24 - એમ પૂછીને થાય નહીં પ્રેમ / તુષાર શુક્લ
એમ પૂછીને થાય નહીં પ્રેમ
દરિયાના મોજાં કૈં રેતીને પૂછે
તને ભીંજાવું ગમશે કે કેમ?
ચાહવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી
એકનો પર્યાય થાય બીજું
આંખોનો આવકારો વાંચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે: ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દ્યો તમે રે ભાઇ
અંતે તો હેમનું હેમ
પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો
પછી કાયમના રહેશો પ્રવાસી
મન મૂકી મ્હોરશો તો મળશે મૂકામ
એનું સરનામું સામી અગાસી
મનગમતો મોગરો મળશે, વટાવશો
વાંધાની વાડ જેમ જેમ.
0 comments
Leave comment