2 - સર્જક પરિચય / તારો અવાજ / સુરેશ દલાલ


     સર્જક હર્ષદ ત્રિવેદી માટે મને ઉમળકો છે અને તંત્રી હર્ષદ ત્રિવેદી માટે મને માન છે. ‘શબ્દસૃષ્ટિ’માં તંત્રી તરીકે જે કર્મ કરી ગયા છે એ દાદ માગી લે એવું છે. કહો કે એ સામયિકનો એમણે કાયાકલ્પ અને માયાકલ્પ કરી નાખ્યો છે. નવું સામયિક શરુ કરવું સહેલું છે, પણ જેની મથરાવટી મેલી થઈ ગઈ હોય એવા સામયિકને નવું રૂપ આપવું એ મડદાંને બેઠા કરવા જેવી વાત છે. કવિ તરીકે હર્ષદ ત્રિવેદી ગીત-ગઝલમાં વિશેષ મહોરે છે. જ્યારે એક જ સ્વરૂપમાં ઢગલાબંધ કાવ્યો લખાતાં હોય ત્યારે એ સ્વરૂપમાં નિજી મુદ્રા ઉપસાવવી ભારે મુશ્કેલ કામ છે. હર્ષદ ત્રિવેદી કોઈના પર કે પોતાના પર પ્રભાવિત થયા વિના સહજતાથી જે આવે એને આલેખે છે. એમની કલમ સ્વસ્થ અને મધ્યમમાર્ગી છે. પરંપરા હોય એટલે વિદ્રોહ કરવો એવો કોઈ દુરાગ્રહ નથી. તો આધુનિકતા પ્રત્યે આંધળો મોહ નથી. કવિતામાં મહત્વનો અંતે તો પોતાનો રણકો છે. હર્ષદ ત્રિવેદી માત્ર કવિ નથી. વાર્તાકાર છે. બાળવાર્તાઓ પણ લખી છે. સંપાદનો પણ કરતા રહ્યા છે. આ પહેલાં એમના બે કાવ્યસંગ્રહો ‘એક ખાલી નાવ’ અને ‘રહી છે વાત અધૂરી’ પ્રગટ થયા છે.

- સુરેશ દલાલ


0 comments


Leave comment