4 - પ્રતીક્ષા / હર્ષદ ત્રિવેદી


સામેના વૃક્ષની
ડાળી ચીંધીને તેં કહેલું :
પીળાં થઇને ખરશે એક પછી એક પાન,
ને જ્યારે નહીં રહે એકેય પાંદડું
ત્યારે હું આવીશ અચાનક વસંત જેમ !

ધોમધખતા તાપમાંય
નજર ખસેડી નથી એના પરથી,
રોજ ગણ્યું છે એનું એકએક પાન !
હળવે પગલે બહાર આવતી
પીળી નસોને જોઇ છે ધરખમ નજરે !

આજે
સરત ચુકાવીને
ટગલી ડાળેથી ખેરવી પાડ્યું એણે છેલ્લું પાન !
ડાળીનો બદલાવા લાગ્યો છે રંગ
નસેનસમાં ફરી વળ્યો છે ધબકાર
નવું પાન ફૂટ્યું કે ફૂટશે !
વસંત આવી કે આવશે !
જોયા કરું છું વિસ્મયથી
ને પાન તો એક પછી એક ફૂટ્યે જ જાય છે !
લીલી-કૂમળી એની ચમક
જાણે તારી આંખો !

હવે તો -
ડાળીઓ ય દેખાતી બંધ.
નથી દેખાતું પાન સિવાય કશું
ધીમે ધીમે બદલાય છે તે
પાનનો રંગ કે તારી આંખનો?
નક્કી થઈ શકતું નથી
વસંત આવવામાં છે કે જવામાં ?

થાય છે :
નવું વચન આપવા કે
આપેલું વચન પાળવા માટે જ નહીં
પણ, આ વૃક્ષને જોવા માટે ય
તારે આવવું રહ્યું !


0 comments


Leave comment