3 - પીડા / હર્ષદ ત્રિવેદી


જાણતો નથી , જાણતો નથી.
વિરહ - વ્યથા કેટલી તને પીડતી હશે,
જાણતો નથી.
સ્વમાં એવો તો ખોવાયો છું
કે મને માત્ર મારી પીડાની જ જાણ છે.

અંજન - શલાકા થઈને,
સૂર્યનું પ્રથમ કિરણ રોજ આંજે છે,
મારી આંખોમાં તારા નામનો હળવો ઉજાસ.
ને હું ઝબકી ઊઠું છું.
પડકારે છે મને,
પાંખ વીંઝીને જતી કિલકારી.
ને તને તો ખબર છે -
હું ઊડવાનું જાણતો નથી !

ઘણી વાર દેખાય છે
મને તારું ભવન.
હવામાં લ્હેરાતો એનો ધ્વજ,
કોટ ને કાંગરા, જાળી ને જાળિયાં;
ઉશ્કેરે છે મને તારી કને દોડી આવવા
હું ડગ ભરું છું
સામે દેખાય છે અફાટ સમુદ્ર.
ને તને તો ખબર છે -
હું તરવાનું પણ જાણતો નથી !

મને યાદ છે.
એક વાર તેં કહેલું :
'ચાહવાનું સુખ મને મળે છે
એનાથી શતાધિક તને મળો !
મારા વિરહમાં તને જે થાય છે
એનાથી સહસ્ત્રગણી પીડા મને મળો !'

હવે હું
મને જાણતો નથી.
જાણું છું,
માત્ર મારી પીડાથી તને જાણું છું !


0 comments


Leave comment