8.3 - ધ સેકન્ડ ઈનિંગ : હું પાનખર નથી, હું વિતેલી વસંત છું. / સંવાદ / જ્વલંત છાયા


   પૃથ્વીરાજ કપૂર જ્યારે ખૂબ મૂંઝાતા, મુશ્કેલીમાં મુકાતા ત્યારે કહેતા, ‘યહ દિન ભી ચલા જાયેગા’- મૂળ તો કૃષ્ણમૂર્તિનો થોટ છે : સુખ અને દુઃખ તે બંનેમાં એટલું યાદ રાખજો કે આ સમય પણ જતો રહેશે. સુખમાં તો સમય પાણીના ધસમસતા પ્રવાહની જેમ ચાલ્યો જાય અને ખ્યાલ પણ ન આવે. આંખ ઝપકે ત્યાં તો સુખ પૂરું. જાણે વહેલી સવારનું સ્વપ્ન ! પણ દુઃખના દહાડા કેમેય પૂરા ન થાય, એક પલ જૈસે એક યુગ બિતા એવી હાલત હોય. આવો સમય કસોટીનો હોય છે. પરીક્ષાનો હોય છે. અને જે તેમાં પાર ઊતરે તે જીવનની નદી પાર કરી જાય. એવું કોઈ હશે જેના જીવનમાં કોઈ મુશ્કેલી જ ન આવી હોય ? ના પરંતુ એવા અનેક તારલા, વિરલા કે જેમણે એક મૂડી વાળી અને હસ્તરેખામાં પડેલા અક્ષરો બદલાઈ ગયા, મુશ્કેલીઓને તેમણે મસળી નાંખી. યાદવગું એવું પાત્ર તો યુવરાજસિંહ અને આ લખવાનું કારણ પણ યુવરાજની વાપસી. આપણી માનસિકતા અને કેન્સરને સાધ્ય બનાવવામાં હજી સુધી વિજ્ઞાનને ન મળેલી સફળતાને લીધે કેન્સર એટલે કેન્સલ એવી ટર્મ પ્રચલિત છે, પરંતુ એવા કેટલાય લોકો છે, સેલિબ્રિટીઝ તો છે જ સામાન્ય માણસો પણ છે જેમણે કેન્સરને પણ કેઝ્યુઅલી લઇ લીધું અને જિંદગીને જીન્દાદીલીનું બીજું નામ માણી ! યુવરાજસિંહનો સમાવેશ ટીમમાં થયો તે જાણી ક્રિકેટને પ્રેમ ન કરતા મારા જેવા લોકો પણ રાજી થયા. આ યુવરાજસિંહનું ક્રિકેટ પ્રત્યેનું પેશન છે અને જીવન પ્રત્યેનો પ્યાર છે. મોત તેને છિનવી જાય ત્યારની વાત ત્યારે પરંતુ તે સિવાય વ્હાલી-જેવી છે તેવી, મેલીઘેલી – કાલીઘેલી પણ આપણી જિંદગીને મૃત્યુમય શા માટે બનાવવી ? મૃત્યુભિમુખ શા માટે થવું ? આ વિચારને ગ્રાઉન્ડ પર દોડતો જોવો હોય તો યુવરાજસિંહની ગેઈમ જોવી જોઈએ.

   કમબેક પછી પણ યુવરાજસિંહ જે ગેઈમ રમ્યા, જે પરફોર્મન્સ આપ્યું તે કાબિલ-એ-દાદ જ છે પરંતુ જ્યારે સારવાર લઈને તેઓ ફરી રમવા આવ્યા ત્યારે જ અનેક લોકોના ઉદગાર હતાં કે, તે ક્રિકેટની પીચ પર હવે એવું રમે તેવું પરંતુ જીવનના ગ્રાઉન્ડ પરનો તેનો આ ગ્રેટશોટ છે. કેન્સરની બીમારી ડાયગ્નાઇઝ્ડ થાય પછી માણસ જીવે તે ઘટના સામાન્ય છે, જીવંત રહે તે ન્યૂઝી અઈતેમ છે અને યુવરાજે તે કરી બતાવ્યું, કેમોથેરાપીના શેક તેના વાળ અને કેન્સરના કોષોને બાળી શક્યા. તેની હિંમતના પહાડને ઓગાળી શક્યાં નહીં. યુવરાજ તો એકઝામ્પલ ઓફ ધ ડે છે. આવા અનેક નરવીરો – વીરાંગનાઓ છે જેમણે મોતને કહ્યું, ‘આવવું હોય તો આવ, હું સાથે આવીશ પરંતુ શરણે નહીં થાઉં.’ જીવનમાં જે બન્યું તેને સ્વીકારી તે લોકો સામા પ્રવાહે તર્યા. કમબેકની કહાની મોટી છે. જીવનમાં પડ્યા હોય, પડી ગયા હોય, હારી ગયા હોય, બાજી હાથમાં ન રહી હોય, અરે હાથમાં એક પણ પાનું જ ન હોય અને ફરી રમવા ઊતરી પડ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે. કમબેક-વાપસી, પુનરાગમન આવા સમય-સંજોગોમાં નોંધનીય બને છે.

   આવા નામોનું આમ તો જળાશય છે પરંતુ આપણને તેમાં નાવ જેવું લાગતું, તરત દેખાતું કોઈ નામ હોય તો તે છે અમિતાભ બચ્ચન. તેમનું કમબેક કેટકેટલા ક્ષેત્રે, કેવી કેવી રીતે ? કુલીના સેટ પર ઈજા, રાજકારણના અટપટા રસ્તે ભૂલા પડ્યાં પછી આક્ષેપોની આંટીઘૂંટી, એબીસીએલની સ્થાપના અને નિષ્ફળતા, દેણું ચૂકવવાની જવાબદારી અને તેમાં ઈમાનદારી – માણસ એકાદ તબક્કે તો તૂટે, ચૂકે. અમિતાભ બચ્ચન સતત દોડ્યા, હાંફ્યા, થાક્યા, થાક ખાધો, ફરી દોડ્યાં. શરીર તો તેમનું વારંવાર રિસાય – મારે કામ નથી કરવું, આંતરડા નામનો મારો હિસ્સો બરાબર નથી, પરંતુ અમિતાભ શરીરને કહે, ‘એમ ન ચાલે ચાલ, દોડ અને ફરી એ જ જૂસ્સો, એ જ જોમ, એ જ સ્મિત, એ જ લહેકો, એ જ અદા, એ જ ઋત્બો – આપ કા સમય શરુ હોતાં હૈ અબ !!’

   આ એક વધુ ઉદાહરણ અમિતાભનું. કમલ હાસનની ફિલ્મ હતી જરા સી જિંદગી. તેમાં ગીત હતું, ‘ખુદા જાને યે કૈસે ઇન્સાન હૈ, ઇન્હેં દેખ કર હમ તો હૈરાન હૈ, કભી તૂટ કર જો બિખરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં.’ આવું જ જાણીતું એક નામ લીસા (લીઝા નહીં, ભલે તેના ગાલ લીસ્સા પણ તે પોતે તો લીસા). ભારતીય પિતા અને પોલેન્ડની માતાની પુત્રી લીસા રેની સુંદરતા અને સફળતા કુશળતા હવે ચર્ચા-લેખનના વિષય નથી. સુંદર અભિનેત્રીને અચાનક જ હાડકાં અને રક્તના પ્લાઝમાનું કેન્સર થયું. કેમોથેરાપી અપાઈ, આત્મહત્યા કરવાના, હતાશ થઇ જવાના, એકાંત સેવવાના, મીનાકુમારીની જેમ જિંદગીને શરાબના પ્યાલાઓમાં ડુબાડી દેવાના તેની પાસે કારણો હતા પરંતુ તેણે એવું કંઈ ના કર્યું. તેણે દુનિયાને કહી દીધું કે જે શરીરને તમે જોયું, આંખથી માણ્યું છે તે હવે બીમારીની ઝંઝીરમાં છે. અને જે આંખો લીસાના શરીર પર અત્યાર સુધી ફરતી, અટકતી હતી તે આંખો તેના મનની આ તાકાત જોઇને પહોળી થઈ ગઈ અને પછી તેમાંથી સંવેદના પણ વહી. લીસાએ પડકારનો સામનો કર્યો. સારવાર કારગત નીવડી. માતાની સ્મૃતિ અને પિતાનો સાથ થકી તે જીવી, ભારત પરત આવી. કેન્સરના કોષોમરી ગયા, લીસા જીવે છે.

   જગતના ઈતિહાસની ગલીઓમાં આંટા મારીએ તો આવાં પાત્રો અનેક મળશે, દરેક સમયે મળશે. જેમણે કમબેક કર્યું હોય. માત્ર બીમારી જ નહીં અનેક સંજોગો સામે ઝઝૂમીને, પડકાર ઝીલીને જેમણે સ્વવિશ્વાસ સાબિત કર્યો હોય. જે ડીઝનીલેન્ડની માત્ર તસ્વીરો કે નોટબુક પર મિકીનું કાર્ટૂન જોઇને આપણે હરખાઈએ છીએ તે ડીઝનીવર્લ્ડની ડિઝાઈન ફાઈનલ થઈ તે પહેલાં ૩૦૨ વાર વોલ્ટે તેના ફાયનાન્સર પાસેથી પરત ફરવું પડ્યું હતું અને એનિમેશન કંપનીના ન્યુઝ એડીટરે તેમને ખખડાવી નાંખ્યા હતા કે કાર્ટૂનો માટેની તેમના ઈમેજીનેશનમાં ઊણપ છે !! મિશેલ જોર્ડન- બાસ્કેટ બોલના મહાન ખેલાડી, સ્કૂલની ટીમમાંથી તેમની બાદબાકી થઇ ફ્રસ્ટેશન થઈ જાય તેવી ઘટના હતી પરંતુ તેમણે મહેણાંનાં માર્યા મારવાના બદલે મહેનતથી જીવવાનું નક્કી કર્યું અને બાસ્કેટબોલમાં આગળ વધ્યા. અનેક નિષ્ફળતાઓ છતાં હાર ન માનનારમાં બલ્બના શોધક થોમસ આલ્વા એડીસનનું નામ ફ્લડલાઈટની જેમ ઝળહળે છે. સાઈકલબીર લાન્સ આર્મસ્ટ્રોંગને ટેસ્ટીક્યુંલર કેન્સર છે તેવું તબીબોએ જાહેર કર્યું અને તે પણ સીધું ત્રીજા સ્ટેજમાં. ડી ફ્રાન્સ નામની મલ્ટિપલ ટૂર જીતનાર આ વ્યક્તિએ હતાશાને દૂર રાખી, આશાને ગળે વળગાડી અને સારવાર દરમિયાન જ લાન્સ આર્મસ્ટ્રોંગ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ૯૦ % રિકવરી થઈ, કેન્સર સામે લડવા અનેક દર્દીઓને મદદ કરી તે તો ઠીક, કેન્સરનું નિદાન થયું ત્યાર પછી સાત વખત તેઓ સાઈકલની સ્પર્ધા પણ જીત્યા.

   આ જ શ્રેણીમાં ભારતરત્ન નેલસન મંડેલા પણ આવે છે. ૯૪ વર્ષના આ નેતાએ ૧૯૮૫માં જેલવાસ દરમિયાન પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું. ૨૦૦૧માં તેમને પ્રોસ્ટેટનું કેન્સર હોવાનું નિદાન થઇ ચૂક્યું હતું. હોલિવુડનાં એકતર રોબર્ટ નીરો કે પછી ગાયનક્ષેત્રે આંતરરાષ્ટ્રીય નામ કેઈલી મીનોગ્યુ કે રોડ સ્ટુઅર્ડ આ બધા એ નામો છે જેઓ જીવલેણ બની શકે તેવા રોગ સામે ઝઝૂમે છે. અને આ જેમની ફિલ્મનો ‘બરફી’ સ્વાદ આપણે માણ્યો તે દિગ્દર્શક અનુરાગ બાસુ પણ ૨૦૦૪ થી લ્યુકેમિયાથી પીડાય છે અને હોસ્પિટલાઈઝ્ડ હતાં ત્યારે ડોકટરોએ કહ્યું હતું, ‘બે માસ કે પછી ઈશ્વરેચ્છા’ બલિયસી, અને તેમણે માંદગીના બિછાનેથી સ્ક્રીપ્ટ, કેમેરાએંગલ વગેરેની સૂચના ડીક્ટાફોનથી આપી. ગુજરાતી ગઝલનું ગરવું શિખર એવા મરીઝ યાદ આવે ‘ખુશ્બુ હજી ય બાકી છે સૂંઘો જરી મને, હું પાનખર નથી, હું વિતેલી વસંત છું.’

   કમબેકનો મહિમા મોટો છે. આ રીતે સામનો કરવો ખૂબ જ કપરો છે. મનની મજબૂતી પેલી ‘યે દિવાલ તૂટતી કયું નહીં.’ એવી જોઈએ. અનેક લોકો કમબેક થયા. તૂટી તૂટીને જોડાયા. આ અઘરું છે, અશક્ય નથી.

   અનુરાગ કે યુવરાજ કે એવા બધા એ લોકો છે જેઓ અટક્યા નહીં તેથી ટક્યા ! જીવન ક્યાંય થંભતું નથી. કોઈ વળી કહેશે કે ભાઈ જેને થાય તેને ખબર પડે. આ બધી વાતો છે. ના, એમ નથી. ગભરાઈ જવાય, ડરી જવાય, હારી જવાય બધું ખરું. પરંતુ આખરે શું કરવાનું ? મરી મરીને જીવવા કરતાં મસ્ત રીતે જીવીને સમય આવે ત્યારે મરી જવામાં શું વાંધો ? અરે કેન્સર ન હોય તો મોત તો આવવાનું જ હતું ને ? આ માણસનું કોઝ ઓફ ડેથ નક્કી થઇ ગયું. કેન્સર પેશન્ટની વેદનાને હળવાશથી લેવાની વાત નથી. પરંતુ જીવનમાં કંઈ પણ બને તેનો સામનો કરનારા લોકો છે. આપણે તેમના જીવન જોઈએ તો ખ્યાલ આવે કે શું શું સહીને તેઓ જીવ્યા ? ઈચ્છા અનુસાર કેરીઅર ન બની, ધંધો ન જામ્યો, ખોટ ગઈ, પાક નિષ્ફળ જશે તેવી બીક લાગી, માર્ક્સ ન આવ્યા. જેને જીવથી વધારે ચાહી તે વ્યક્તિ અચાનક જતી રહી, આ એક પણ બાબત જરાય સહેલી નથી. પરંતુ કોઈને કોઈ બાબત કોઈના જીવનમાં બની જ હશે ને ? હરિવંશરાયને યાદ કરો, ‘ઇન તૂટે તારોં પર અંબર ક્યા શોક મનાતા હૈ ?’ જીવન ક્યાંય ક્યારેય થંભતું નથી. આપણે ચાલવું દોડવું જ પડશે. ગમે તેવી ગંભીર બીમારી કે તકલીફને ગળે ઉતારી, પચાવીને દોડવું પડશે. ઈશ્વર પર, કુદરત પર અપાર શ્રદ્ધા રાખવી પડશે. ક્ષણિક હતાશા, ડિપ્રેશન, નકારાત્મકતા માનવીય સ્વભાવ છે. પણ આખરે લાઈફ લાઈફ છે – શો મસ્ટ ગો ઓન. તમે કહેશો ઈચ્છા, અરમાન, અપેક્ષા –

   ‘મેરા નામ જોકર’ ફિલ્મ જોઈ છે ને ? યાદ કરો એ સીન સરકસનાં તંબુમાં રાજુ, મા મા મા, મા ગઈ... આપણી ઈચ્છાઓ, અરમાનો અપેક્ષાઓ, આપણું કમ્ફર્ટ, આપણા લક્ષ્ય, બધું જ શબવત થઇને પડ્યું રહે તો ય આપણે તો શો કરવાનો જ છે. ભાઈ-તરહા તરહા નાચ કે દિખાના યહાં પડતાં હૈ, બાર બાર રોના ઔર ગાના યહાં પડતાં હૈ, હીરો સે જોકર બન જાના પડતાં હૈ. આપણે આપણી ભૂમિકા કરવાની જ છે. જીવન રંગમંચ છે કે ક્રિકેટનું મેદાન છે. આપણી મુસીબતો આપણી બીમારી છે, ઈશ્વરનું નામ સ્મરણ કેમોથેરાપી છે.


0 comments


Leave comment