23 - લાવ હથેલી તારી / તુષાર શુક્લ
લાવ હથેળી તારી
એમાં આજ લખી દઉં સંબંધોનું નામ
હાથ ને છેડે વસી હથેલી, પતંગિયાનું ગામ.
પતંગિયાં તે પતંગિયાં કંઈ ઉડતાં ટોળાબંધ
મ્હેક મ્હેક આ ગામ કે એને સુગંધથી સંબંધ
આવ, આંખમાં આંજી દઉં હું સંબંધોનું નામ
આંખ તે કેવી આંખ કે જાણે પતંગિયાનું ગામ
પતંગિયા તે પતંગિયા, રહે આંખોમાં અકબંધ
અજવાળાના ગામમાં વરસે અજવાળાની સુગંધ
આવ, આપણા હોવાને દઉં સંબંધોનું નામ
હોવું તે કંઇ હોવું જાણે પતંગિયાનું ગામ
પતંગિયા તે પતંગિયાં છે એને શેના બંધ ?
રંગ રંગ આ હોવું, આપણે રંગોના અનુબંધ.
આપણે રંગોના અનુબંધ.
0 comments
Leave comment