21 - મારી આંખોમાં શમણું કોઈ આંજ, / તુષાર શુક્લ


મારી આંખોમાં શમણું કોઈ આંજ, મારા સાયબા
જોતાં જોતાંમાં ઢળી સ્હાંજ.

દરિયાની રેતીમાં નામ તારું લખતી,
ને વાંચી શરમાય મારી આંગળી.
વેઢા સમાણું સ્હેજ ઊંડે ગઈ ને ત્યાં જ
ટેરવાંને સ્પર્શી ગઈ માછલી,
મને પાણી જેવું તો કૈં આપ, મારા સાયબા
જોતાં જોતાંમાં ઢળી સ્હાંજ.

પાલવમાં ફરફરતો બાંધુ પવન
અને આંખો તો નાળિયેરી પાન,
લીલોછમ કેફ મારી નસનસમાં દોડતો
ને ભૂલી ગઈ હુંય સાનભાન,
મને મારગડો તું ય ના બતાવ, મારા સાયબા ?
જોતાં જોતાંમાં ઢળી સ્હાંજ.

શબ્દોના ઉઝરડા હોઠ પરે ઝમતાં
ને ખાલીપો તરસે છે હાથમાં
સ્પર્શી શકાય નહીં એટલો તું દૂર
પછી ચાલ્યાનો અર્થ શું ય સાથમાં?
મને ચૂમી લીધાનું સુખ આપ, મારા સાયબા
જોતાં જોતાંમાં ઢળી સ્હાંજ.

ધસમસતાં મોજાં ને કાંઠે કાંઠે જ હું તો
ઝંખનાની પગલીઓ પાડતી,
કોરા આ પાલવમાં ભેગાં કરીને હું તો
શંખ અને છીપલાં રમાડતી,
મને મેંદી જેવું તો કૈંક આપ, મારા સાયબા
જોતાં જોતાંમાં ઢળી સ્હાંજ.


0 comments


Leave comment