20 - તાળી લેવાને તેં લંબાવ્યો હાથ / તુષાર શુક્લ


તાળી લેવાને તેં લંબાવ્યો હાથ
ને મેં મૂક્યું ત્યાં મોગરાનું ફૂલ
એમાં એવડી તે શી થઈ ગઈ ભૂલ ?

ખાલી ખમ હાથ જોઈ લાગ્યું મને
કે જાણે ફૂલ રે વિનાની સૂની ડાળી
ડાળીની સુંદરતા ફૂલથી વધે છે
એવું માનતો’તો મનડાનો માળી
સુંદરની સુંદરતા વધશે એમ માનીને
મેં ય કહ્યું ફૂલ ને: જા, ઝૂલ !
-એમાં એવડી તે શી થઈ ગઈ ભૂલ ?

સૂની હથેળીમાં મૂક્યો જ્યાં મોગરો
ત્યાં શુક્ર તણા ગ્રહનો મુકામ
જોતા જોતામાં તો મ્હોરી ઊઠ્યું રે
આખું કોરી હસ્તરેખાનું ગામ
મુઠ્ઠી વાળે ન પાછી વળશે સુવાસ
એ તો તું યે કરશેને કબૂલ?

તાળી લેવાને તેં લંબાવ્યો હાથ
ને મેં મૂક્યું ત્યાં મોગરાનું ફૂલ
એમાં એવડી તે શી થઈ ગઈ ભૂલ?


0 comments


Leave comment