18 - તમે કરો દિલ ચોરી વ્હાલમ / તુષાર શુક્લ


તમે કરો દિલ ચોરી વ્હાલમ
અમે તો કરીએ પ્રીત
લાભ ખોટના સરવાળાની
પ્રીત ન જાણે રીત

દરિયાકાંઠે દિલચોરીની તમે કરો છો વાત
મારી અંદર વ્હાલનો દરિયો ઘૂઘવે છે દિનરાત
જ્યાંથી અટક્યો શબ્દ
સ્પર્શનું ત્યાંથી ગાવું ગીત.

નદીઓ કેરા નેહની દરિયે ઠલવાતી સોગાત
હૈયા કેરાં હેત ન જાણે હિસાબની પંચાત
ઘેલું મારું હૈયું વ્હાલમ
કેવાં હાર ને જીત ?

હૈયું ઝંખે, સાથમાં તારા, ડગલા માંડું સાત
વ્હાલમ, વર્તે એમ તું, જાણે શમણાંનો સંગાથ
દરિયા સંગે ડાહ્યો શાને
બનતો, ઘેલા મીત ?


0 comments


Leave comment