2 - પુષ્પગુચ્છ / હર્ષદ ત્રિવેદી


તારે મને
પુષ્પગુચ્છ મોકલવાની જરૂર નહોતી.
સામે ઊભો છે
સાવ નાનકડો ગરમાળો
એકદમ વહાલો લાગે એવો.

ચાલી ગયેલાં પગની છાપ
ધ્યાનથી નીચી નજરે જોતાં જોતાં
અકસ્માત્ જડી આવેલો
એનો તાજો ફૂટેલો અંકુર.

તારા ફંટાયેલા પગલાનો અંગૂઠો
અડું અડું જ હતો
ને એ સ્હેજમાં બચી ગયેલો નખશિખ !

હજી તો
એનું થડે ય પાકું થયું નથી
ને તોય
ફરફરી રહી છે કપાળે સુવર્ણલટ !

રોજ નીકળી પડું છું
પગલાં પાછળ
ક્યારેક ઉન્માદથી તો ક્યારેક ટેવવશ.
નથી જવાતું આગળ,
અટકી જાય છે પગ.

અત્યારે
સ્વાગત કરે છે ભવ્ય ગરમાળો
થઈને નાનકડો પુષ્પગુચ્છ !

ને
સહજપણે જ જોવાઈ જાય છે ઊંચે,
તેથી જ કહું છું
તારે મને
પુષ્પગુચ્છ મોકલવાની જરૂર નહોતી !


0 comments


Leave comment