19 - એક ટીપાંની લાગી તરસ / તુષાર શુક્લ
એક ટીપાંની લાગી તરસ
એમાં આ આભલાને અમથું કહી દીધું કે
મૂશળની ધારે વરસ.
વાદળની પાસે કૈં હોય નહીં,
માણસની તરસ્યુંને માપવાના યંત્રો
વૃક્ષો ભણે છે આ વાદળની ભાષામાં
લીલાછમ વરસાદી મંત્રો
પર્ણોની વેદી પર વર્ષાનો હોમ
કેવા યજ્ઞો રચાયા સરસ !
વાદળ કૈં માપીને વરસે નહીં, કે
એ તો આપણે જ વરસાદો માપીએ
વરલીના આંકડાની માફક વરસાદનાંય
આંકડાઓ છાપામાં છાપીએ
માપે એ પામે નહીં, પામે એ માપે નહીં
સમજી લ્યો અરસ પરસ
0 comments
Leave comment