13 - ખેમી / દ્વિરેફની વાતો – ૧ / રામનારાયણ વિ. પાઠક


   ‘અલ્યા, એમ ને એમ કેટલી દીવાસળીઓ બગાડવી છે? એક બાકસ બે દી તો પોંચાડય.’ ધનિયાએ બીડી સળગાવવા માટે એક ઉપર એક પાંચ દીવાસળીઓ સળગાવી એટલે ખેમીએ કહ્યું.

   ‘પણ આ જોને પવનેય કેવો ઊંધો થયો છે. દીવાસળી સળગવા જ નથી દેતો!’ ધનિયાએ ફરી બાકસ ઉઘાડયું.

   ‘લે, હું આડું લૂગડું ધરું.’ ખેમીએ લાજ કાઢવાનો છેડો લાંબો તાણ્યો અને ધનિયાની પાસે જઈ તેના મોઢા આગળ પવન આડો ધર્યો. ધનિયાની દીવાસળી સળગી. તે શ્વાસ અંદર લે અને મૂકે તે પ્રમાણે દીવાસળીનો પ્રકાશ ઝબક ઝબક થવા લાગ્યો. ધનિયો તેની પત્નીના જુવાન, ભરેલા, ઘઉંવર્ણા પણ ઉજ્જ્વલ, મોટી તેજસ્વી આંખોવાળા, નાકે મોટો કાંટો પહેરેલા મુખ સામે જોઈ રહ્યો. બીડીની લિજ્જત કરતાં તે નવોઢાના સૌંદર્યપાનમાં ગરકાવ થઈ ગયો. બીડી સળગી એટલે ખેમી મૂળ જગ્યાએ ખસવા જતી હતી તેને ધનિયાએ કહ્યું :
‘લે, મારા સમ, આઘી જા તો.’
‘ગાંડાં ન કાઢય, ગાંડાં,’ કહેતી ખેમી મૂળ જગ્યાએ ગઈ.
‘તારા સમ, ખેમી, તું મને બહુ વહાલી લાગછ!’
‘જો હજી એનું એ બોલ! આ આટલાં માણસો છે તેનું ભાન છે કે નથી?’
‘એ એમના ખાવામાં પડયાં છે. આપણી સામું કોણ જોવા બેઠું છે?’ નવપરિણીત દંપતી આવી માન્યતા નથી સેવતાં?’
   આજે ધનિયાના ઘરાક એક વાણિયાને ત્યાં નાત જમતી હતી એટલે બન્ને જણાં સારા જમણની ખુશાલીમાં જાજરૂનાં પગથિયાં પર બેઠાં બેઠાં એકાંત ગોષ્ઠી કરતાં હતાં. નાતમાં વાઘરી પડતાં અટકાવવા શેઠે તેને ત્યાં બેસાડયો હતો. બન્નેએ થોડા દિવસ ઉપર લગ્ન વખતે પહેરેલાં કપડાં પહેર્યાં હતાં. ધનિયાએ ઉપર ફટકો, નીચે અતલસનું જાકીટ, અને પગમાં મોજાં પહેર્યાં હતાં. ખેમીએ, એક સુવાસણ શેઠાણી ગુજરી ગયેલી તેનું સ્મશાનમાં કાઢી નાખેલું રેશમી વસ્ત્ર પહેર્યું હતું.
   ધનિયો બીડીની એક ફૂંક લઈને બોલ્યો : ‘ખેમી, તારી માએ ગમે તે માગ્યું હોત તો એ આપીને પણ હું તને પરણત.’
   ‘પણ મારી માએ કે દાડે તારી પાસેથી પાઈએ લીધી છે? હું તો ઊલટી તારા ઘરમાં લેતી આવી છું. મારી માએ તો બ્રાહ્મણ જેવો વિવા કર્યો છે.’
   ‘તારી મા તો બહુ ભલું માણસ, પણ તું કોણ જાણે ક્યાંથી આટલી ભૂંડી નીકળી.’

   ‘લે વળી, મેં તારું શું બગાડયું છે?’
   ‘જો ને પરણતાં પરણતાં કેટલા ચાળા કર્યા? દારૂ ન પીએ, ને ગાળ્યું ન કાઢે, ને હાથ ન ઉપાડે તો પરણું, નહિ તો ન પરણું. ને કોઈ દી એવું કરે તો એને ઊભો મેલીને હાલી જાઉં. આમ તે થાય?’
   ‘ન ક્યમ થાય? એ દારૂ પીને આવે ને ધિંગામસ્તી કરે, ને ન બોલવાનું બોલે એ મારાથી ન ખમાય જો. એ માર ખાઈ લે એ બીજાં!’
   ધનિયો ખેમીના સત્ય અને પ્રતાપ આગળ ધીમો પડી ગયો. ‘ઠીક લે, પણ હું ક્યાં પીવા જાઉં છું તે તું આમ ચડી ચડીને બોલે છે? મારે તો ગમે તેમ થાય પણ તને પરણવું’તું. તું નાની હતી, ને ગાતડી વાળીને તારી મા સાથે વાળવા નીકળતી ત્યારની મને બહુ ગમતી. તું આ ગાતડી વાળતાં ક્યાં શીખી, ખેમી?’ ધનિયાએ ખેમની છાતી ઉપર વાળેલી ગાંઠને સ્પર્શ કર્યો.

   ‘પડધરીમાં તો બધીય બાઈડિયું કામ કરતી વખતે એમ ગાતડી વાળે.’ ખેમીની મા મૂળ કાઠિયાવાડમાં પડધરીની રહેવાસી હતી. દુકાળના વરસમાં ખેમીને લઈને અહીં રહેવા આવી હતી. ‘પણ હેં ધનિયા, એ દારૂ શા સારુ તમે પીતા હશો? દારૂમાં તે શું છે એવું? તું તો કહેતો’તો ને કે દારૂ તો કડવો લાગે.’

   ‘ખેમી, કોક દી ગમે નહિ, તે દાડે પીવા જોયેં. બહુ થાકી ગયા હોઈએ ને ગમે નહિ ત્યારે પીયેં ત્યારે સારું થઈ જાય.’

   ખેમી થોડી વાર મૌન રહી. તેને ફરી પોતાનું સૌભાગ્ય અને સત્તા સાંભળવાની ઇચ્છા થઈ. તેણે પૂછયું : ‘હેં ધનિયા! મને બીજે પરણાવી હોત તો?’

   ‘અરે, હું નથી જોતો કોઈની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તે તને પરણે. ગમે ત્યાંથી તને ઉપાડી જાત.’

   ખેમીએ કહ્યું : ‘લે, રાખ્ય રાખ્ય. એવું અભિમાન ન કર્ય. આ દુનિયામાં શેરને માથે સવાશેર પડયા છે.’

   એટલામાં નાતમાં કોલાહલ થયો. એક કૂતરું અંદર પેસી ગયેલું તેણે એક ભાણું અભડાવ્યું અને તેને માર મારીને બહાર કાઢયું. શેઠ ચિડાયો. તેણે ગાંયજાને ખૂબ ધમકાવ્યો. ગાંયજાએ ભંગીનો વાંક કાઢયો, અને શેઠની બધી રીસ ભંગી ઉપર ઊતરી. ‘પોતે મોટા ગવંડર થઈને બેઠા છે, હાથમાં બીડી લઈને! અને કૂતરાં હંકાતાં નથી. ઊઠો અહીંથી, હરામજાદીનાં….’ તેણે એક માત્ર મારવું બાકી રાખ્યું.

   ધનિયા-ખેમીને ઘણું જ માઠું લાગ્યું. તેમના રંગમાં ભંગ પડયો. તેમનો બધો ઉલ્લાસ ઊડી ગયો. બન્ને કશું બોલ્યા વિના ઊઠી ચાલવા માંડયાં. ક્યાં જવું એ નક્કી નહોતું પણ ખેમી, સ્વાભાવિક રીતે કંઈક મનને વિનોદ મળે તેવાં દૃશ્યો તરફ જવાની પ્રેરણાથી રીચીરોડ ઉપર ચાલવા લાગી. ધનિયાને વધારે માઠું લાગ્યું હતું. ખેમી તેને આશ્વાસન આપવા લાગી. ધનિયાથી ત્યાં ન બોલાયું તે આટલી વારે અહીં બોલ્યો : ‘કૂતરાં હાંકવાનું કામ તો ગાંયજાનું હતું. તેમાં મારા પર શા સારું આટલા વાનાં કર્યાં?’ વળી ખેમીએ આશ્વાસન આપ્યું. ધનિયાને તેના મનમાં જે ખરું દુઃખ હતું તે કહ્યું : ‘બીજું કાંઈ નહિ, તારા દેખતાં એ એવું બોલી ગયો એ મારાથી નથી ખમાતું.’

   ખેમી ઊંડા વિચારમાં પડી ગઈ. પોતે ધનિયાને વાતે ચડાવ્યો અને વધારે અપમાન ધનિયાનું થયું તેનો અન્યાય એને ખૂંચવા લાગ્યો. ધનિયો ગમગીન થઈ મૂંગો મૂંગો ચાલતો હતો તેથી તેનો જીવ કળીએ કળીએ કપાતો હતો. રસ્તે ચાલતાં રાયખડને પીઠે જવાનો રસ્તો આવ્યો. ખેમીને યાદ આવ્યું કે ધનિયાને ગમતું નથી ત્યારે દારૂ પીવાથી સારું થાય છે. સ્ત્રીસુલભ કોમળતાથી તેણે છેડેથી અરધો રૂપિયો છોડીને ધનિયાને આપતાં કહ્યું : ‘હવે એમ ક્યાં સુધી મૂંગો રહીશ? જા, પણેથી દારૂ પી આવ. ઝટ પાછો આવજે. હું અહીં ઊભી છું.’ ધનિયો ખુશી થતો થતો એકદમ ગયો.

   ખેમી રાહ જોતી ઊભી હતી. પોતે દાર ન પીવાની શરત કરાવી હતી અને પોતે જ દારૂ પીવાના પૈસા આપ્યા તે ઠીક ન કર્યું, એમ તેને શંકા થવા લાગી. એટલામાં ધનિયો હરખાતો હરખાતો આવ્યો, અને કહેવા લાગ્યો : ‘ખેમી, જો હવે મને ઠીક થઈ ગયું છે. હું નહોતો કહેતો કે દારૂથી મને ઠીક થઈ જાય છે?’

   ખેમીએ કહ્યું : ‘હવે એ વાત મેલ્ય. પણ, ખબરદાર, જો બીજી વાર કોઈ દી પીધો તો! ઘરમાંથી કાઢી મૂકીશ.’

   ‘ના ખેમી, કોઈ દી ન પીઉં. તું મને બહુ ગમછ. હવે વાણિયાની નાત જહાનમમાં ગઈ. હું દારૂ પીઉં છું પણ મને કોઈ દી ચડતો નથી. જો અત્યારે પણ મારા બોલવામાં કાંઈ ફેર પડે છે? તું તો અમથી મારાથી ડરે છે. ગમે તેવો દારૂ પીઉં તોય તને ન મારું. તું મને કેટલી વહાલી લાગે છે…’ વગેરે બબડતો બબડતો ધનિયો ચાલવા લાગ્યો. ખેમી મૂંગી મૂંગી તેને લઈને આ બધા બનાવો ઉપર વિચાર કરતી કરતી ઘેર ગઈ.


   સાંજને પહોર, જે ગાતડી ઉપર ધનિયો અમદાવાદમાં મોહી પડયો હતો તે ગાતડી વાળી, ખેમી વાળે છે. પણ અત્યારે તે અમદાવાદમાં નથી. અત્યારે તેની પાસે ધનિયો નથી. છએક માસ ઉપર તેણે બંનેને છોડયાં છે. ઉપરના બનાવ પછી, દારૂ ન પીવાની લગ્નની શરત છતાં, કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી, કંઈક શરત પાળવી એ બૈરી આગળ નબળાઈ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચડતો નથી એવા પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી, કંઈક ખરાબ સોબતથી તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ ઘણી વાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી; પણ ધનિયાએ તે ખોટી માની ને ગણકારી નહિ; છેવટે એક દિવસ વધારે દારૂ પીને આવ્યો અને ‘મને મેલીને કોને જવાની છે’ એવા ગર્વમાં તેણે ખેમીને મારી. બીજે દિવસે ખેમી ચાલી નીકળી. તેની મા મરી ગઈ હતી તેથી તે નડિયાદ ગઈ, અને પરસોતમ નામના ભંગીઓના ઉપરી મ્યુનિસિપલ કારકુનને પગારમાંથી લાંચ આપવાનું ઠરાવી નોકર રહી. નડિયાદમાં તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મશ્કરીમાં જોડાતાં, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડયાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક ભંગીને તે ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૂછતી. તે ધનિયા પાસે જાય તો ધનિયો તેને ફરીથી પ્રેમથી રાખે તે જાણતી હતી, પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી તેની ટેક હતી. ધનિયો બોલાવે તે માટે તેણે માનતાઓ માની હતી છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું નહોતું; તેથી તે નિરાશ થતી જતી હતી અને તે નિરાશાથી ઉશ્કેરાઈ મનની બધી દાઝ લાંચ લેનાર પરસોતમ ઉપર કાઢતી હતી. તેણે તેની ચિડવણીનાં ગીત જોડયાં હતાં.

   ખેમી વાળતી હતી ત્યાં પાસેથી મંગીએ વાળતાં વાળતાં કહ્યું : ‘અલી ખેમલી, પેલું ગીત ગા જોઈએ.’

   ખેમી ધનિયાના વિચાર કરતી હતી. તેણે સહેજ ભાવે કહ્યું : ‘તું જ ગાને!’

   મંગીને ખેમી જેવું ગાતાં આવડતું નહોતું. તે બોલી : ‘પણ એનું ચોથું વેણ નથી બેસતું આવતું.’
‘તને ગાતાં નહિ આવડતું હોય.’
‘ત્યારે તું ગા જોઈએ.’
ખેમીને ચાનક ચડી. તેણે ગાયું :
ઓરો આવ્યને કેશલા, તારો ઓશલો કૂટઃ
ઓરો આવ્યને કેશલા, તને પાટુએ પીટું.
ઓરો આવ્યને કેશલા, તને ધોકણે ઢીબું;
ઓરો આવ્યને કેશલા, તારે પૂંછડે લીંબુ’

  લે. આમાં શું નથી બેસતું આવતું?
  ‘પણ એ તો બેસતું કહ્યું કહેવાય. પૂંછડે લીંબુ એમ કાંઈ કહેવાય?’
  ‘મૂછ હોય તો લીંબુ રાખે ના! એટલે આ તો પૂંછડે લીંબુ રાખે છે.’
   મંગી ખડખડાટ હસી. પરોસતમના ગોરા, ટૂંકા કપાળવાળા, લાંબા મોઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછો નહિ જેવી દેખાતી.

   બંને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરસોતમ નીકળ્યો. તેણે માથે વાળવાળી ટોપી પહેરી હતી. નીચે દેખાતા ખમીસ ઉપર કાળો હાફકૉટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળી સોટી હતી તે જોડાં ઉપર મારતો મારતો તે ચાલતો હતો. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહોતું, તેને કોઈએ પ્રત્યક્ષ રીતે કહ્યું નહોતું, છતાં કાવ્યવિવરણના કોઈ ગૂઢ નિયમથી તે સમજી ગયો હતો કે, ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું. ‘મનોમન સાક્ષી છે’ એ સૂત્ર જીવનના કોઈ પણ ક્ષેત્ર કરતાં ચિડવણીમાં સૌથી વધારે સાચું ઠરે છે. તેણે બૂમ પાડી : ‘એ હરામખોરો! કામ કરો કામ, રાગડા કેમ તાણો છો?’

   મંગી ખસિયાણી પડી ગઈ, તેણે ખેમીએ જવાબ આપ્યો : ‘ગાઈએ છીએ, પણ જુઓ છો ના, હા તો કામ કરે છે!’
  ‘હરામખોર, મારી સામે બોલે છે? ઉપરીનું અપમાન કરે છે?’
  ‘પણ હું તમને ક્યાં ગાઉં છું?’
  ‘તું ગામ આખામાં ગા ગા કરે છે અને મારું અપમાન કરે છે તે શું હું નથી સમજતો?’
   મંગી સામું મર્મની નજરે જોઈ ખેમી બોલી : ‘લે અલી, હું ક્યારેય પશાભાઈને ગાઉં છું? હું તો અમદાવાદમાં એક કેશલો હતો, તે ભંગીઓના પૈસા ખાતો, એને ગાઉં છું.’

   ‘હરામખોર પાછી મને સમજાવવા આવે છે? ઉપરીનું અપમાન કરે છે? અમે અમારા ઉપરીનું માન રાખીએ છીએ છે તે જોતી નથી? સામો જવાબ આપે છે?’

   ‘પણ ભાઈશાબ…’
   ‘બસ કર, હવે બકબકાટ ન કર. અમારે બીજું કામ છે. આમાં અંગૂઠો પાડી આપ એટલે પગાર આપું.’ તેણે પાસેના ઓટલા ઉપર પત્રક મૂક્યું. પહેલાં મંગીએ અંગૂઠો પાડી આપ્યો એટલે તેણે ખેમીને અંગૂઠો પાડવાનું કહ્યું.

   ‘પહેલાં મને પગાર આપો, પછી અંગૂઠો પાડું.’
   ‘શું તું શાહુકાર અને સરકાર ચોર? સરકારી નિયમ પ્રમાણે થશે. પહેલાં અંગૂઠો આપ પછી પગાર મળશે.’

   ‘ત્યારે લ્યો આ અંગૂઠો’ કહી અંગૂઠો પરસોતમને બતાવી ખેમીએ અંગૂઠો પાડી આપ્યો. પરસોતમે એ જોયું ખરું પણ તેને આ ચિડાવાનો સમય નહોતો. બંનેના પગારમાંથી અરધો અરધો રૂપિયા કાપી બાકીના સાડા નવ રૂપિયા તેણે નીચે નાખ્યા. મંગીએ પોતાના પૈસા લઈ લીધા. ખેમીએ કહ્યું : ‘મને પૂરા આપો તો લઈશ, નહિ તો નહિ લઉં.’

   ‘ન લે તો ભલે પડયા ભોંય પર, હું તો જાઉં છું.’ તે ચાલવા જતો હતો ત્યાં ખેમીએ લાંબો સાવરણો સામી ભીંતે અડાડી તેનો રસ્તો રોક્યો : ‘એમ તે કેમ જવાશે?’

   એટલામાં બીજા જિલ્લાના ભંગી આવ્યાં. પરસોતમે જોયું કે ખેમી સાથે પોતે ફાવશે નહિ અને બીજાં ભંગી આગળ તે હલકો પડશે એટલે તેણે ટૂંકું કરવા કહ્યું : ‘લે, તારા પૈસા, પેલો અરધો પાછો લાવ.’
‘પહેલાં રૂપિયો આપો એટલે આપું.’
   પરસોતમે રૂપિયો નીચે ફેંક્યો એટલે ખેમીએ સાવરણો લઈ લીધો અને રૂપિયા નીચે નમી લેવા માંડયા. પરસોતમે ફરી નીચે પડેલો અરધો માગ્યો.

   ‘ઊભા તો રહો. ખખડાવી તો જોવા દ્યો.’ બીજા સામું જોતી જોતી તે રૂપિયા ખખડાવવા લાગી.
   પરસોતમે ફરી અરધો માગ્યો.

   ‘મને તો નથી જડતો’ કહી ખેમી ચાલવા લાગી. પરસોતમને નીચે નમી ધૂળમાંથી તે અરધો લેવો પડયો.

   આજે ભંગિયાંને ખેમી માટે આશ્ચર્ય સાથે માન થયું. તેણે ગીત ઉપાડયું અને બધાં ભંગી ગાવા લાગ્યાં :
‘ઓરો આવ્યાને કેશલા, તારો ઓશલો કૂટું;
ઓરો આવ્યને કેશલા, તને પાટુએ પીટું;
ઓરો આવ્યને કેશલા, તને ધોકણે ઢીબું;
ઓરો આવ્યને કેશલા, તારે પૂંછડે લીંબુ.’

   રસ્તે ચાલતાં માણસો અને સ્ટેશનેથી આવતાં ઉતારુઓ આ વિચિત્ર ગીત સાંભળવા ઊભાં રહેતાં હતાં. એટલામાં એક અવાજ આવ્યો :
‘અલી ખેમી, આમ તો આવ્ય.’
   ખેમી તરત ગાતી બંધ પડી, ઊભી રહી ગઈ. અવાજ આવ્યો તે શેરીમાં તેણે જોયું અને તે તરફ ચાલી ગઈ.

   તેની સાસુ તેને બોલાવવા આવી હતી.


   ધનિયો અને ખેમીના પહેલા ત્રણ દિવસો અકથ્ય આનંદમાં અને ખાવાપીવામાં ગયા. ચોથે દિવસે રાત્રે ધનિયો અને ખેમી વાતો કરવા બેઠાં. નડિયાદમાં ખેમી કેમ રહેતી, તેનાં ગીતો, તેની બીજા ભંગીઓ સાથેની ગમતો બધું સાંભળીને ધનિયો બોલ્યો : ‘ખેમી, તું કઠણ હૈયાની તો ખરી હોં. મને અહીં ગમતું નહોતું ને તું ત્યાં મજા કરતી હતી.’
  ‘મનેય ગમતું નહોતું, પણ તું બોલાવે નહીં ત્યાં સુધી મારાથી કેમ અવાય?’
  ‘હું તને શી રીતે બોલાવું? મારો ગુનો થઈ ગયો તે મારા પગ ભારે થઈ ગયા. માને કહેતો હતો, પણ એ કહે : ‘એકબે દીમાં આવશે, કેટલાક દી રહેશે?’ પણ તું વટનો કટકો!’
  ‘તારો ગુનો, તે તારે બોલાવવી જોઈએ ના!’
  ‘પણ ભદ્રકાળી માતાનું સાચ ભારે.’
  ‘એમ કેમ?’
   ‘જો, પહેલાં રામદે પીરની માનતા માની તોય તું ન આવી, પછી હરખશા માતાની માની, ઝાંપડા માતાની માની, તોય તું ન આવી. પછી ભદ્રકાળીની માનતા માની. ઘેર ગયો ત્યારે મારી મા કહે : અલ્યા ધનિયા, તું બહુ સુકાતો જાછ. લે તને બીજી પરણાવું. મેં કહ્યું : ‘મારે બીજી નથી પરણવી. મારે તો ખેમી આવે તો હા નહિ તો ના. પછી મારી મા તને તેડવા આવી.’
  ‘મેં ય કેટલી માન્યતાઓ માની ત્યારે તારી મા મને બોલાવવા આવી.’
  ‘તેં કોની કોની માની?’
  ‘મેંય રામદે પીરની માની. પછી નડિયાદમાં સંતરામ મહારાજનો થાળ માન્યો. પછી મહાકાળીની જાતર માની.’
   ‘અરરર ખેમી,’ ધનિયા ઉપર જાણે વજ્રપાત થયો. ‘તેં ભૂંડું કર્યું. તારી માનતાના સાઠ રૂપિયા થયા, મારી માનતાના પચાસ થયા. લગન ખરચના બસોઅઢીસો ઊભા છે ને પેલો પટેલિયો હમેશ આંટા ખાધા જ કરે છે. આ ક્યારે ભરી રહીશ હું? ને ભદ્રકાળી તો હાજરાહજૂર છે!’ કયા દેવની માનતાથી બંને ભેગાં થઈ શક્યાં તે નક્કી ન હોવાથી બધી માનતા પૂરી કર્યા વગર છૂટકો નહોતો.

   ‘અરે એમાં શું? ચારસો રૂપિયા તો હમણાં ભરી દઈશું. મારાં ઘરેણાં વેચીને ભરજે.’ ખેમીએ સાન્ત્વન આપ્યું.

   ‘અરે હજી તો પંચનો દંડ ભરવાનો છે તે તો મેં તને કહ્યું નથી.’ ઊંચીનીચી નાતોની અનંત શ્રેણીવાળા આપણા સમાજમાં દરેક નાતને પોતાનાથી નીચું કોઈક જોઈએ છે. અમદાવાદમાં ભંગી કાઠિયાવાડથી આવેલાં ભંગીને હલકાં ગણતાં. ધનિયાને પરણતી વખતે બંને પંચોને જમાડવાં પડેલાં. ખેમી જતી રહી એટલે કાઠિયાવાડી પંચ ભેગું થયું. તે પંચે અંદર અંદર મસલત ચલાવી. પછી અમદાવાદના પંચને વાત કરી. પછી અમદાવાદનું પંચ મળ્યું. એટલામાં ખેમી પાછી આવી. હવે દંડ કરવાનો તો રહ્યો નહિ, પણ આટલા દિવસ ખાધું તેના ખરચના પૈસા બંને પંચે ધનિયા માથે ચડાવ્યા. આપણા સમાજમાં નાતની રૂઢિઓ અને નાતના ઠરાવો કુદરતી બનાવો જેવા અનિવાર્ય અને અપ્રતિરોધ્ય ગણાય છે.

   આ બધું સાંભળી ખેમી પણ હેબકાઈ ગઈ, પણ તેણે તેમ છતાં આશ્વાસન આપ્યું. પુરુષને હિંમત હારતો જુએ છે ત્યારે સ્ત્રીમાં ઓર જ હિંમત આવે છે.

   આ ધનિયાને સાન્ત્વન વળ્યું નહિ. હતાશ થઈ તે ખેમીના ખોળામાં ઊંઘી ગયો. અને ખેમી પણ ચિંતામાં ઊંઘી ગઈ. ત્રણ દિવસનું સુખ ભોગવી આ દંપતી પાછાં દુઃખી સંસારમાં ડૂબ્યાં.

   બીજે દિવસે ખેમીએ ઘરેણાં કાઢી આપ્યાં અને વેચવા કહ્યું. પણ બૈરીને અડવી જોવાનો વિચારર નહિ ખમાયાથી વેચવાને બદલે ધનિયે તેને ઘરેણે મૂકી રૂપિયા ઉપાડયા. તેણે વેચ્યાં હોત તો ઠીક રકમ ભરાત, પણ ઘરેણે મૂકવાથી રકમ થોડી મળી અને છેવટે વ્યાજમાં ઘરેણાં ડૂબી ગયાં. ધનિયો કે ખેમી કોઈ આ સમજ્યાં નહિ. બંનેએ બને તેટલા પૈસા બચાવી ભરવા માંડયા. એટલામાં ધનિયાની મા મરી ગઈ. તેનું સોએક રૂપિયા ખરચ થયું. ત્રણ મહિના પછી ખેમીને સુવાવડ આવી. એટલે તે કમાતી મટી. સુવાવડ દરમિયાન ધનિયાને ખેમીનું સાન્ત્વન ઓછું થયું અને ચિંતામાંથી મુક્ત થવા તે દારૂ તરફ વળ્યો.

   ખેમી સુવાવડમાંથી ઊઠી ત્યારે તેણે જોયું કે ધનિયો પાછો પીવા માંડયો હતો. તેણે ધનિયાને ફરી ધમકાવ્યો. પણ હવે તેની ધમકીમાં તિરસ્કાર નહોતો, દયા હતી. તેને લાગતું હતું કે ધનિયાની આ દશા માટે પોતે જ જવાબદાર છે, છતાં એક દિવસ કઠણ થઈને ધમકાવ્યો. ધનિયો કાંઈ બોલ્યો નહિ પણ રાત્રે ઘેર પાછો ન આવ્યો. ખેમી તેને રીચીરોડના ફૂટપાથ પરથી શોધીને ઘેર લઈ ગઈ. ખેમી તેને સમજાવતી, પણ તેનો જવાબ ધનિયો માત્ર નઃશ્વાસથી આપતો. હવે ખેમીનું હૃદય માત્ર દ્રવતું હતું. તેને શિખામણ દેવા જેટલી કડકાઈ તેનામાં રહી નહોતી.

   એક દિવસ શિયાળાની રાત્રે ખૂબ ઠંડીમાં ધનિયો ઘેર ન આવ્યો. ખેમી બે વરસની બાળકીને ઘરમાં રડતી પૂરી શોધવા નીકળી. બે કલાકે તેણે નદીની રેતમાં પડેલો જોયો. તેને ઉઠાડીને ધીમે ધીમે ઘેર લઈ ગઈ. બીજા દિવસથી ધનિયાને ન્યુમોનિયા થયો. ખેમીએ ફરી માનતાઓ માની, ભૂવાને બોલાવ્યો, તેણે નવી માનતાઓ આપી. પણ ખેમીનો ધનિયો ઊઠયો નહિ. ખેમી રાંડી.


   વૈધવ્યનો શોક ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. તેને બીજું કાંઈ નહિ પણ ધનિયો માનતા સોતો ગયો એનો શોક ઘણો થતો હતો. એથી તેના જીવને શું શું ખમવું પડશે તેની તેને શંકાઓ થયાં કરતી અને ઉપાય સૂઝતો નહોતો.

   એક દિવસ ખેમી રીચીરોડ વાળતી હતી. હવે તે ગાતડી વાળતી નહોતી. વાળતાં વાળતાં તેને ધનિયાની માનતાના વિચાર થવા લાગ્યા. ત્યાં તેણે સામે ઓટલા પાસે એક બ્રાહ્મણને જોયો. તેણે કપાળમાં આડું મોટું ત્રિપુંડ તાણેલું હતું, વચ્ચે મોટો ચાંલ્લો કરેલો હતો, અને નાક ઉપર પાતળી કાળી આડ કરેલી હતી. માથે ફાટેલી દક્ષિણી પાઘડી મૂકી હતી; હાથના કાંડામાં રુદ્રાક્ષનો બેરખો અને ગળે રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી. મહારાજ ઓટલો સાફ કરી તેના પર આસન પાથરી, સામે એક પાટી, પેન, હાથનાં રેખાદર્શક ચિત્રો, ટીપણું અને તે પર રમળના પાસા ગોઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઈ મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું : ‘મહારાજ, મારે સવાલ પૂછવો છે.’ તો ચાર આના નીચે પગથિયા પર મૂક.’ મહારાજને ખેમીનો પડછાયો અપવિત્ર હતો, તેના પૈસા અપવિત્ર નહોતા. ખેમીએ પાવલી મૂકી, મહારાજે છાંટ નાખી લઈ લીધી. પછી કહ્યું : ‘પૂછ હવે.’

   ‘મહારાજ, કોઈનો ધણી માનતા સોતો મરી ગયો હોય, તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે? બરાબર જોજો મહારાજ.’

   આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું : ‘હા.’

   ‘સારું મહારાજ,’ કહી ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું : ‘પણ નાતરે જાય તો ન પહોંચે.’ ખેમી પગે લાગી ચાલી ગઈ.

    ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડયા. ખેમીની કળા પડી ગઈ હતી, પણ તેનું સૌંદર્ય ઓછું થયું નહોતું. ઘણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યો.

   સાત વરસે તે ધનિયાની માનતાઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ઘરઘવા કહેવરાવ્યું. તેણે જવાબ આપ્યો : ‘ના, ના, આટલે વરસે મારે જીવતર પર થીગડું નથી દેવું!’

000


0 comments


Leave comment