22 - મારી શેરીમાં મ્હોર્યો ગુલમ્હોર / તુષાર શુક્લ


મારી શેરીમાં મ્હોર્યો ગુલમ્હોર મારા સાયબા
ને આંગણમાં મ્હોર્યો છે તું................... જાણે મારું હૈયું ને હું.

મારી શેરીમાં ઝૂકેલી ચંપાની ડાળ
અને આંગણમાં ઝૂકેલી તું................ જાણે મારું હૈયું ને હું.

મોસમનો ધોધમાર તડકો પડે
ને એમાં વગડો આ ઊભો ભીંજાય,
ગુલમ્હોરી સપનાની ભાષાનો ભેદ
એમ સૌથી ના સમજ્યો સમજાય.
મારા આંગણામાં મ્હોરેલી મોગરાની ડાળ
ને આંખોમાં મ્હોરી એક તું..................જાણે મારું હૈયું ને હું.

આંખોમાં લ્હેરાતો પ્રીતિનો પાલવ
ને હાથોમાં મ્હેંદી રચાય.
ઓચિંતા સોળ સોળ ટહુક્યા જ્યાં મોરલા
કે ધસમસતા નીર ના ખળાય
મારા આંગણમાં કોળ્યો ગરમાળો, ઓ સાયબા
ને આંખોમાં કોળ્યો એક તું............................. જાણે મારું હૈયું ને હું.

મનગમતો સાથ મળ્યો મેળાને મારગે
કે ટહુકાનાં ફુલો વેરાય
બળબળતા ઉનાળે કોરા આકાશ મહીં
આષાઢી વાદળ ઘેરાય.
મારે રૂંવાડે ટીમરુના ઝાડ મારી રાણી
અને મનડાંમાં મ્હેકે છે તું............... જાણે મારું હૈયું ને હું.

નળિયેથી ચાંદરણું રમવા આવે
ને પછી ઓઢણી આ અમથું લ્હેરાય.
કમખાના આભલામાં તારું આ ઝગમગવું
મુંથી ના જીરવ્યું જીરવાય.
મારા ઉંબર પર મ્હેકી ગૈ મહુડાની મ્હેક
અને આંખોમાં બ્હેકે છે તું........................જાણે મારું હૈયું ને હું.


0 comments


Leave comment