3.2 - અંક બીજો – દૃશ્ય - ૨ / મિલીના ઘર તરફ / યામિની વ્યાસ


(ડૉ. શ્રીનિવાસનની ચેમ્બર. ડૉ. શ્રીનિવાસન અને ડૉ. મિલી ગંભીર ચર્ચા કરતા હોય..)

ડૉ. મિલી : પણ સર, આ રીતે કોઈને મદદ કરવામાં વાંધો શું ?
ડૉ. શ્રીનિવાસન : મિલી, આફટર ઓલ યુ આર એ ડૉક્ટર... એટલે જ તને...
ડૉ મિલી : એટલે ડૉક્ટર કોઈને મદદ ન કરી શકે ?
ડૉ. શ્રીનિવાસન : જરૂર કરી શકે, ડૉક્ટરોનું કામ જ દર્દીઓને મદદ કરવાનું છે પણ...
ડૉ. મિલી : પણ શું સર...?
ડૉ. શ્રીનિવાસન : આપણે પેશન્ટોને બચાવવા આપણાથી બનતા બધા જ પ્રયત્નો કરીએ પણ ઉપરવાળાની મરજી વગર કંઈ થઈ શકતું નથી.

ડૉ. મિલી : પણ આપણે આપણાથી બનતા પ્રયત્નો તો કરવા જ જોઈએ ને...?
ડૉ. શ્રીનિવાસન : અફકોર્સ....
ડૉ. મિલી : હું એ જ કરી રહી છું સર...! મારી એક કીડની આપવાથી પેશન્ટ બચી શકે એમ છે.
ડૉ. શ્રીનિવાસન : જો મિલી, તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર.... તું આમ તારી કીડની નહીં આપી શકે...
ડૉ મિલી : કેમ નહીં આપી શકે ?
ડૉ. શ્રીનિવાસન : કારણ, કોઈ પણ દર્દીને તેના ફેમિલીમાંથી.. આઈ મીન બ્લડ રીલેટેડ વ્યક્તિ જ કીડની આપી શકે... મેડીકલ એક્ટ એવું કહે છે.
ડૉ. મિલી : એ તો હું પણ જાણું છું સર.

ડૉ. શ્રીનિવાસન : એટલે જ તું મિસિસ ભાટિયાને તારી કીડની ડૉનેટ કરે તો તે લીગલી ન કહેવાય... તારા ઉપર મેડીકોલીગલ કેસ થઈ શકે છે. મિલી, તું એક ડૉક્ટર છે... તારી સામે તારી આખી કેરિયર પડી છે... અને હું નથી ઈચ્છતો કે તારી ડૉક્ટની કેરિયર ઉપર કોઈ ડાઘ લાગે.
ડૉ મિલી : પણ સર... હું કોઈ નીડી પરસનને મારી કીડની ડૉનેટ કરું છું તો એમાં મારી કેરિયરને શું વાંધો આવી શકે ?
ડૉ. શ્રીનિવાસન : કારણ લૉ એવું કહે છે... કે તમે તમારા શરીરનું કોઈ પણ જીવતું અંગ કોઈને વેચી ન શકો..
ડૉ. મિલી : હું ક્યાં મારી કીડની વેચવા નીકળી છું. હું તો માત્ર માનવતા ખાતર તેને ડૉનેટ કરવા માંગુ છું.
ડૉ. શ્રીનિવાસન : તારી આ વાત કોણ માનશે... કોઈ એક અજાણી વ્યક્તિને કોઈ શું કામ પોતાની કીડની આપે.. ?

ડૉ. મિલી : સર.. શુભાંગી આન્ટી મારે માટે અજાણી વ્યક્તિ નથી રહ્યા... થોડા સમયમાં જ આત્મીય બની ગયા છે... હું જે દિવસથી આન્ટીના પરિવારમાં આવી તે દિવસથી જ મને એવું લાગતું કે... જાણે હું ઘણા સમયથી એમને ઓળખું છે... રીયલી સર !
ડૉ. શ્રીનિવાસન : જો મિલી... મેં પણ હંમેશા તને મારી દીકરી જેવી ગણી છે... એટલે કહું છું... લાઈફમાં ઘણીવાર પ્રેક્ટીકલ પણ બનવું જરૂરી હોય છે... આ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દીઓ આપણે માટે મહત્વના હોય છે પણ... દરેક દર્દીઓને આપણે આવી મદદ તો ન જ કરી શકીએ ને ?
ડૉ. મિલી : માફ કરજો સર... મને તમારી વાત સમજાતી નથી...

ડૉ. શ્રીનિવાસન : સમજાતી નથી કે સમજવા માંગતી નથી.. તારા આવા આરગ્યુમેન્ટસ તું કોની સામે કરશે...? તને તો ખબર હશે જ કે દરેક કીડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરને પોતાની એક એથીકલ કમિટી હોય છે અને... તું તારી વાત કેવી રીતે સમજાવી શકીશ કે... આ માત્ર ડૉનેશન છે. આમાં પૈસાની કોઈ જ લેવડ–દેવડ નથી થઈ.
ડૉ. મિલી : તો એવી વ્યક્તિ જેને પોતાના કુટુંબીજન પાસેથી કીડની મળવાની કોઈ જ સંભાવના ન હોય તેઓ ને જીવવાનો કોઈ જ અધિકાર નથી...? આનો કોઈ રસ્તો નથી...?
ડૉ. શ્રીનિવાસન : છે... બ્રેઈન ડેડ બોડીમાંથી કાઢેલી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય... અને તે પણ બ્રેઈન ડેડ બોડીના રીલેટીવ્સની સંમતિ હોય તો.
ડૉ. મિલી : પણ સર... આવી બ્રેઈન ડેડ બોડી મળવી... પછી એક કીડની મેચ થવી... કેટલું મુશ્કેલ છે નહીં..?
ડૉ. શ્રીનિવાસન : Yes

ડૉ. મિલી : તો આનો પણ કોઈ રસ્તો તો હશે જ ને...?
ડૉ. શ્રીનિવાસન : માત્ર એક જ રસ્તો છે
ડૉ. મિલી : છે ?
ડૉ. શ્રીનિવાસન : હા... ડૉનેર પોતે રેસીપીએન્ટ સાથે ઈમોશનલી અટેચ્ડ છે એવું સાબિત કરી શકે તો...!
ડૉ. મિલી: મને મારી જાત પર વિશ્વાસ છે...
ડૉ. શ્રીનિવાસન : પણ તું તો જાણે છે કે કીડની ડૉનેટ કરવા માટે મેજર ઓપરેશન કરાવવું પડે છે.. અને કેટલું રીસ્ક છે.

ડૉ. મિલી : સર... કોઈ પણ સારું કામ કરવા માટે રીસ્ક તો લેવું જ પડે ને !
ડૉ. શ્રીનિવાસન : હું તને આ રીસ્ક નહીં લેવા દઉં.. તારા ઉપર મારો એટલો અધિકાર તો છે જ ને ?
ડૉ. મિલી : સર હું નાની હતી ત્યારથી તમે... મને અને મારા બાપુને જાણો છો... મારા બાપુએ મને કેવી મુશ્કેલીઓ વચ્ચે ભણાવી... ગણાવી... ડૉક્ટર બનાવી... જયારે બીજી બાજુ મારી મા... તેના હાર્ટ પ્રોબ્લેમને કારણે... એની જીંદગીના બાકી બચેલા શ્વાસો ગણી રહી હોય એવું મને લાગતું... આટલું મેજર ઓપરેશન તો.. આપણી ઇન્સ્ટીટયુટમાં થઈ જાય પણ તે સિવાયનો ખર્ચ.... હું આ બાબતથી ચિંતિત હતી... અને આ વાતની જાણ દુર્ગાદેવીને થઈ... અને એમણે મને એમની ઓફિસમાં બોલાવી... મારી વાત જાણ્યા પછી કહ્યું.

દુર્ગાદેવીનો અવાજ : જો મિલી... અમે એટલે અમારું ચેરીટેબલ ટ્રસ્ટ, તારી મધરને એક પેશન્ટ તરીકે એડપ્ટ કરવા માંગીએ છીએ... તારી મધરના ઈલાજનો આજીવન તમામ ખર્ચ અમારા આ ટ્રસ્ટમાંથી થશે...જો તને વાંધો ન હોય તો...( વૉઈસ ઓવર પૂરો)

ડૉ. મિલી : આ વાત સાંભળતાં જ મારી તમામ મુશ્કેલીઓનો જાણે અંત આવી ગયો... પણ એમણે મારી સમક્ષ એક શરત મૂકી હતી... કે મારે આ વાતની જાણ કોઈને પણ ન કરવી... તેમના પોતાના એથીક્સને લીધે... મેં આજ દિન સુધી આ વાતની જાણ મારા બાપુને પણ નથી કરી... પણ આજે... ન છૂટકે તમને કરી રહી છું... સર, તે દિવસથી હું જાણે કોઈના ઉપકારના બોજ હેઠળ કચડાઈ રહી હોઉં તેવું લાગતું હતું... ભલેને આ બાબત તેઓ માટે બાહુ મોટી ન હોય... પણ મારે માટે તો બહુ જ મોટી છે... જો કોઈ મારા કુટુંબને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકતું હોય તો હું કેમ કંઈ નહીં કરી શકું... અને એટલે જ મેં આ ડિસિઝન લીધું... એટલિસ્ટ હું તેમનું ઋણ તો ચૂકવી શકું...

ડૉ. શ્રીનિવાસન : મિલી... આજ સુધી તો હું તને નાનકડી મિલી જ સમજતો હતો... પણ તું તો મોટી થઈ ગઈ... બહુ જ મોટી... એથિક્સ કમિટીને તારી વાત સમજાવવા હું તારી સાથે છે.
ડૉ. મિલી : થેંક્યુ સર... મને આશીર્વાદ આપો સર... !
(અંધકાર)


0 comments


Leave comment