1 - તારો અવાજ / હર્ષદ ત્રિવેદી


ઘણી વાર
મેં સાંભળ્યો છે તારો અવાજ.

હવામાં રમતી ઘંટડી સાથે ગોઠડી કરતો,
વાણી જયરામની રેકર્ડમાં પીન બની ફરતો;
કિર્ર...કિર્ર...કિ...ઇ...ર્ર કલકલિયાનાં આવર્તનોનો
પીછો કરવા પાંખ ફફડાવતો તારો અવાજ.

ક્યારેક
સૂરજની લાલઘૂમ ઝાલર ઉપર
રજનીગંધાની છડીના ડંકે બજી ઊઠતી તું.
અનુરણન શમે ત્યાર પહેલાં તો -

ગોળો વીછળવા ફરતો તારો હાથ
ને
ખળળ ખળ્ કરતું એકાએક
ઢગલો થઈ જતું પાણી
અંદરથી ડહોળી નાખે છે મને,
યાદ અપાવે છે
કોઈ વણછીપી અબોલ તરસની !

ચમચા-ચીપિયાના ચમચમાટ વચ્ચે
ગણગણી ઊઠતા તારા અવાજને
પકડમાં લેતી સાણસીને હું સાંભળું છું
ને
એક આછી તિરાડ પડે છે મારા લયમાં !

દૂધ મેળવતાં પહેલાં
હથેલીભર મેળવણ ચાખવાની તારી ટેવ
ખનકતી બંગડીની સાથે

થીજાવી દે છે મને
'છરીએ કાપે એવા' દહીંની જેમ
ને
હું સાંભળી રહું છું
વલોણાનો ધમ્મર...ઘમ્મ અવાજ.

વર્ષોથી બંધ પડેલા કોઈ સાજમાં
દબાયેલો- પુરાયેલો - ડુસ્કાતો સ્વર,
ક્યાંક કાટ ખાયેલા મિજાગરાનો
કડડડ... કટ્
ઊઘડતો અવાજ
બધું એકસામટુ...
ધમ્મરઘમ્મ...ઘમ્મરઘમ...

હજીયે હું શોધું છું તારો અવાજ
મધુર- મધ્ધમ-મલપતો
રવાદાર રણકતો
મારા કોઈ ગીતની પંક્તિ શો
ચળકતો તારો અવાજ !


0 comments


Leave comment