીની કીડની લઈને હું શું કરું ? હું તો પાકટ છું. આમ પણ ગમે ત્યારે ખરી પડું તો ય શું થઈ ગયું ?
ડૉ. મિલી : મને કંઈ નહીં થાય, હું ખૂબ સારી રીતે જીવીશ.
શુભાંગી : તું ગમે તેટલું સમજાવે, હું કીડની નહીં સ્વીકારું.

ડૉ. મિલી : હું તો ડૉનેટ કરીશ, તમે સ્વીકારો કે નહીં સ્વીકારો.
સૌરભ : એક મિનિટ, એક મિનિટ. બે સન્નારીઓની વાતમાં પાડવા બદલ માફી માગુંછું. પણ એક વાત, મેં સ્ત્રીની ઘણી હઠ જોઈ છે, સાડી હઠ, ગાડી હઠ, પટોળા હઠ, ઘરેણા હઠ. પણ કીડની હઠ તો, પહેલી વાર જ જોઈ. જુઓ તમે તમારો પ્રોબલેમ સોલ્વ કરો. હું ડૉ. શ્રીનિવાસનને મળીને આવું. એમને થોડી ડીટેઈલ્સ આપવાની છે, ઑલ ધ બેસ્ટ મિલી. (મિલી સામે ઈશારો કરે છે કે સમજાવી લેજે.)
શુભાંગી : આમ પણ મને આજે એવું ખરાબ સપનું આવ્યું હતું, ને..
ડૉ. મિલી : આન્ટી, સપનાં તો બધા જ પ્રકારના આવે, ગમે એવા રાખવાના, ન ગમે એવા ભૂલી જવાના.
શુભાંગી : મારે પણ દીકરો છે, પણ અમારા મમ્મીજીએ ડૉનેટ તો શું, ટેસ્ટ કરાવવાની પણ મનાઈ કરી ધીધી. હું પણ એની કીડની નહીં જ ડૉનેટ કરવા દેત, તો પછી બીજાની કીડની કેવી રીતે લઈ શકું ?
ડૉ. મિલી : પણ આન્ટી, તમે મને પરાઈ જ ગણીને ?
શુભાંગી : ના બેટા એવું નથી. આમ તો હું તારી દરેક વાત માનું પણ આમાં એવું છે ને... હજી તો તારી આખી જિંદગી બાકી છે.
ડૉ. મિલી : થેન્કયુ આન્ટી, (હાથ મિલાવે છે, ઓહ મારે તો જલ્દી જવાનું છે. સ્ટેથોસ્કોપ લઈને ભાગે છે)
શુભાંગી : પણ ઊભી તો રહે બેટા... આખરે મને માનવીને જ રહી. એના બાપુ સાચું જ કહેતા હતા, ખૂબ જ જિદ્દી છે.


0 comments


Leave comment