17 - પ્રીત કરો ત્યાં પૂનમ, ગોરી / તુષાર શુક્લ


પ્રીત કરો ત્યાં પૂનમ, ગોરી
રીસ કરો તો અમાસ
અડકો ત્યાં તો અજવાળાનો
ઉમંગ ઉત્સવ રાસ

સ્પર્શ તમારો સોનલ સોનલ
રેશમ રેશમ રૂપ
નિત નિત નવલા ગોરાંદેના
નિત નિત નવાં સ્વરૂપ
વરસો ત્યારે સાવન, ગોરી
મ્હેકો ત્યાં મધુમાસ

પળમાં રીઝો, પળમાં ખીજો
પળમાં વ્હાણું વાય
એક રાતના પાલવ આડે
કેટલા રૂપ સમાય ?
આવો, આજે ઓગળીએ ને
રેલવીએ રે સુવાસ.


0 comments


Leave comment